લિયોપોલ્ડ, આલ્ડો

January, 2004

લિયોપોલ્ડ, આલ્ડો (જ. 11 જાન્યુઆરી 1886, બર્લિંગ્ટન, આઇઓવા; અ. 21 એપ્રિલ 1948) : એક પ્રકૃતિવિદ. તેમણે યેલ યુનિવર્સિટીમાં 1908માં સ્નાતક ઉપાધિ અને બીજા જ વર્ષે ત્યાંથી અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. 1909થી 1927 સુધી તેમણે વી. એસ. ફૉરેસ્ટ સર્વિસ માટે સેવા આપી. 1933માં તેમણે વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદ સ્વીકાર્યું અને ત્યાં તેમણે જીવનપર્યંત સેવા આપી. તેમણે વન્યપ્રદેશ(wilderness)ના સંરક્ષણનો લોકોમાં સૌપ્રથમ વાર રસ ઉત્પન્ન કર્યો. તેમની માન્યતા પ્રમાણે ખલેલરહિત વન્ય પ્રદેશ એક મૂલ્યવાન સંપત્તિ છે અને લોકોએ વન્યવિસ્તારોને ઓછામાં ઓછી ખલેલ પહોંચાડી આનંદ પ્રાપ્ત કરવો જોઈએ. તે વન્યપ્રદેશ-સંરક્ષણ અને વન્યજીવન-પ્રબંધ (wildlife management) માટે વિશ્વભરમાં નિષ્ણાત તરીકે જાણીતા હતા. તેમનું પુસ્તક ‘શિકારપ્રબંધ’ (Game Management, 1933) આ ક્ષેત્રનું એક ઉત્કૃષ્ટ સર્જન ગણાય છે. તેમણે સંરક્ષણ પર અનેક નિબંધો લખ્યા હતા અને ‘એ સેન્ટ કાઉન્ટી આલ્મેનેક’ (1949) અને ‘રાઉન્ડ રિવર’(1953)માં પ્રકાશિત થયા હતા.

ઇંગ્લૅન્ડના ચાર્લ્સ સધરલૅન્ડ એલ્ટને લિયોપોલ્ડના પ્રાણી-પરિસ્થિતિવિજ્ઞાનનાં શરૂઆતનાં સંશોધનો પર ભાર મૂક્યો. લિયોપોલ્ડ આલ્ડોથી વધારે સારી રીતે નિવસનતંત્ર(ecosystem)ની સુસંગતતા વિશેની સંકલ્પના કોઈએ રજૂ કરી નથી. તેમણે કહ્યું છે : ‘સોનેરી કાયદો વ્યક્તિને સમાજ સાથે સંકલિત કરવાનો પ્રયત્ન કરે છે અને લોકશાહી સામાજિક સંગઠનને વ્યક્તિ સાથે સંકલિત કરે છે. છતાં મનુષ્યના ભૂમિ સાથેના સંબંધ વિશે હજુ સુધી કોઈ નૈતિક સમજ કેળવાઈ નથી. ભૂમિ હજુ પણ નિ:શંક લાભદાયી છે. બે નીતિશાસ્ત્રો દ્વારા જે થોડી પણ પ્રગતિ થઈ છે તે ભૂમિ વિના ચોક્કસ ગુમાવાશે.’

બળદેવભાઈ પટેલ