લિયોનાર્દો દ વિન્ચી

January, 2004

લિયોનાર્દો દ વિન્ચી

(જ. 15 એપ્રિલ 1452, વિન્ચી, ટસ્કની, ઇટાલી; અ. 2 મે 1519, કલુ, ફ્રાન્સ) : વિશ્વપ્રસિદ્ધ રેનેસાં-ચિત્રકાર, યુગદ્રષ્ટા, વિચારક-ચિંતક, સૌન્દર્યજ્ઞ (aesthete), પ્રયોગશીલ ઇજનેર અને ઉડ્ડયનશાસ્ત્રી (aerodynamist). માત્ર બે જ કલાકાર એના સમકાલીન હરીફ હતા : માઇકલૅન્જેલો અને રફાયેલ. પોતાની બહુમુખી પ્રતિભાને કારણે લિયોનાર્દો ‘યુનિવર્સલ મૅન’ તરીકે સર્વસ્વીકૃતિ પામ્યો છે.

લિયોનાર્દો દ વિન્ચી (આત્મચિત્ર)

ઇટાલીના ટસ્કની વિસ્તારમાં વિન્ચી ગામે કૅતેરિના નામની કુંવારી ગ્રામીણ કન્યા અને આબરૂદાર જમીનદાર તથા નૉટરી સેર પિયેરો દ વિન્ચીના પ્રેમસંબંધ રૂપે લિયોનાર્દોનો જન્મ થયેલો. લિયોનાર્દોના જન્મ પછી ટૂંક સમયમાં એક કારીગરને કૅતેરિના પરણી ગઈ હતી. કૅતેરિનાના પતિનું નામ હતું ઍક્ટેબ્રિગા દ પિયેરો દેલ વાચા દ વિન્ચી. શરૂઆતનું બાળપણ લિયોનાર્દોએ પોતાની માતા સાથે વિન્ચી ગામ પાસે વિતાવ્યું, જ્યાં પિતા પિયેરો પોતાની કાયદેસરની પત્ની સાથે રહેતો હતો. અહીં પ્રકૃતિને ખોળે લિયોનાર્દોમાં વૃક્ષો, ફૂલો, લતાઓ, પંખીઓ, ગરોળીઓ, ટેકરીઓ અને આકાશનું નિરીક્ષણ કરવાની આતુરતા અને વિસ્મય પ્રગટ્યાં. આસમાની રંગની કીકીઓ અને વાંકડિયાં સોનેરી જુલ્ફાં ધરાવતો લિયોનાર્દો રૂપાળો હતો. પિતા પિયેરોની પત્નીનો ખોળો થોડો સમય સૂનો રહેતાં તે કૅતેરિના પાસેથી આ રૂપાળા ‘બાસ્ટર્ડ’ને પોતાને ઘેર લઈ આવી, અને તેનું પોતાના બાળકની પેઠે જ જતન કરવું શરૂ કર્યું. અહીં પિતાના ઘરમાં લિયોનાર્દોને સામાન્ય શિક્ષણ મળ્યું. એક વાર તક મળતાં તેણે મરેલાં સડતાં પડેલાં અને ગંધાઈ ઊઠેલાં થોડાં નાનાં પ્રાણીઓ નોંધપાત્ર કુશળતાથી ચીતરેલાં.

1469ની આસપાસ લિયોનાર્દોનો પિતા તેને યુરોપના એ વખતના જાગૃતિ-કેન્દ્ર સમા નગર ફ્લૉરેન્સમાં લઈ આવ્યો. અહીં ફ્લૉરેન્સનો વિદ્વાન અને આપખુદ રાજવી લૉરેન્ઝો દ મેડિચી શ્રેષ્ઠ સાક્ષર બુદ્ધિજીવીઓને પનાહ આપી વિદ્વન્મંડળ રચી રહ્યો હતો અને બધી જ કલાઓનો આદર કરતો હતો. વિશ્વના શ્રેષ્ઠ ચિત્રકારો અને શિલ્પીઓ એ વિદ્વન્મંડળમાં હતા, જે દુનિયા કેવી હોવી જોઈએ તે નહિ પણ દુનિયા કેવી છે તે ચીતરી નવી કેડી કંડારી રહ્યા હતા. આમ કલા હવે માત્ર ધાર્મિક અભિવ્યક્તિ ન બની રહેતાં જ્ઞાનની એક શાખાનું રૂપ લઈ રહી હતી. મેડિચી કુટુંબના શાસનકાળમાં ફ્લૉરેન્સ નગરમાં ચર્ચના પાદરીઓના જ્ઞાનમાં પણ વધારો થયો હોઈ તે થોડા વિનમ્ર બન્યા હતા; છતાં ઈશ્વર કે ધર્મપ્રથામાં નહિ માનવાને કારણે થતી સજાની પરિસ્થિતિ હજી ઊભી જ હતી. રોમન કૅથલિક ચર્ચ આ બાબતમાં પોતાના મતનો વિરોધ કરનારને સજા કર્યા વિના જવા દે એટલું ઉદાર થયું નહોતું.

1467માં લિયોનાર્દો ફ્લૉરેન્સના ખ્યાતનામ શિલ્પી, ચિત્રકાર અને ઝવેરી આન્દ્રેઆ વેરોકિયો પાસે તાલીમ લેવા માટે એના વર્કશૉપમાં જોડાયો. અહીંની છ વરસની તાલીમ દરમિયાન એણે ચિત્ર અને શિલ્પના પ્રત્યેક માધ્યમ પર કુશળતા મેળવી. કુતૂહલ અને ત્વરિત ગ્રહણશક્તિથી એણે કુદરતમાં એટલું બધુ સંશોધન કર્યું કે કુદરતની એવી એકે શાખા ન રહી જ્યાં એ ન પહોંચ્યો હોય. છલકાતા આત્મવિશ્વાસ અને પ્રબળ ઉત્સાહને કારણે એને કદાચ ધાર્મિક ઘડતર અને માનવીય પ્રેમની પણ જરૂર ન રહી. ગુરુ વેરોકિયોના અન્ય શિષ્યો કરતાં પ્રત્યેક કૌશલ્યમાં લિયોનાર્દો ઝળકી ઊઠ્યો અને પીંછી ચલાવવામાં તો તે વેરોકિયો કરતાં પણ વધુ પાવરધો પુરવાર થયો. વેરોકિયોના ચિત્ર ‘બૅપ્ટિઝમ ઑવ્ ક્રાઇસ્ટ’ના નીચેના ડાબા ખૂણામાં લિયોનાર્દોએ ઘૂંટણિયે પડતા યુવાન દેવદૂતને એટલો તો જીવંત અને રૂપાળો ચીતર્યો કે શિષ્યની કલાનો પરચો જોઈ ગુરુએ ચિત્રકલાને કાયમ માટે તિલાંજલિ આપી. વેરોકિયોને ખાતરી થઈ ચૂકી હતી કે પોતે ક્યારેય લિયોનાર્દોની સિદ્ધિને આંબી શકશે નહિ.

વેરોકિયો સાથે ભાગીદારીમાં લિયોનાર્દોએ ચીતરેલું ચિત્ર બેપ્ટિમમ ઑવ્ ક્રાઇસ્ટ

વળી સહાધ્યાયીઓ કરતાં લિયોનાર્દો બીજી રીતે પણ જુદો પડતો હતો. તે સાવ જ તરંગી અને અતિ ચંચળ હતો; તુરત જ કંટાળી જતો હતો. હાથ પર લીધેલાં કામ અધૂરાં જ પડતાં મૂકવાની એને આદત હતી. 1476માં વેરોકિયોનો શિષ્ય હતો ત્યારે જ જાહેર સ્થળે અન્ય ત્રણ યુવાનોની સાથે સજાતીય સંભોગ કરવા બદલ લિયોનાર્દોની ધરપકડ થઈ; પછી છુટકારો થયો. હવે લિયોનાર્દો અંતર્મુખી અને સમાજથી અળગો થઈ ગયો. તેણે ખેલદિલી ગુમાવી અને પોતાની અંગત વાતો છુપાવતો થઈ ગયો. તેણે ઠંડા વિનયવિવેકનું જાણે પથ્થરનું બનેલું મહોરું પહેરી લીધું, જેમાંથી સમાજ અને માનવજાત પ્રત્યેનો તીવ્ર ધિક્કાર ચમકી ઊઠતો હતો. તેણે હવે વેરોકિયોના સ્ટુડિયોનો ત્યાગ કરીને એકલવાયું જીવન આરંભ્યું અને થોડો સમય કોઈ કલાસર્જન કર્યું નહિ. અહીં વેરોકિયાના સ્ટુડિયોમાં હતો ત્યારથી જ તે આજીવન શાકાહારી બનેલો. આ સ્ટુડિયોમાં સહાધ્યાયી તરીકે સાંઝિયો રફાયેલ તથા પેરુજિનો પણ હતા, જે બંને આગળ જતાં ખ્યાતનામ ચિત્રકારો બન્યા.

