લિસ્ટર, જૉસેફ (જ. 5 એપ્રિલ 1827, આટીન, ઇસેક્સ, યુ.કે.; અ. 10 ફેબ્રુઆરી 1992, વાલ્મર, કૅન્ટ, યુ.કે.) : અંગ્રેજ સર્જ્યન. લંડનમાંની યુનિવર્સિટી કૉલેજમાં ભણ્યા હતા. તેમણે પાશ્ચરના જીવાણુઓથી ચેપ લાગવાના સિદ્ધાંત(theory)ને આગળ ધપાવીને સન 1865માં ચેપ-રહિત શસ્ત્રક્રિયા(aseptic surgery)નો સિદ્ધાંત સ્થાપ્યો. તે માટે તેમણે શસ્ત્રક્રિયાનાં સાધનોને તપાવવા ઉપરાંત કાબૉર્લિક ઍસિડ વડે પણ સાફ કર્યાં હતાં. તેના વડે શસ્ત્રક્રિયા પછીનો મૃત્યુદર એકદમ ઘટાડી શકાયો હતો. તેમણે અવશોષાય એવી સૂત્રિકાઓ (ligatures) અને નિષ્કાસન નળીઓ (drainage tubes) પણ વિકસાવી જે હાલ પણ વપરાશમાં છે. સન 1839માં જસ્ટીન વૉન લિબિગે એવો વિચાર પ્રચલિત કર્યો હતો કે હવાથી ચેપ ફેલાય છે. તેથી તેમણે હવાથી ઘાવને દૂર રાખવાની પદ્ધતિઓ વિકસાવી હતી. લિસ્ટરે દર્શાવ્યું કે હવા ઉપરાંત અન્ય રીતે પણ ચેપ લાગે છે. માટે તેમણે શસ્ત્રક્રિયાનાં સાધનોને પણ સૂક્ષ્મજીવમુક્ત કરવા માટે તેમને તપાવવાની તથા કાબૉર્લિક ઍસિડ વાપરવાની રીત વિકસાવી.
લિસ્ટરના પિતા ભૌતિકવિદ હતા. તેમણે કેકર શાળામાં અભ્યાસ કરીને લંડનની યુનિવર્સિટી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો તથા સ્નાતક બન્યા. તે પછી તેઓએ ઑક્ટોબર, 1848માં તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ શરૂ કર્યો અને 1852માં તબીબીવિદ્યામાં સ્નાતક બન્યા. ઑક્ટોબર, 1856માં તેઓ એડિનબર્ગ રૉયલ ઇન્ફર્મરીમાં મદદનીશ સર્જ્યન તરીકે જેમ્સ સાઇમના હાથ નીચે જોડાયા. તેમણે પાછળથી તેમની સાથે લગ્ન કર્યું. તેમને કોઈ સંતતિ ન હતી. 1859માં તેઓ ગ્લૅસ્ગો યુનિવર્સિટીમાં શસ્ત્રક્રિયાના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને સન 1861માં ગ્લૅસ્ગો રૉયલ ઇન્ફર્મરીમાં સર્જ્યન બન્યા તથા તેમને
એક નવા મકાનમાં ‘હૉસ્પિટલ રોગ’(હાલની સમજણ પ્રમાણે ચેપ)થી શસ્ત્રક્રિયા પછી મૃત્યુ થતું અટકે એટલે નીમવામાં આવ્યા; પરંતુ સન 1861થી 1865 દરમિયાન તેમણે 50 % દર્દીઓ કે જેમનામાં અંગોચ્છેદન (amputation) કરવામાં આવ્યું હતું તેમને મૃત્યુ પામતા જોયા. તેથી તેમણે ચેપરહિતતાના પ્રયોગો શરૂ કર્યા. સૌપ્રથમ તેઓ પરાગ-સમરજ (pollen-like dust)થી ચેપ થાય છે એવું માનતા હતા; પરંતુ સન 1865માં પાશ્ચરના જીવાણુજન્ય ચેપનો સિદ્ધાંત પ્રકાશિત થયો એટલે તેમણે તે વિચારને વિકસાવીને ઘાવમાંના ચેપમાં પણ તેનો ઉપયોગ કર્યો. તે સમયે કાબૉર્લિક ઍસિડ વડે ખેતરોમાં પરોપજીવીઓને મારવાના કેટલાક પ્રયોગો થયેલા હતા. લિસ્ટરે આ બંને માહિતીને ભેળવી અને ઘાવને સાફ કર્યા પછી તેમાં કાબૉર્લિક ઍસિડનો ઉપયોગ કર્યો. સન 1867માં તેમણે બ્રિટિશ મેડિકલ ઍસોસિયેશનની સભામાં જણાવ્યું કે 9 મહિનાથી તેમણે તેમના વૉર્ડમાં ચેપ વગરની શસ્ત્રક્રિયા કરેલી છે. શરૂઆતમાં તેમની વાતનો વિરોધ તથા અવગણના થયાં, પરંતુ પાછળથી તેને સ્વીકૃતિ મળતી ગઈ. સન 1878માં રૉબર્ટ કોકે જર્મનીમાં વરાળથી શસ્ત્રક્રિયાનાં સાધનોને સૂક્ષ્મજીવરહિત કરવાની પ્રક્રિયા દર્શાવી હતી. ત્યાંના સર્જ્યનોએ તે પદ્ધતિ અપનાવી. લિસ્ટરની ‘સૂક્ષ્મજીવ’થી ઘાવમાં ચેપ લાગે છે તે વાતનો ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં વિરોધ હતો; પરંતુ કાબૉર્લિક ઍસિડનો લાભ સૌ સ્વીકારતા હતા. તેમની જર્મનીની મુલાકાતે (1875) ખાસ પરિણામ ન આપ્યું, પણ અમેરિકાની મુલાકાતે (1876) ઘણો ઉત્સાહ આપ્યો; પરંતુ જ્યાં સુધી લંડનમાં તેમના વિચારની સ્વીકૃતિ ન થાય ત્યાં સુધી તેમનો સિદ્ધાંત સ્વીકારાય તેમ ન હતો.
સન 1877માં તેઓ કિંગ્સ કૉલેજ, લંડન ખાતે પ્રાધ્યાપકના આસને નિમાયા. તેમણે ત્યાં 1877ની 26મી ઑક્ટોબરે સૂક્ષ્મજીવરહિત સ્થિતિમાં શસ્ત્રક્રિયા કરી. આની ઘણી વ્યાપક જાહેરાત થઈ હતી અને તેનો વિરોધ પણ વ્યાપક હતો; પરંતુ તેની સફળતાએ તબીબી જગતમાં એક નવો જ ઇતિહાસ સર્જ્યો. સન 1883થી તેમને માન-સન્માન મળવાં માંડ્યાં. તેમણે સન 1891માં પૂર્વનિવારણલક્ષી (preventive) તબીબી વિદ્યાની સૌપ્રથમ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી. સન 1892માં તેમની પત્ની મૃત્યુ પામી અને ત્યારબાદ તેઓ નિવૃત્ત થયા. 1895થી 1900ની સાલ સુધી તેઓ રૉયલ સોસાયટીના પ્રમુખપદે રહ્યા હતા.
શિલીન નં. શુક્લ