લિસિપસ (Lysippus)  (ઈ. પૂ. ચોથી સદી, સિસિયોન, ગ્રીસ) : પ્રસિદ્ધ પ્રાચીન ગ્રીક શિલ્પી. મેસેડોનના રાજા ફિલિપ અને ઍલેક્ઝાન્ડર ધ ગ્રેટના સમયગાળા (ઈ.પૂ. 336થી 323 સુધી) દરમિયાન તેમણે મહત્ત્વનું કલાસર્જન કર્યું.

મૂળમાં કાંસામાંથી શિલ્પો કંડારવા ટેવાયેલા લિસિપસ કારકિર્દીની ટોચે પહોંચ્યા ત્યારે આરસમાંથી શિલ્પો કંડારતા થયા હતા. એમના પુરોગામી શિલ્પી પૉલિક્લિટસના શિલ્પ ‘સ્પિયરબેરર’(ભાલાધારી)માં નગ્ન પુરુષના અંગોપાંગોના પ્રમાણમાપમાં થોડા ફેરફાર કરી લિસિપસે  નગ્ન પુરુષના શરીરનો પોતાનો આગવો આદર્શ ઊભો કર્યો. પૉલિક્લિટસના નગ્ન પુરુષના ધડને પાતળું કરી તેમજ મસ્તિષ્કનું કદ પણ ઘટાડીને લિસિપસે મર્દાનગીભર્યા પુરુષના દેહમાં અપૂર્વ લાવણ્ય અને નજાકત પ્રકટાવ્યાં.

ઈસુની પહેલી સદીના પ્રાચીન રોમન લેખક પ્લિની ધી એલ્ડરના અભિપ્રાય અનુસાર લિસિપસે 1,500થી પણ વધુ શિલ્પો કંડારેલાં અને એ બધાં જ કાંસામાં હતાં. એમાંથી આજે એક પણ હયાત નથી; પણ કેટલાંકની રોમન શિલ્પીઓએ આરસમાં કંડારેલી નકલો મોજૂદ છે. આ નકલોમાંથી આજે સૌથી વધુ જાણીતું શિલ્પ ‘એપૉક્સિઓમિનસ’ છે. એમાં એક પૂર્ણ નગ્ન સ્નાયુબદ્ધ ને રૂપાળા નવયુવકને ડાબા હાથના પંજાથી જમણા હાથની કોણીની ચામડીને ખંજવાળતો કંડારેલો છે. લિસિપસે કંડારેલા મૂળ એપૉક્સિઓમિનસને રોમન સમ્રાટ ટિબેરિયસે એગ્રીપ્પાના સ્નાનાલયમાં ગોઠવેલો. એની આજે મોજૂદ આરસમાં કંડારેલી રોમન નકલ મૂળ કૃતિને સંપૂર્ણ વફાદાર છે એવું માનવામાં આવે છે.

ડાબા હાથના પંજાથી જમણા હાથની કોણી ખંજવાળતા નવયુવકનું લિસિપસે કંડારેલું શિલ્પ

લિસિપસ સમ્રાટ ઍલેક્ઝાન્ડરના પ્રિય શિલ્પી હતા. ઍલેક્ઝાન્ડરના બાળપણથી જ લિસિપસે તેને કંડારવો શરૂ કરેલો, તેથી લિસિપસ સારી એવી માત્રામાં તે સમ્રાટને કંડારી શકેલો. એમાંથી ખભા સુધીનું ઍલેક્ઝાન્ડરનું એક બસ્ટ અને એક આખું શિલ્પ આજે લુવ્રમાં છે. બીજું એક ઍલેક્ઝાન્ડરનું આખું શિલ્પ લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે.

આ ઉપરાંત ઈ. પૂ. 372માં ખેલાયેલી ઑલિમ્પિક્સના એક વિજેતા ‘ટ્રૉઇલસ’, ‘પેન્કેટ્રિયન’ ગેમ્સના વિજેતા ‘એગિયાસ’ અને ‘કોરિડસ’, ‘ઝિયસ’, ‘હેરાક્લસ’ તથા ચાર ઘોડાવાળો સૂર્યનો રથ તેમણે કંડારેલા એવું પ્રાચીન સાહિત્ય દ્વારા જાણી શકાય છે. એમાંના બેઠેલી મુદ્રામાં કાંસામાં કંડારેલા વિરાટકાય શિલ્પ ‘હેરાક્લસ’ને 1022માં રોમથી કૉન્સ્ટેન્ટિનોપલ લઈ જઈ પિગાળી દેવામાં આવેલું.

અગિયારસો વરસ પછી રેનેસાં-શિલ્પી માઇકલૅન્જેલોએ લિસિપસના પુરુષદેહોની નજાકતનો પોતાનાં શિલ્પો દ્વારા પુનરુદ્ધાર કર્યો.

અમિતાભ મડિયા