1472માં એ જ્યારે વીસ વરસનો થયો ત્યારે ફ્લૉરેન્સના ચિત્રકારોના સંગઠને તેને સભ્ય તરીકે સ્વીકાર્યો અને તેથી તે હવે ફ્રીલાન્સ ધોરણે ચિત્રકામની વરદી મેળવવા માટે સ્વતંત્ર બન્યો. આખરે 1478માં વેકિયો મહેલમાં પ્રાર્થનાની વેદી માટે એક ચિત્ર ચીતરવાનો સોદો તેણે કર્યો, પણ તેણે ચિત્રકામ શરૂ કર્યું હોય એવી કોઈ સાબિતી મળતી નથી. પછી છેક 1481માં સાન દોનેતો અ સ્કોપેતો મઠના સાધુઓ તરફથી તેને ‘ઍડોરેશન ઑવ્ મેજાઈ’ ચિત્ર ચીતરવાની વરદી મળી. કાદવિયા ડહોળા પાણીમાં ઘડીમાં દેખાતી ને પાછી અદૃશ્ય થઈ જતી માછલીઓની પેઠે આ વિશાળ તૈલચિત્રમાં માનવઆકૃતિઓ પણ આપણી આંખો આગળ સંતાકૂકડી રમતી હોય તેવું લાગે છે. પ્રસિદ્ધ આધુનિક કલાવિવેચક કેનિથ ક્લાર્કે સૌપ્રથમ આ નિરીક્ષણ કરેલું. પોતાની લાક્ષણિકતા અનુસાર લિયોનાર્દોએ આ ચિત્રને પણ અધૂરું જ રાખ્યું છે, રંગો પણ નથી પૂર્યા, માત્ર કથ્થાઈ રંગથી પડછાયા જ ચીતર્યા છે; પણ, અડધું-પડધું સ્કૅચી અવસ્થામાં પડતું મૂકેલું આ ચિત્ર આજે પણ લોકોને ચુંબકની માફક આકર્ષે છે, એનું કારણ એમાં રહેલ અર્ધ-અભિવ્યક્ત સૂચન વડે લાગણીઓનાં સ્પંદન જગાડતી શક્તિ છે. જોકે કલા- ઇતિહાસકાર જ્યૉર્જિયો વસારી તો કહે છે કે આ ચિત્ર અપૂર્ણ છે જ નહિ, કથ્થાઈ પડછાયા અહીં ચિત્રિત બધી માનવઆકૃતિઓના મનોભાવોનું નિરૂપણ કરે છે, તેથી બિનજરૂરી રંગપૂર્તિ કરવાનું કોઈ પ્રયોજન લિયોનાર્દો પાસે નહોતું. દૂર ક્ષિતિજે પદાર્થો નાના દેખાતા જઈને એક બિંદુએ વિલીન થતા દર્શકની આંખને જોવા મળે છે તે ફિનૉમિનન(વૈશ્વિક ઘટના)નું આટલું બધું ગાણિતિક ચોકસાઈભર્યું બારીક આલેખન અત્યાર સુધીમાં કોઈએ નહોતું કર્યું. આ અધૂરા આલેખનને ચીવટપૂર્વક પૂરું કરતાં વરસો લાગે એમ હતું. પ્રકાશ-છાયાનો તીવ્ર વિરોધાભાસ ઊભો કરતી જે રમત અહીં છે તે ઇટાલિયન ભાષામાં કિયારોસ્કુઅરો (chiaroscuro) નામે ઓળખાઈ. ચિત્રની અગ્રભૂમિકામાં લિયોનાર્દોએ ત્રિકોણાકારે મુખ્ય આકૃતિઓ ગોઠવી છે. તેમાં વચ્ચે બાળ ઈસુને લઈને બેઠેલી માતા મેરી છે. ડાબી બાજુએ ઘૂંટણિયે પડેલો ફિલસૂફ વિચારોમાં ખોવાયેલો છે અને જમણી બાજુએ એક જુવાન સૈનિક ચિત્રની બહાર તાકે છે. ત્રિકોણાકારમાં ગોઠવાયેલી આ બધી મુખ્ય આકૃતિઓની ઉપર કમાન આકારમાં દર્શકોની ગૌણ આકૃતિઓ છે અને એની પણ ઉપર થાંભલા, કમાનો અને દાદરાનું સ્થાપત્ય અને એ સ્થાપત્ય વચ્ચે ઘોડેસવારો ચીતર્યા છે.

એ પછીની એની કૃતિ છે – ‘ઇનન્સિયેશન’. સ્વર્ગમાંથી દેવદૂત આવીને મેરીને જણાવે છે કે મેરીએ દૈવી ગર્ભ ધારણ કર્યો છે. આ ચિત્રમાં દેવદૂત અને મેરી બંનેના ચહેરા તદ્દન પથ્થર જેવા નિષ્પ્રાણ અને સ્તબ્ધ છે. ચહેરા પાછળ ઊતરી મનોગતને અંકિત કરવાની ખાસિયત આ ચિત્રમાં દેખાતી નથી; પરંતુ જે નિસર્ગથી આ બે આકૃતિઓ વીંટળાયેલી છે તેની લતાઓ, પુષ્પો, વૃક્ષો, ઘાસ અને ગોધૂલિભર્યું આકાશ અત્યંત જીવંત જણાય છે.

ત્રીસ વરસની ઉંમરે લિયોનાર્દો ફ્લૉરેન્સ છોડી મિલાન ગયો. અહીંના રાજવી લોડોવિકો સ્ફોર્ઝાના દરબારમાં માનપાન મેળવવાની એને આશા હતી. મિલાનમાં કલા કરતાં વ્યવહારુ જ્ઞાનનો મહિમા મોટો હતો, અને તેથી જ અહીં કલાકારો કરતાં જ્ઞાનીઓનો મહિમા વધુ હતો. ફ્લૉરેન્સના રાજવી લૉરેન્ઝો દ મેડિચી તરફથી તેણે જાતે ડિઝાઇન કરેલી ચાંદીની લાયર (મૅન્ડોલિન જેવું તંતુવાદ્ય) સ્ફોર્ઝાને ભેટ ધરી. એના દરબારમાં લિયોનાર્દોએ આત્મઓળખ આપતો પોતાનો એક પત્ર રજૂ કર્યો, જેમાં તેણે પોતાને મુખ્યત્વે એક એન્જિનિયર તરીકે ઓળખાવ્યો હતો અને યુદ્ધ માટેનાં અવનવાં શસ્ત્રોની શોધખોળ અંગેની પોતાની આવડતની આત્મપ્રશંસા કરેલી. છેક છેલ્લે તેમાં એક લીટી ઉમેરેલી : ‘વિશ્વનું પ્રત્યેક અંગ તથા માનવે ઉપજાવેલી પ્રત્યેક ચીજ હું ચીતરી શકું છું.’

