લિલી, જૉન (જ. 1554 ?, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. નવેમ્બર 1606, લંડન) : અંગ્રેજી ભાષાના વિશિષ્ટ ગદ્યકાર અને નાટ્યકાર. કૅન્ટરબરીની કિંગ્ઝ સ્કૂલ અને ઑક્સફર્ડની મૅગડેલન કૉલેજમાં તેમણે શિક્ષણ લીધું હતું. તેમણે કેમ્બ્રિજમાં પણ અભ્યાસ કર્યો હતો. 1598થી 1601 દરમિયાન તેઓ પાર્લમેન્ટમાં ચૂંટાયા હતા. ‘યૂફ્યુઇઝ, ઑર ધી એનૅટોમી ઑવ્ વિટ’ (1578), ‘યૂફ્યુઇઝ ઍન્ડ હિઝ ઇંગ્લૅન્ડ’ (1580) દ્વારા તેમને પ્રસિદ્ધિ મળી. આડંબરી અને શબ્દાળુતાથી ભરી ભરી શૈલીનો તે રચનાઓ પર્યાય બની ગઈ. યૂફ્યુઇઝ-વિષયક રચનાઓમાં રસ અને કુતૂહલ પેદા કરનાર સૌંદર્યલક્ષી કથાની ગૂંથણી છે. તેમાં પત્રો દ્વારા ધર્મ, પ્રેમના વિષયો પરનાં સંભાષણો છે. લિલીનો મુખ્ય હેતુ પ્રજાને શિક્ષણ આપવાનો હતો. ઇંગ્લૅન્ડના નવજાગૃતિના સમયમાં એક નવા સાહિત્યસ્વરૂપનું અવતરણ થવાનું આ રચનાઓ નિમિત્ત બની.

1580 પછી લિલી આ પ્રકારનાં લખાણોનું વિશેષ ખેડાણ કરવાનું માંડી વાળી પોતાનાં નાટકોનું સર્જન કરવા તરફ વળ્યા. બ્લૅકફ્રાયર્સ થિયેટરમાં તેમનાં ગીતોથી મઢેલાં નાટકો ‘સૅફો’ અને ‘ફૅઓ’ની રજૂઆત 1583માં ઑક્સફર્ડના વિદ્યાર્થીઓએ કરી. ‘પૉલ્સ બૉયઝ’ મંડળી અને ‘ચૅપલ ચિલ્ડ્રન’ નટમંડળીઓએ તેમનાં નાટકો ભજવેલાં. તેમના ‘ગૅલાથિયા’ (1584) અને ‘ઍન્ડિમિયૉન’ (1586–87), ‘લવ્ઝ મેટામૉર્ફોસિસ’ અને ‘મિડાસ’ (1589), ‘મધર બૉમ્બી’ (1590) અને ‘ધ વુમન ઇન ધ મૂન’ (1597) નાટકો રંગભૂમિ પર ભજવાયાં હતાં. આમાંના છેલ્લા નાટકમાં કોઈ આદર્શ સમાજના ગોવાળિયાઓ પ્રકૃતિ પાસે, તેમના માલમિલકતની રક્ષા કરે તેવી દેવીના પ્રાકટ્ય માટે પ્રાર્થના કરે છે. પ્રકૃતિ તેમના રક્ષણ માટે પૅન્ડૉરાનું સર્જન કરે છે. સાત ગ્રહોની જુદી જુદી કક્ષાની અસર વડે તે પોતાનો પ્રભાવ દાખવે છે. જોકે પૅન્ડૉરા દેવીની અસર તળે ગોવાળિયાઓ જાત જાતના ગૂંચવાડાઓ અનુભવે છે. લિલીનું આ નાટક જ પદ્યમાં લખાયેલું છે. ‘ઍન્ડિમિયૉન’ આમાંનું શ્રેષ્ઠ નાટક ગણાયું છે. રાણી એલિઝાબેથના સમયમાં લખાયેલાં હાસ્યપ્રધાન નાટકોમાં લિલીનાં નાટકો તેમાંના ગદ્યસંવાદોને લીધે જાણીતાં રહ્યાં છે. ‘પૅપ વિથ ઍન હૅચેટ’ (1589) ધર્મગુરુઓ(bishops)ના બચાવ માટે લખાયેલી કટાક્ષમય નાનકડી પુસ્તિકા છે. ‘યુનિવર્સિટી વિટ્સ’ના કિડ, ગ્રીન, માર્લો ઉપરાંત શેક્સપિયર જેવા નાટ્યકારોના સાહિત્યની બોલબાલા થતાં લિલી તરફ ઉપેક્ષા સેવાઈ; એટલું જ નહિ, પરંતુ રાણી એલિઝાબેથે પણ તેમને આર્થિક મદદ કરી નહિ. વળી એમની કૃતિઓને કોઈ દાદ મળી નહિ. તેમની ‘માસ્ટર ઑવ્ ધ રેવેલ્સ’નું પદ મેળવવાની મહત્વાકાંક્ષા પણ ફળીભૂત થઈ નહિ. લિલીના જીવનનો અંત ગરીબાઈ અને કટુતામાં આવ્યો હતો. 1902માં આર. ડબ્લ્યૂ. બૉન્ડે તેમની સમગ્ર કૃતિઓનું સંપાદન કર્યું. જી. કે. હન્ટરે ‘જૉન લિલી : ધ હ્યૂમનિસ્ટ ઍઝ કૉર્ટિયર’ (1962) લખ્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી