લિસિટ્ઝ્કી, એલ (Lissitzky, El) (જ. 10 નવેમ્બર 1890, સ્મૉલૅન્સ્ક, રશિયા; અ. 1941, મૉસ્કો, રશિયા) : મૂળ નામ લેઝર માર્કોવિચ લિસિટ્ઝ્કી (Lazar Markovich Lissitzky). આધુનિક રશિયન ચિત્રકાર, ડિઝાઇનર અને ટાઇપોગ્રાફર (અવનવા ઘાટના અક્ષરો સર્જનાર). રશિયન અમૂર્ત ચિત્રકલાના પ્રસ્થાપકોમાંનો એક. ટાઇપોગ્રાફી, જાહેરાતકલા અને પ્રદર્શનકલા(exhibition design) ક્ષેત્રે તે રશિયામાં મુખ્ય ચીલો પાડનારો બન્યો.
જર્મનીના ડૅર્મસ્ટૅટ ખાતે ઇજનેરી વિદ્યાનો અભ્યાસ પૂરો કરી 1919માં લિસિટ્ઝ્કી રશિયા પાછો આવ્યો. માર્ક શૅગાલે તેની વિટેબ્સ્ક ખાતેની રિવોલ્યૂશનરી સ્કૂલ ઑવ્ આર્ટ ખાતે શિક્ષક તરીકે નિમણૂક કરી. અહીં પ્રસિદ્ધ ચિત્રકાર કાસીમીર માલેવિચ સહશિક્ષક તરીકે હતો. બાહ્ય જગતનું અનુકરણ કરવાને બદલે ભૂમિતિના મૂળભૂત શુદ્ધ આકારોનો વિનિયોગ કરી ચિત્રો-શિલ્પોનું સર્જન કરવા માટેની ‘સુપ્રેમેસિસ્ટ’ શૈલીનો માલેવિચ પ્રણેતા હતો. લિસિટ્ઝ્કી પર માલેવિચનો પ્રગાઢ પ્રભાવ પડ્યો. 1919થી લિસિટ્ઝ્કીએ પણ અમૂર્ત ચિત્રો સર્જવા શરૂ કર્યાં. મૉસ્કો ખાતેની સ્ટેટ આર્ટ સ્કૂલમાં 1921માં લિસિટ્ઝ્કી પ્રોફેસર નિમાયો; પણ તત્કાલીન સામ્યવાદી સોવિયેત સરકારે અમૂર્ત કલા ઉપર લાલ ડોળો કર્યો, તેથી તે રશિયા છોડી જર્મની ભાગી ગયો. ત્યાં ચિત્રકાર અને ડિઝાઇનર લાઝ્લો મોહોલી-નૅગી સાથે મેળાપ થયો. મોહોલી-નૅગી તુરત જ લિસિટ્ઝ્કીના પ્રભાવ નીચે આવ્યો અને મોહોલી-નૅગી બાઉહાઉસ કલા મહાશાળામાં પ્રોફેસર હોવાને પરિણામે પશ્ચિમ યુરોપના ઘણા કલાકારો લિસિટ્ઝ્કીના પરોક્ષ પ્રભાવ હેઠળ આવ્યા.
1925થી 1928 સુધી લિસિટ્ઝ્કીએ હૅનોવરમાં નિવાસ કર્યો. 1922 પછી એણે કલામાં આધુનિકતા, ઔદ્યોગિકીકરણ અને ઉપયોગિતાનો પ્રચાર કરતાં ઘણાં સામયિકો સ્થાપ્યાં અને ચલાવ્યાં. 1929માં એ રશિયા પાછો ફર્યો અને મૉસ્કોમાં રહ્યો. ટાઇપોગ્રાફી, પ્રિન્ટિંગ, ફોટોમૉન્ટાજ અને સ્થાપત્યક્ષેત્રે પ્રયોગો કરવા ચાલુ રાખ્યા. એ પ્રયોગોની અસર પણ પશ્ચિમ યુરોપ પર પડી.
અમિતાભ મડિયા