સ્ફોર્ઝાના દરબારમાં લિયોનાર્દોનો સ્વીકાર એક કલાકાર તરીકે થયો. ફ્લૉરેન્સમાં વેરોકિયોનો જેવો વર્કશૉપ હતો તેવો મોટો વર્કશૉપ તેણે મિલાનમાં ઊભો કર્યો. તુરત જ ચિત્રકામની વરદી મળવી શરૂ થઈ. એક કૉન્વેન્ટ તરફથી પ્રાર્થના-વેદી માટેનું ચિત્ર કરવા માટેનો ઑર્ડર લિયોનાર્દોએ પોતાના જન્મજાત સ્વભાવ મુજબ વીસ વરસ પછી પણ પૂરો કર્યો નહિ, અને તેને કારણે કૉન્વેન્ટે તેની સામે કૉર્ટમાં દાખલ કરેલો કેસ તેથી પણ વધુ વરસો સુધી ચાલતો રહ્યો. ‘વર્જિન ઑવ્ ધ રૉક્સ’ નામે પ્રસિદ્ધિ પામેલા આ ચિત્રને લિયોનાર્દોએ બે વાર ચીતર્યું, જેમાંની પહેલી આવૃત્તિ હાલમાં પૅરિસના લુવ્ર મ્યુઝિયમમાં અને બીજી આવૃત્તિ લંડનની નૅશનલ ગૅલરીમાં છે. આ બંને ચિત્રો 20 વરસ પછી પૂરાં કરવામાં લિયોનાર્દોને એવાન્જેલિસ્તા અને ઍમ્બ્રોજિયો દ પ્રેદિસે મદદનીશ ચિત્રકારો તરીકે મદદ કરેલી. આ બંને ચિત્રોમાં એક દેવદૂત અને બાળ સંત જૉન સાથે બાળ ઈસુ તથા વર્જિન મેડૉનાનું આલેખન ખડકાળ કોતરોમાંથી વહેતી નદી અને ધુમ્મસથી વીંટળાયેલી ઊંચીનીચી ભેખડોની પશ્ચાદભૂમાં કર્યું છે. આવી પશ્ચાદભૂને કારણે આ બંને ચિત્રો ‘વર્જિન ઑવ્ ધ રૉક્સ’ નામે પ્રસિદ્ધિ પામ્યાં. આ બંને ચિત્રોમાં આ ચારેય માનવ-આકૃતિઓ આછા ધૂંધળા ધુમ્મસમાં વીંટળાયેલી હોવાથી તેમના ચહેરા પર પ્રકાશ અને છાયાનો તીવ્ર નહિ પણ મૃદુ વિરોધાભાસ ઊભો થાય છે, જેને માટે ઇટાલિયન ભાષામાં ‘સ્ફુમાટો’ (sfumato) શબ્દ વપરાય છે. બાળ સંત જૉન ઘૂંટણિયે પડીને બે હાથ જોડી બાળ ઈસુની ભક્તિ કરતા નજરે પડે છે. બાળ ઈસુ જમણા હાથની પહેલી બે આંગળીઓ ઊંચી કરી આશીર્વાદ આપે છે. વર્જિન મેડૉના એક હાથે બાળ સંત જૉનને આલિંગનમાં લે છે અને બીજો હાથ બાળ ઈસુ પર ધરે છે. લુવ્રમાં રહેલી આવૃત્તિમાં દેવદૂત બાળ સંત જૉન તરફ આંગળી ચીંધે છે અને નૅશનલ ગૅલરીમાં રહેલી આવૃત્તિમાં તે આંગળી ચીંધતી નથી, પણ નૅશનલ ગૅલરીમાં રહેલી આવૃત્તિમાં બાળ સંત જૉન, બાળ ઈસુ અને વર્જિન મેડૉનાના માથાની વેંત વેંત ઉપર પીળી વર્તુળાકાર રેખા ચીતરી દૈવી આભા પ્રકટાવી છે, જે લુવ્ર ખાતેની પહેલી આવૃત્તિમાં ગેરહાજર છે. એક આ ચિત્ર અને બીજા વેરોકિયોના ચિત્રમાં ડાબે ખૂણે ચીતરેલ દેવદૂત સિવાય લિયોનાર્દોએ કદી પણ દૈવી આકૃતિઓના માથા પર દૈવી આભા ચીતરી નથી.

પણ દરેક ચિત્ર ચીતરવામાં લિયોનાર્દોએ આટલો બધો સમય નહોતો લીધો. સ્ફોર્ઝાની રૂપાળી અને વિદ્વાન રખાત ચેચિલિયા ગાલેરાનીનું ચિત્ર તો તેણે તરત જ પૂરું કર્યું. હાથમાં સફેદ નોળિયો રમાડતી બેઠેલી ચેચિલિયાની ત્વચા આરસ જેવી ચળકે છે.

લિયોનાર્દોનું વ્યક્તિત્વ આકર્ષક હતું. એ શો-મૅન હતો. એને કોયડા, રમતો, શીઘ્રસ્ફુરિત ઉખાણાં અને જોડકણાં ઉપજાવવાની આદત હતી. મિત્રો સાથે એ પ્રેમાળ હતો. એ કુશળતાથી હાથચાલાકી અજમાવી શકતો, એ સારો ગાયક હતો. એના ટુચકા સાંભળી લોકો ખડખડાટ હસી પડતા. રાજાઓ અને ઉમરાવો એની દોસ્તી ઝંખતા. ચાહકો એને ‘ધ ડિવાઇન લિયોનાર્દો’ કહેતા.

મિલાનમાં સ્ફોર્ઝા માટે તેણે નગર-આયોજન કર્યું. બહુમાળી મકાનોની ઊંચાઈ જેટલી જ પહોળી વચ્ચેની શેરીઓ રાખી. દાદર બહાર દરેક મકાનમાં એણે ટૉઇલેટ અને ગટરોની વ્યવસ્થા કરી. સમજદારીપૂર્વક તેણે એક આદર્શ વેશ્યાલયની કલ્પના કરી. શહેરની બહાર લૉક વડે અંકુશમાં રહેતી કેનાલની પેલે પાર ઉદ્યોગોની સ્થાપના કરી. માણસનું કામ કરી આપવા માટે અહીં જળશક્તિથી ચાલતાં યંત્રો હતાં : લૅન્સ ગ્રાઇન્ડિંગ મશીનો; અરીસા, સોય અને છીણી બનાવતાં યંત્રો, સૉ મિલ્સ, ડિસ્ટિલરિઝ. આ મશીનો ચલાવવા માટે તેણે જાતભાતનાં ક્રેઇન્સ, પોસ્ટહોલ ડિગર, ડ્રેજર, પંપ, પાઇલ, ડ્રાઇવર્સ, પૉર્ટેબલ બ્રિજિઝ ઉપરાંત બીજાં પણ ઘણાં નવાં ઉપકરણો શોધ્યાં.

લિયોનાર્દોએ અધૂરું પડતું મૂકેલું ચિત્ર : ઍડોરેશન ઑવ્ મૅજાઈ

આ નવીન નગરીના રક્ષણ માટે તેણે ભયંકર શસ્ત્રો સર્જવાનું વિચાર્યું : વરાળથી ચાલતી તોપ, એક્સ્પ્લોસિવ શેલ્સ, ઝેરી ગૅસ, ટૅન્ક, ત્વરિત અગ્નિ ફેલાવતાં શસ્ત્રો, દુશ્મનો પર મોટા ખડકો ફેંકવા માટેનાં 24 મીટર પહોળાઈ ધરાવતાં વિરાટ કેટેપુલ્ટ–ધનુષ્ય તથા તોપગોળા સામે સુરક્ષિત કિલ્લેબંધી. યુદ્ધને તે ‘પાશવી ગાંડપણ’ કહેતો, છતાં શસ્ત્રવિદ્યા તેને આકર્ષતી અને તેથી યુદ્ધ તથા યુયુત્સુઓને તે મદદરૂપ થયો. યુદ્ધનો રથ દોડવા માંડતાં રથના ચક્રની ગતિથી આજુબાજુ અને આગળપાછળ જોડેલાં મોટાં ધારદાર દાતરડાં ફરવા માંડે એવી તેણે ડિઝાઇન કરેલી; પણ આ ડિઝાઇન તો તેને પોતાને જ પસંદ ના પડી, કારણ કે આવો રથ નજીક આવતાં દુશ્મન કે મિત્ર વચ્ચે કોઈ ભેદ પારખ્યા વિના જ કામ આપે ! આ પછી તેણે હાથ ફેરવવાના હાથા વડે ચાલતી અને સંપૂર્ણ કવચવાળી ટૅન્ક શોધી, જેની અંદરથી સૈનિકો તોપગોળા ફેંકી શકે પણ તેઓ પોતે દુશ્મનોથી ઘાયલ ન થાય. તે જ્યારે મિલાનના રાજાનો લશ્કરી એન્જિનિયર હતો ત્યારે આ બધા પ્રયોગો વિચારી જોયેલા.

દુર્ભાગ્યે, પોતાની વૃદ્ધાવસ્થામાં તેણે પોતાનાં આ બધાં સપનાં ઝાંખાં પડતાં જોયાં. એણે શોધેલી મોટાભાગની ટૅકનૉલૉજી કબાટમાં ધૂળ ખાતી, પછીના યુગમાં અવતાર લેવા માટે રાહ જોતી પડી રહી.

વિશ્વની પ્રતિભાઓમાં લિયોનાર્દોને ટોચ પર મૂકવા માટે તો માત્ર એનાં ચિત્રો જ પૂરતાં હતાં. એ ચિત્રોએ પછીની સદીઓમાં અને હજી તો શોધાયા પણ નહોતા એ પ્રદેશોમાં પોતાનું નામ ગાજતું કર્યું. પણ, લિયોનાર્દોએ પોતાનું સાચું અને સૌથી મોટું પરાક્રમ તો એકમાત્ર પૂર્ણ સત્ય ગણિત પર આધારિત વિજ્ઞાનમાં ઇજનેરી વિદ્યાની મદદથી કર્યું. લિયોનાર્દોને હવે ઊડવાની ઝંખના થઈ.

લિયોનાર્દો દ વિન્ચીએ તૈયાર કરેલી એરિયલ સ્ક્રૂની એક ડિઝાઇન

વર્ષો સુધી પંખીઓની ઉડાનો અને હવાની ગતિનો અભ્યાસ કર્યા બાદ એણે ઘણાં ઊડતાં યંત્રો ડિઝાઇન કર્યાં. સૌન્દર્યજ્ઞ, કલાકાર, નિરીક્ષક અને વૈજ્ઞાનિક તરીકે પોતાની બહુમુખી પ્રતિભાનો સમન્વય તેની ઊડવા માટેની મથામણમાં મદદગાર થયો. પાઇલટની સ્નાયુશક્તિથી ગુરુત્વાકર્ષણ બળને નાથતી ઊડતી રકાબીની તેણે ડિઝાઇન કરી. પગ વડે પૅડલ મારી પાઇલટ હલેસાં જેવી પાંખો હલાવશે, અને સાથે સાથે હાથ વડે વિન્ડલસ (વજન ઊંચકવાનું સિલિન્ડર ધરાવતું યંત્ર) ફેરવશે. ટૂંકમાં લિયોનાર્દોએ પૅરાશૂટ, હેલિકૉપ્ટર જેવું એરિયલ સ્ક્રૂ અને રિટ્રૅક્ટેબલ લૅન્ડિંગ ગિયર – એ ત્રણેયને સમાવતા યંત્રની ડિઝાઇન કરી. લિયોનાર્દોની એક કમનસીબી એ હતી કે એના સમયગાળા સુધી હળવું વજન ધરાવતું એન્જિન તથા હલકા વજનનું ઇંધણ શોધાયું નહોતું. ઊડનારાને એણે સલાહ આપેલી : ‘જો પડો તો ધ્યાન રાખજો કે તમારી બેઠક નીચેનું પોટલું સીધું ધરતી પર પટકાય અને તમે એની ઉપર હો.’ જોકે લિયોનાર્દોએ ઊડવાનો અખતરો કર્યો હોય તો એનાં પ્રમાણ મળતાં નથી.

માનવીની સ્નાયુશક્તિના ચાલકબળથી ઊડતા આ યંત્રનો પ્રયોગ લિયોનાર્દો કમનસીબે કરી શક્યો નહિ; કારણ કે પંખીઓથી વિપરીત, માનવીના શરીરનું વજન ઉપાડવા માટે માનવીના સ્નાયુઓ અત્યંત નબળા છે તે હકીકત લિયોનાર્દોના ધ્યાન બહાર રહી ગઈ અને ત્યાં જ તેણે થાપ ખાધી. આમ છતાં એની એ સિદ્ધિ છે કે તેણે ઉડાનનો પ્રથમ વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધર્યો. ઊડતાં પશુ અને પંખીઓનાં તથા કીટકોનાં શરીરનાં ડિસેક્શન કરી તેણે પાંખોની રચનાઓ તપાસી. બધી જ પાંખોમાંથી ચામાચીડિયાની પાંખોની ડિઝાઇન તેને સૌથી વધુ પસંદ પડી. હલેસા જેવા આકારની પાંખોને ત્રાંસી જાળીદાર બ્લેડ જોડવાથી હવાનો અવરોધ ખાળી શકાશે એવી તેને આશા હતી.

લિયોનાર્દો દ વિન્ચીએ કરેલું ગર્ભસ્થ શિશુનું રેખાંકન

છતાં સ્નાયુના ઉપયોગ વિના હવામાં તરવા (glide) માટે તેણે વિચારેલાં ઉપકરણોની ડિઝાઇનો નિષ્ફળ નથી. અમેરિકન સ્પેસ એન્જસી ‘નાસા’ના એન્જિનિયર માર્ક રોશીમે લિયોનાર્દોની ડિઝાઇનોનો ઉપયોગ કરીને 2000માં તેમજ બ્રિટનની ‘સ્કાયપૉર્ટ એન્જિનિયર્સ કંપની’એ પણ લિયોનાર્દોની ડિઝાઇનો ઉપરથી 2002માં ગ્લાઇડરો અને રોબૉટ બનાવ્યાં છે.

સ્ફોર્ઝાએ પોતાના મૃત પિતા ફ્રાન્ચેસ્કોનું ધાતુમાંથી શિલ્પ સર્જવાનું કામ લિયોનાર્દોને આપ્યું. સવાર ફ્રાન્ચેસ્કોને ઘોડા પર બેઠેલો બ્રૉન્ઝ(કાંસા)માંથી કંડારવાનો હતો. મિલાનમાં આવેલા પોતાના કિલ્લાના ચોકમાં સ્ફોર્ઝા છવ્વીસ ફૂટ ઊંચા આ શિલ્પને ગોઠવવા માંગતો હતો. સ્ફોર્ઝાના તબેલાઓમાં દિવસો વિતાવી લિયોનાર્દોએ ઘોડાના સ્કેચિઝ કર્યા અને માટી(ક્લે)માંથી મોટું મૉડલ બનાવ્યું. એ મૉડલને બ્રૉન્ઝમાં ઢાળવા (કાસ્ટ કરવા) માટે આખી પ્રક્રિયા કટકે કટકે નહિ પણ એકસાથે પૂરી કરવાની તમન્ના સેવી. આ માટે મોલ્ડને જમીનમાં ઊંધો દાટી દઈ, જમીનમાં જ આજુબાજુ ભઠ્ઠીઓ ગોઠવવામાં આવનાર હતી. ઓગણ્યાએંશી ટન પીગળેલું બ્રૉન્ઝ મોલ્ડમાં રેડવાનું હતું, પણ કાસ્ટિંગની આ પ્રક્રિયા શરૂ થાય તે અગાઉ સ્ફોર્ઝા ઉપર ફ્રાંસે લશ્કરી હુમલો કર્યો. આમ યુદ્ધ ફાટી નીકળતાં શિલ્પ બનાવવા માટેનું બ્રૉન્ઝ સ્ફોર્ઝા તોપગોળા બનાવવા લઈ ગયો. યુદ્ધમાં ફ્રાન્સ જીત્યું અને સ્ફોર્ઝા હાર્યો. (જો આ શિલ્પ સર્જાયું હોત તો એ જમાનામાં ધાતુમાંથી બનેલાં શિલ્પોમાં તે સૌથી વધુ ઊંચું હોત.) સ્ફોર્ઝાનો કિલ્લો કબજે કરનાર ફ્રેન્ચ સૈનિકોએ લિયોનાર્દોએ બનાવેલા ઘોડેસવારના માટીના મૉડલ પર તીરંદાજીની પ્રૅક્ટિસ કરીને થોડા જ વખતમાં તેને તોડી નાંખ્યું.

1485ની આસપાસ લિયોનાર્દોએ નોંધપોથીઓ લખવી શરૂ કરી. તેમાંથી આજે બચેલાં આશરે 3,500 પાનાં ઓગણીસ ભાગોમાં વહેંચાયેલાં છે. આ નોંધપોથીઓમાં ધર્મચર્ચાને કોઈ સ્થાન નથી. અહીં તો પ્રકૃતિ અને માનવવર્તનનાં અભૂતપૂર્વ નિરીક્ષણો નોંધાયાં છે. લિયોનાર્દોના ચંચળ મન પર તત્કાલ જે વિષય સવાર થાય તેના સંદર્ભમાં તેણે કરેલી દુર્બોધ અને સંકુલ મથામણો નોંધાઈ છે. ભૂસ્તરશાસ્ત્ર, મિકૅનિક્સ, ભૂમિતિ, ગણિત, સ્થાપત્ય, ખગોળશાસ્ત્ર, ચિત્રકલા, શબ્દોના કોયડા, ઉડ્ડયનશાસ્ત્ર, અંગત નોંધો ઉપરાંત ટાહ્યલાં (platitudes) અહીં એવી રીતે પરસ્પર સુસંકલિત છે કે વાચકની આગળ વાંચવાની ઉત્કંઠા વધતી જાય. લિયોનાર્દોએ આ નોંધો કોઈને બતાવી ન હોવાથી પોતાના જીવનકાળમાં તેના વિશે ખાસ કોઈ જાણતું નહોતું. મૃત્યુ પછી એની આ નોંધપોથીનાં પાનાં વેરવિખેર થઈ ગયાં. પછીથી જે પાનાં શોધી શકાયાં તેમને ઓગણીસ ભાગોમાં સંકલિત કરવામાં આવ્યાં છે. આ ઓગણીસ ભાગોમાંથી સૌથી વધુ જાણીતા ‘કૉડેક્સ ઍટ્લાન્ટિક્સ’ અને ‘મૅડ્રિડ કૉડેક્સ’ છે. ‘મૅડ્રિડ કૉડેક્સ’નાં પાનાં તો છેક હમણાં 1964 પછી મળી આવ્યાં છે. મળી આવેલાં આવાં 3,500 પાનાં પર દરેક પાને પોતાની વાતને સ્પષ્ટ કરવા માટે ચોકસાઈભર્યા સ્કૅચ કર્યા છે. આ રીતે ‘સાયન્ટિફિક ઇલસ્ટ્રેશન્સ’ કરવામાં પહેલ કરનાર વિજ્ઞાની તે પોતે જ હતો. ‘કૉડેક્સ ઍટ્લાન્ટિક્સ’નું સંપાદન મિલાનની લાઇબ્રેરી ‘બિબ્લિઑતેકા ઍમ્બ્રોસિયાના’ના ડૉ. ઑગુસ્તો મેરિનોનીએ કરેલું છે. તેમાં લિયોનાર્દોએ ઇંધણ વગર ચાલતી સેલ્ફ પ્રોપેલ્ડ કારના સ્કૅચ કર્યા છે. ગિયર ઍન્ડ પિનિયન, વિન્ડલેસ, વિન્ચ તથા સ્પ્રિંગ્ઝના વાઇન્ડિંગની ડિઝાઇનો પણ તેણે સૂચવી છે. રેનેસાંના ગણિતશાસ્ત્રી લુચા પેચિઓલીએ શોધેલાં ‘દૈવી પ્રમાણમાપ’(divine proportions)ને લિયોનાર્દોએ ભૂમિતિમાં ઉતારીને અહીં દોર્યાં છે. એક સ્કૅચની બાજુમાં લિયોનાર્દોએ લખ્યું છે : ‘પાણી પર ચાલવાની પદ્ધતિ’. એણે સૂચવેલા, પગ સાથે બાંધવાના ઉપકરણમાં વચમાં જકડી લેવામાં આવતી હવાના સિદ્ધાંત પર આધારિત આધુનિક પૉલિસ્ટિરીન ટૉયઝ નામે ઓળખાતાં વૉટર વૉકરથી આજે પણ માણસો પાણી પર ચાલી શકે છે. ફ્રાન્ચેસ્કો દિ જ્યૉર્જિયો માર્તિની નામના એન્જિનિયરના મૌલિક સિદ્ધાંતો ઉપર લિયોનાર્દોએ સબમરીનની પણ ડિઝાઇન કરેલી. ‘મૅડ્રિડ કૉડેક્સ’ નોંધપોથીમાં લિયોનાર્દોની મિકૅનિકલ પ્રતિભા આથી પણ વધુ નીખરે છે. લિયોનાર્દોએ મિકૅનિક્સનાં તત્વોનું પૃથક્કરણ કરી તેમનું નવેસરથી એવી રીતે સંકલન કર્યું છે, જેથી મશીનોની કાર્યક્ષમતા વધે. ફ્રિક્શન, ટ્રાન્સમિશન અને બૉલ-બેરિંગને લિયોનાર્દો સારી રીતે સમજી શકેલો.

ડાબોડી લિયોનાર્દોએ આ નોંધપોથીઓ ડાબે હાથે જમણી દિશાથી ડાબી દિશા તરફ લખી છે, તેથી અરીસામાં જોઈ આપણે તેમને વાંચી શકીએ છીએ. આશરે 1495 પછી તે જાતે જ લૅટિન શીખ્યો. વિદ્વાનોની આ ભાષા એ જમાનામાં ચિત્રકારો જેવા કલાકારો શીખતા નહિ.

લિયોનાર્દોની પ્રકૃતિમાં રહેલો વિરોધાભાસ મિલાનના સુસ્ત વાતાવરણમાં વધુ પાંગર્યો. યુદ્ધની તે આકરી ટીકાઓ કરતો રહ્યો. તે છતાં ખૂન કરવા માટેના અવનવા ઘાતકી નુસખા શોધી આપવાની દરખાસ્ત કરતો. ‘કૅરિકેચર્સ’ નામે જાણીતાં બનેલાં તેનાં રેખાચિત્રોમાં ઘેટાં, વરુ, રીંછ, લોંકડી, બિલાડાં, આખલા, ગધેડાં આદિ જનાવરોના ચહેરાને મળતા આવતા હાસ્યપ્રેરક અને બિહામણા માનવચહેરા આલેખાયા છે. લિયોનાર્દો માનતો કે જે પણ વસ્તુ કે ઘટના ગણિત વડે રજૂ ન કરી શકાય તે સત્ય નથી. પણ તેની પ્રતિભા તેને એમ માનવા પ્રેરતી કે સત્ય તો સૌંદર્યમાં રહેલું છે. આમ, તેની તીવ્ર બુદ્ધિ અને કલ્પનાશીલ પ્રતિભા વચ્ચે સતત સંઘર્ષ ચાલતો. તેની તીવ્ર બુદ્ધિ તેને ભૂમિતિની અનંત કસરતોમાં સંડોવીને તેનાં સમય-શક્તિનો ભોગ લેતી.

માનવશરીરરચનાશાસ્ત્ર(anatomy)નું તો તેને વળગણ હતું. ચિત્ર કે શિલ્પમાં માનવશરીરની સંપૂર્ણ રજૂઆત માટે તેનો અભ્યાસ જરૂરી હતો જ. એ માટે થઈને બીજાં રેનેસાં-કલાકારોએ પણ મડદાં ચીરી અભ્યાસ કર્યો; પણ, લિયોનાર્દોને તો આ ચીરફાડ દ્વારા માનવશરીરની રચનાના અભ્યાસમાં અપૂર્વ આનંદની ચરમસીમા પ્રાપ્ત થતી. પોતાનું માનસ વૈજ્ઞાનિક વલણ ધરાવતું હોવાથી એ સ્નાયુ અને અસ્થિ વચ્ચેના વિશિષ્ટ મિકૅનિકલ સંબંધોનો પણ અભ્યાસ કરી શક્યો. ફ્લૉરેન્સના સાન્તા મારિયા નુઓવા હૉસ્પિટલમાં તથા મિલાનમાં થઈને તેણે તેના જીવનમાં કુલ બત્રીસ મડદાં ચીરેલાં.

મિલાનમાં નોળિયા જેવો ચંચળ અને વાંકડિયાં સોનેરી જુલ્ફાં ધરાવતો પંદર-સત્તર વરસનો રૂપાળો છોકરો સલાઈ ઘરનોકર અને શિષ્ય તરીકે લિયોનાર્દો સાથે રહેતો. લિયોનાર્દોના પ્રેમાળ લાલનપાલને તેને બગાડી મૂક્યો હતો. એના સંખ્યાબંધ સ્કૅચ કરવા ઉપરાંત લિયોનાર્દોએ એને ઘણાં ચિત્રોમાં પણ રજૂ કર્યો. લિયોનાર્દોનાં ચિત્રોમાં સ્ત્રૈણ સંતો અને છોકરડા જેવી દેખાતી કેટલીક મેડૉનાના છદ્મવેશે સલાઈને આજે પણ જોઈ શકાય છે; પરંતુ લિયોનાર્દોનું સમૃદ્ધ ગદ્ય અંગત લાગણીઓનો અણસાર સુધ્ધાં નથી આપતું. ઠંડી કલમે એમાં લખેલું છે : ‘સલાઈએ પૈસા ચોર્યા, ચોર, જુઠ્ઠો, જિદ્દી, ખાઉધરો.’ પણ તેણે ચિત્રોમાં સલાઈને લાગણીથી પ્રેમપૂર્વક ચીતર્યો છે.

લોડોવિકો સ્ફોર્ઝા લિયોનાર્દોને દૈવી શક્તિથી સંપન્ન માનતો અને કહેતો કે તેને પ્રાચીન કે અર્વાચીન કોઈ કલાકાર આંબી ન શકે. સ્ફોર્ઝાએ લિયોનાર્દોને મિલાનની ડૉમિનિકન મૉનેસ્ટરીમાં ‘લાસ્ટ સપર’ ભીંતચિત્ર ચીતરવાનું કામ સોંપ્યું. બાર પટ્ટશિષ્યો સાથે ઈસુનું છેલ્લું ભોજન ચિત્રિત કરતા આ ભીંતચિત્રમાં રંગોની ભૂકીને પરંપરાગત ઈંડાંના રસમાં મેળવવાને બદલે લિયોનાર્દોએ તેલમાં મેળવીને ‘ઑઇલ ફ્રેસ્કો’નો અવનવો પ્રયોગ કર્યો. દુર્ભાગ્યે, તૈલમિશ્રિત રંગો ભીના પ્લાસ્ટર પર ચોંટ્યા જ નહિ. લિયોનાર્દોની ટૅકનિક નિષ્ફળ નીવડી. ધીમે ધીમે રંગો ખરવા માંડ્યા. બગડેલી કલાકૃતિઓને સાજીસમી કરનારા ‘રિસ્ટૉરર્સ’ નામે ઓળખાતા દાક્તરો થોડા જ દસકામાં ‘લાસ્ટ સપર’ને બચાવવા કામે લાગ્યા; પણ એમણે તો બગાડમાં ઑર વધારો કર્યો. આજે ‘લાસ્ટ સપર’ બગડેલી હાલતમાં મોજૂદ છે. ઈસુ પૂર્વે 100 વરસે થઈ ગયેલ રોમન લેખક પ્લિની ધી એલ્ડરનાં લખાણો વાંચીને લિયોનાર્દોએ ભીંતના પ્લાસ્ટર પર તૈલમિશ્રિત રંગો વાપરેલા.

કળાદૃષ્ટિએ આ ચિત્ર એક અનોખું સંયોજન છે. સફેદ ટેબલક્લૉથથી આચ્છાદિત ભોજન માટેના લાંબા ટેબલ પર વચ્ચોવચ્ચ ઈસુ અને બંને બાજુએ છ છ પટ્ટશિષ્યો ગોઠવીને લિયોનાર્દોએ સમતોલ આયોજન કર્યું છે. અત્યાર લગી સેંકડો વાર ચીતરાઈ ચૂકેલા આ વિષયના ચિત્રમાં બીજા ચિત્રકારો પટ્ટશિષ્યોને ગમગીન ચીતરતા તેને સ્થાને લિયોનાર્દોએ ઈસુને મોઢેથી ઉચ્ચારાયેલી ‘આજે સાથે ભોજન લેનારા તમારામાંથી કોઈ એક મારો વિશ્વાસઘાત કરશે’ એવી અગમવાણીના સાહજિક પ્રત્યાઘાત રૂપે પ્રત્યેક પટ્ટશિષ્યને અલગ અલગ નાટ્યાત્મક મુખભાવ અને અંગભંગી ધરાવતાં ચીતર્યા છે. વળી, પ્રત્યેક પટ્ટશિષ્યનાં મુખભાવ અને અંગભંગી જ નહિ, મોંના ઘાટઘૂટ પણ અલગ છે. લિયોનાર્દો માનતો કે ચિત્રમાં ચિત્રિત વ્યક્તિઓ એકબીજીની ભાઈ-બહેન જેવી દેખાય તેવી બીબાછાપ ઘાટઘૂટ ધરાવતી ન ચીતરવી. અત્યાર લગીના બીજા કલાકારો વિશ્વાસઘાત કરનાર પટ્ટશિષ્ય જુડાસને અળગો બેઠેલો આલેખતા, પણ લિયોનાર્દોએ તેવું કર્યું નથી. ટેબલના એક છેડાથી બીજા છેડા સુધી આડી હરોળમાં ગોઠવાયેલા બારેય પટ્ટશિષ્યોના વિચલિત મુખભાવ અને અંગભંગીની સહોપસ્થિતિમાં ઈસુનાં શાંત મુખભાવ અને સ્થિર અંગભંગી ચીતરી લિયોનાર્દોએ અનોખો નાટ્યાત્મક તણાવ સર્જ્યો છે.

બે ‘માસ્ટરપીસ’માં ધબડકા થયા પછી મિલાન નગરના સંરક્ષણ-આયોજનમાં સ્ફોર્ઝા સાથે લિયોનાર્દો ગૂંથાયો. લિયોનાર્દોએ મિલાનની ચોમેર ખાઈ ખોદાવી. ફ્રાન્સના રાજા લૂઈ બારમાએ લશ્કર લઈને મિલાન પર હુમલો કર્યો. સ્ફોર્ઝાનું લશ્કર ટકી ન શકતાં મિલાન હાર્યું ને સ્ફોર્ઝા ભાગી ગયો, પણ પછી ફ્રેન્ચોના હાથમાં પકડાયો અને જેલમાં મૃત્યુ પામ્યો. સ્ફોર્ઝોના દરબારી ચિત્રકાર લિયોનાર્દોએ નોંધપોથીમાં નોંધ્યું : ‘રાજાએ સર્વસ્વ ગુમાવ્યું. તેણે અઢાર વરસ લગી મને પનાહ આપી, પણ હું તેનું એકેય કામ પૂરું કરી શક્યો નહિ.’ આંસુ સાર્યાં વિના વ્યવહારુ બની લિયોનાર્દોએ ગઈ કાલ સુધીના જાની દુશ્મનો ફ્રેન્ચ જોડે દોસ્તી કરી લીધી અને પોતાના મિત્ર તથા ગણિતશાસ્ત્રી લુચા પેચિયોલી સાથે મિલાન છોડી માન્તુઆ અને વૅનિસ થઈને ફ્લૉરેન્સ પાછો ફર્યો.

ઘેર પાછો ફર્યો ત્યારે લિયોનાર્દોની ખ્યાતિ પ્રસરી ચૂકી હતી. અહીં કોઈને લિયોનાર્દોનાં વિજ્ઞાન અને શોધખોળોની પડી નહોતી, પણ બધાંને મોઢે એનાં ‘ઘોડા’ અને ‘લાસ્ટ સપર’ની વાતો રમતી હતી. પણ ફ્લૉરેન્સ હવે ધનાઢ્ય મેડિચી પરિવારના બૌદ્ધિક અભિગમ હેઠળના પ્રજાસત્તાક તંત્ર નીચે હતું; તેથી અહીં મિલાનની જેમ દરબારી ચિત્રકાર થઈ શકવાના સંજોગો જ નહોતા. લિયોનાર્દોએ અહીંના બીજા ચિત્રકારો જોડે હરીફાઈમાં ઊતરીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાની હતી. પોતાની યુવાનીના સાથીદારોમાંથી ઘણા સક્ષમ ચિત્રકાર મૃત્યુ પામ્યા હતા અથવા રોમ ચાલ્યા ગયા હતા. પોતાની બરોબરી કરી શકે એવો ખરો સમર્થ અને મહત્વાકાંક્ષી એક જ હતો : એ હતો પોતાનાથી ત્રેવીસ વરસ નાંનેરો માઇકલૅન્જેલો બુઓનારોતી. એ બંને આજીવન એકમેકને પૂરા હૃદયથી ધિક્કારતા રહ્યા. લિયોનાર્દો અને માઇકલૅન્જેલો વચ્ચે બીજી બધી અનેક બાબતો ઉપરાંત એક મૂળભૂત તફાવત હતો : માઇકલૅન્જેલો સાચો ઈશ્વરભીરુ હતો. લિયોનાર્દોની પ્રકૃતિ સહેજ પણ ધાર્મિક નહોતી.

ફ્લૉરેન્સના સર્વાઇટ બ્રધર્સ તરફથી લિયોનાર્દોને એક ચિત્ર માટે વરદી મળી. એને માટે લિયોનાર્દોએ ‘કાર્ટૂન’ નામે ઓળખાતો મોટા કદનો પ્રાથમિક સ્કૅચ તૈયાર કર્યો. એ જોવા આખું ફ્લૉરેન્સ ઊમટ્યું. માતૃપ્રેમનું મધુર આલેખન કરતું એ એકરંગી ચિત્ર હતું : ‘સેંટ ઍની અને મેરી વર્જિન સાથે બાળ ઈસુ અને બાળ સંત જૉન’. એમાં ગ્રીક દેવીઓ જેવી રૂપાળી દેખાતી સેંટ ઍની અને મેરી વર્જિન સુધારાવાદી સાધુ સેવોનેરોલાના પંથના ચોખલિયા અનુયાયીઓ માટે લપડાક સમાન હતી. સેવોનેરોલાના પંથના ઉપદેશની પરવા કર્યા વિના ફ્લૉરેન્સવાસીઓએ આ ચિત્રની ભરપૂર પ્રશંસા કરી. આ પ્રાથમિક સ્કૅચ પરથી આખરી રંગીન ચિત્ર સર્જવાનું લિયોનાર્દોએ હાલ પૂરતું ટાળ્યું અને પોતાના ઓરડામાં પુરાઈને અભ્યાસમાં મન પરોવ્યું. ફ્લૉરેન્સમાં એને જાણતો એક માણસ નોંધે છે : ‘એ પૂરો ભૂમિતિમાં જ ગૂંથાઈ ગયો છે અને રંગ-પીંછી તરફ જોતો પણ નથી.’ આ ચિત્રમાં સેંટ ઍનીના ખોળામાં બેઠેલી મેરી વર્જિન બાળ ઈસુ તરફ વહાલથી બે હાથ લંબાવી રહી છે. વીસમી સદીના પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રૉઇડના અર્થઘટન અનુસાર અહીં લિયોનાર્દોના અજાગ્રત મનમાં રહેલી એક સુખદ અનુભૂતિ અંકિત થઈ છે. આ સુખદ અનુભૂતિ તે લિયોનાર્દોને પ્રાપ્ત થયેલા સાચી ઉપરાંત સાવકી એમ બંને માતાઓના વહાલની.

ફ્લૉરેન્સમાં પાછા ફર્યા બાદ લિયોનાર્દોનું મન ફરી વાર કોઈ શક્તિશાળી રાજકુંવરની પનાહને ઝંખી રહ્યું. એ જમાનામાં એક સૌથી વધુ શક્તિશાળી અને ઘાતકી અપરાધી સિસાર બોર્જિયા સાથે લશ્કરી એન્જિનિયર તથા નકશા તૈયાર કરનાર તરીકે લિયોનાર્દો જોડાયો. લિયોનાર્દોએ તૈયાર કરેલા નકશા માત્ર સુંદર જ ન હતા, પણ આધુનિક સર્વેક્ષણની પદ્ધતિથી તૈયાર કરેલાં હોવાથી એ જમાનામાં સૌથી વધુ ચોકસાઈપૂર્ણ હતા. અમેરિકાનો સંદર્ભ ધરાવતા વિશ્વના પ્રથમ નકશાઓમાંનો એક લિયોનાર્દોએ તૈયાર કરેલો.

સિસાર બોર્જિયા દુષ્ટ અને ભ્રષ્ટ પોપ ઍલેક્ઝાન્ડર છઠ્ઠાનો નામચીન પુત્ર હતો અને એણે પોતે પાદરીના જુઠ્ઠા શપથ લીધેલા. એ વિશ્વાસઘાત કરીને ખૂન કરનાર ચાલાક ઠગ હતો. એ પ્રયોગશીલ અભિગમ ધરાવતો – કદાચ આ છેલ્લા લક્ષણને કારણે જ, થાકેલો ને નિરાશ્રિત લિયોનાર્દો એ વખતે પોતાનાથી અરધી ઉંમરના બોર્જિયા તરફ આકર્ષાયો. બોર્જિયાના રૂપમાં લિયોનાર્દોને પિતા ને પોપ બંને મળ્યા. પણ લાલચુ બોર્જિયાનો ઘાતકી મોરચો ફ્લૉરેન્સના અસ્તિત્વ માટે ધમકીરૂપ હતો તેની લિયોનાર્દોને જરાય ફિકર નહોતી; એટલું જ નહિ, લિયોનાર્દોએ બોર્જિયાની ઘાતકી યોજનામાં પૂરો સાથ આપ્યો. બોર્જિયાના લાભમાં ફ્લૉરેન્સ નગરને સમુદ્રકિનારાથી વંચિત બનાવવા માટે લિયોનાર્દોએ કેનાલ ખોદાવી આર્નો નદીને પીઝા નગર તરફ વાળવી શરૂ કરી. ફ્લૉરેન્સ નગરના સદભાગ્યે, આ યોજના લિયોનાર્દોએ અધવચ્ચે જ પડતી મૂકવી પડી, કારણ કે થોડા મહિનામાં જ બોર્જિયાની હાર થઈ અને લિયોનાર્દો ફરી એક વાર નિરાશ્રિત બન્યો. ગુનેગાર માનસ સાથે તેને હવે માત્ર કલાકારનો કર્તવ્યધર્મ નભાવ્યા વિના છૂટકો જ નહોતો રહ્યો. નવા ઊભરતા કલાકારોના કામનું આયોજન અને સુધારાવધારા કરવાનું એણે શરૂ કર્યું.

આખરે ફ્લૉરેન્સના વેકિયો મહેલમાં એને યુદ્ધને વિષય બનાવતું એક ભીંતચિત્ર બનાવવાનું કામ મળ્યું. 1505માં લિયોનાર્દોએ એ મહેલના એક મોટા ખંડમાં ભીંત ઉપર 7 મીટર ઊંચું અને 17 મીટર લાંબું ‘બૅટલ ઑવ્ ઍન્ઘિયેરી’ ચીતરવું ચાલુ કર્યું. આ સમયે આ મહેલના આ જ ખંડમાં સામેની દીવાલ પર પોતાનો જાની હરીફ માઇકલૅન્જેલો યુદ્ધને જ વિષય બનાવતું ચિત્ર ‘બૅટલ ઑવ્ કાસ્કિન’ ચીતરી રહ્યો હતો. ઢાલ, તલવાર અને ભાલાથી લડી રહેલા અને એકબીજાને મારવા તત્પર ઘોડેસવાર સૈનિકોનું દૃશ્ય ‘બૅટલ ઑવ્ ઍન્ઘિયેરી’ ચિત્રમાં છે. તેમાં વિકરાળ સૈનિકો અને ઘોડાઓનાં મોં વીરત્વ, ક્રોધ અને જુસ્સાથી તરબતર છે. (ઍન્ઘિયેરીનું યુદ્ધ મિલાન અને ફ્લૉરેન્સ વચ્ચે ખેલાયેલું. ફ્લૉરેન્સ તેમાં વિજયી બનેલું.) આ ભીંતચિત્રને લિયોનાર્દોએ અધૂરું જ રાખ્યું અને સાઠ વરસ પછી કલા-ઇતિહાસકાર અને જીવનકથાકાર જ્યૉર્જિયો વસારીએ એની ઉપર જ બીજું ભીંતચિત્ર ચીતરી નાંખ્યું હોવાથી લિયોનાર્દોએ ચીતરેલ ભીંતચિત્ર નથી જોઈ શકાતું; પણ તે ભીંતચિત્ર માટેનો લિયોનાર્દોએ ચીતરેલો 20 મીટર લાંબો ને 8 મીટર પહોળો પ્રાથમિક સ્કૅચ – ‘કાર્ટૂન’ – થોડાં વરસો સુધી સચવાયેલો. તેના પરથી ફ્લેમિશ ચિત્રકાર પીટર પૉલ રૂબેન્સે એક નકલ કરેલી. પછીથી લિયોનાર્દોએ ચીતરેલો ‘કાર્ટૂન’ પણ નાશ પામતાં રૂબેન્સે કરેલી નકલ પરથી જ આજે મૂળ ચિત્રનો અંદાજ મેળવવાનો રહે છે.

આદર્શ માનવીનાં અંગોપાંગોનાં પ્રમાણમાપ સ્પષ્ટ કરતું લિયોનાર્દો દ વિન્ચીએ ચીતરેલું એક રેખાચિત્ર

લિયોનાર્દોએ એમાં ચીતરેલી આકૃતિઓ પૌરુષી મુદ્રામાં જ હતી; પણ સામેની દીવાલ પર માઇકલૅન્જેલો ‘બૅટલ ઑવ્ કાસ્કિના’ નામના ભીંતચિત્રમાં રેનેસાંની ‘બીફકેક’ શૈલીથી નગ્ન પુરુષોની આકૃતિઓ ચીતરી રહ્યો હતો. આ ‘બીફકેક’ શૈલીમાં માનવઆકૃતિઓને સંપૂર્ણ નગ્ન ચીતરવામાં આવે છે; એટલું જ નહિ, પણ તે આકૃતિઓ, તેમનો પ્રત્યેક સ્નાયુ પૂર્ણ વિકસિત હોવાથી શારીરિક સૌષ્ઠવ ધરાવતી હોય છે. વધારામાં ‘બીફકેક’ શૈલીમાં આકૃતિઓ પર પ્રકાશ અને છાયાની રમતને ચિત્રકાર એવી રીતે ચીતરે છે કે જેથી શારીરિક સૌષ્ઠવને પૂર્ણતમ ઉઠાવ મળે. લિયોનાર્દોને આ ‘બીફકેક’ શૈલી દીઠી પસંદ નહોતી. આમ, લિયોનાર્દો અને માઇકલૅન્જેલો વચ્ચે કલારુચિનો મોટો ભેદ હતો.

1503થી 1506 દરમિયાન લિયોનાર્દોએ આલેખેલું ચિત્ર ‘મોના લીસા’ કદાચ દુનિયામાં સૌથી વધુ મશહૂર ચિત્ર છે. 77 સેન્ટિમિટર લાંબા અને 53 સેન્ટિમિટર પહોળા લાકડાના ફલક પર તે તૈલરંગોમાં ચિત્રિત છે. તેમાં ઊંચા-નીચા ખડકોથી બનેલા પર્વતો અને નદીઓ ધરાવતા નિસર્ગની પશ્ચાદભૂમિકામાં યુવાન સ્ત્રીને અગ્રભૂમિકામાં ગોઠવીને લિયોનાર્દોએ નિસર્ગ અને માનવઆકૃતિનું સંમોહક સંયોજન કર્યું છે. પશ્ચાદભૂમિકામાં રહેલા નિસર્ગને લિયોનાર્દોએ માનવીને થતા ચાક્ષુષ ભ્રમ (optical illusion) અનુસાર ચીતર્યો છે. કોઈ પણ પદાર્થ પરથી પરાવર્તિત થતો પ્રકાશ હવામાં લાંબું અંતર કાપે ત્યારે તે મૂળમાં ગમે તે રંગનો હોવા છતાં નીલો (blue) રંગ ધારણ કરે છે અને જેટલે દૂરથી પ્રકાશ આવતો હોય તેટલા પ્રમાણમાં તે વધુ નીલ બને છે. વળી પદાર્થો જેમ દૂર હોય તેમ પદાર્થોની ધાર વધુ અસ્પષ્ટ અને ધૂંધળી દેખાય છે. આ બે અનુભવજન્ય વૈજ્ઞાનિક તથ્યોને ધ્યાનમાં લઈને લિયોનાર્દોએ અહીં નિસર્ગનું ચિત્રણ કર્યું છે. ગ્રેકોરોમન કાળ પછીના સમયમાં આ રીતે ચીતરનાર પહેલો માણસ લિયોનાર્દો હતો. અગ્રભૂમિકામાં બેઠેલી રૂપાળી યુવતી પર પડતો પ્રકાશ ઘણો જ સૌમ્ય છે; તેથી યુવતીના ચહેરા, હાથ અને કપડાં પર પડછાયા ચોક્કસ રેખાંકિત નથી થતા, પણ પ્રકાશિત ભાગથી પડછાયા તરફ વધતી મૃદુ છાયાઓની સમગ્ર શ્રેણી જોવા મળે છે. સ્ફૂમાટો (sfumato) નામે ઓળખાતી આવી મૃદુ છાયાપ્રકાશની શ્રેણીનો ઉપયોગ ગ્રેકોરોમન યુગ પછી પહેલી વાર કરનાર પણ લિયોનાર્દો જ હતો. યુવતીના હોઠનો ડાબો ખૂણો ગાલ તરફ સહેજ ખેંચાયેલો હોવાથી મુખ પર એક રહસ્યમય સ્મિતની રચના થઈ છે. સદીઓથી કરોડો લોકોને આ ચિત્ર તરફ ખેંચાણ થતું રહ્યું છે તેની પાછળ આ જાદુઈ સ્મિત નિર્ણાયક છે તેવું મનોવિજ્ઞાનીઓનું માનવું છે. યુવતીની આંખો નિસર્ગમાં નહિ, પણ ચિત્રની બહાર દર્શકો સામે સીધી તાકી રહેલી છે. યુવતીનાં કપડાં ઘેરા ભૂખરા રંગનાં છે. કલા-ઇતિહાસકાર વૉલ્ફલીનના મતે તે મૂળમાં પીળા રંગની બાંયવાળા લીલા રંગનાં હતાં; પરંતુ પછીના દસકાઓ અને સદીઓ દરમિયાન ચિત્રની સાચવણી માટે બીજાઓએ રંગરક્ષક વાર્નિશનાં પડ પર પડ ચડાવ્યાં હોવાને કારણે તે હાલમાં ભૂખરાં પડી ગયાં છે. લિયોનાર્દોએ મોના લીસા સર્જ્યું ત્યારે ભ્રમરના વાળને ઉખાડી લેવાની ફૅશન ઇટાલિયન સ્ત્રીઓમાં હતી, જે અહીં દેખાય છે. બીજું, યુવતી પર એક પણ આભૂષણ નહિ ચીતરીને લિયોનાર્દોએ યુવતીના શારીરિક સૌંદર્યને પૂર્ણકળાએ પ્રકટ થવાનો મોકો આપ્યો છે. લિયોનાર્દોએ પોતાની સમગ્ર ચિત્રકલામાં બે-ત્રણ અપવાદોને બાદ કરતાં સ્ત્રીઓને હંમેશાં ઘરેણાં વગર ચીતરી છે.

લિયોનાર્દોના સમકાલીન કલા-ઇતિહાસકાર અને જીવનકથાકાર જ્યૉર્જિયો વસારીના મત અનુસાર ફ્લૉરેન્સના એક નિવાસી ફ્રાન્ચેસ્કો દેલ જ્યૉકોન્ડોની એકવીસ વરસની પત્ની મોના લીસા દેલ જ્યૉકોન્ડો આ ચિત્ર માટે મૉડલ હતી. કેનિથ ક્લાર્કના મતાનુસાર લિયોનાર્દોએ મોના લીસાની એક નગ્ન આવૃત્તિ પણ તૈયાર કરેલી, જે ફ્રાન્સના ફૉન્તેનેબ્લોમાં સોળમી સદીના પ્રારંભ સુધી સચવાઈ રહેલી; પરંતુ વૉલ્ફલીન અને બીજા વિદ્વાનોના મત અનુસાર લિયોનાર્દોના વૃદ્ધ ઉંમરના આત્મવ્યક્તિચિત્ર(self-portrait)નાં મુખગત લક્ષણો સાથે મોના લીસાનાં મુખગત લક્ષણો એટલાં મળતાં આવે છે કે આ રૂપાળી યુવતીનો ચહેરો લિયોનાર્દોની યુવાવસ્થાનો જ ચહેરો હોવો જોઈએ. એ તો કોઈ પણ દર્શક જોઈ શકે છે કે બંને ચહેરાનાં લક્ષણો હૂબહૂ મળતાં આવે છે. લિયોનાર્દો સજાતીય વૃત્તિવાળો હતો તેથી આ શક્યતા સાવ નકારી કાઢી શકાતી નથી. જીવનના અંત લગી જુદાં જુદાં બહાનાં આગળ ધરીને લિયોનાર્દોએ મોના લીસા વેચ્યું નહિ, પણ પોતાની પાસે જ રાખ્યું. અટપટા માર્ગે પસાર થઈને ઓગણીસમી સદીમાં આ ચિત્ર પૅરિસના લુવ્ર મ્યુઝિયમમાં ઠરીઠામ થયું; પણ 1911માં તે ચોરાયું અને 1913માં ફરી પાછું લુવ્રમાં આવ્યું. લુવ્રે 1963માં તેને અમેરિકાના વિવિધ મ્યુઝિયમોને લોન તરીકે આપ્યું હતું. વીસમી સદીના આધુનિક ચિત્રકારોએ મોના લીસાની વિડંબના પણ કરી છે. ફ્રેન્ચ ચિત્રકાર માર્સેલ દ્યુશોંએ અને સ્પૅનિશ ચિત્રકાર સાલ્વાડોર ડાલીએ મોના લીસાની પ્રતિકૃતિઓ ચીતરી તેના પર મૂછો ચીતરી છે. વસારી નોંધે છે કે ચિત્રકાર સામે લાંબા સમય સુધી એકધારું બેસી રહેવાથી ઊપજતો કંટાળો દૂર કરવા માટે – મોના લીસાને સદા પ્રસન્ન રાખવા માટે લિયોનાર્દોએ બેઠકો દરમિયાન સંગીતકારો પાસે સતત સંગીત વગડાવેલું.

લિયોનાર્દો માટે ચિત્રકલા પ્રકૃતિ અને ઈશ્વરની નજીક જવા માટેનું સાધન હતી. એની નોંધપોથીઓમાં એણે નોંધ્યું છે :

‘……. જે ચિત્રકલાને નાપસંદ કરે છે તે ફિલસૂફી અને પ્રકૃતિ, બંનેને નથી ચાહતો……… સમગ્ર દૃશ્યમાન પ્રકૃતિનું અનુકરણ કરનાર એક જ છે અને તે છે ચિત્રકલા. જો તમે ચિત્રકલાને ધિક્કારો છો તો એનો અર્થ એ છે કે પ્રકાશ અને છાયાથી વીંટળાયેલા સુમદ્ર, પર્વતો, જંગલો, ઘાસ, ફૂલો, પશુપંખીઓ, કીટકો જેવાં પ્રકૃતિનાં બધાં જ સ્વરૂપો અને એ સ્વરૂપોને જીવંત અને સૂક્ષ્મ રીતે આલેખી આપણી આંખ આગળ મૂકનાર શોધને ધિક્કારો છો. ચિત્રકલા ખરેખર વિજ્ઞાન છે, પ્રકૃતિમાંથી જ જન્મેલું બાળક છે. ખરું જોતાં ચિત્રકલા પ્રકૃતિની પૌત્રી છે, કારણ કે પ્રકૃતિના સંતાન સમા આપણે માણસોએ ચિત્રકલાને જન્મ આપ્યો છે. પ્રકૃતિને ઈશ્વરે સર્જી હોવાથી હકીકતમાં ચિત્રકલા ઈશ્વરની પ્રપૌત્રી છે…….’

લિયોનાર્દો શિલ્પને પણ કલા માનતો હોવા છતાં ચિત્રકલાને તે શિલ્પકલા કરતાં પણ વધુ ઊંચી ગણતો. તેને માટે તેણે વાજબી કારણો આપેલાં છે. એક તો એ કે ચિત્રની સીધી સપાટી પર કોઈ પણ વૈશ્ર્વિક ઘટનાનું અનુકરણ કરી શકાય છે, પણ શિલ્પમાં એવું થઈ શકતું નથી. દાખલા તરીકે ઊડતું પંખી ચિત્રમાં ચીતરી શકાય છે, પણ ઊડતા પંખીને શિલ્પમાં કંડારી શકાતું નથી, કારણ કે હવામાં ઊડતા પંખીના શિલ્પને કેવી રીતે અધ્ધર અટકાવી (suspend) શકાય ? બીજું એ કે શિલ્પમાં ઊંડાણનું ત્રીજું પરિમાણ ભૌતિક રીતે મળેલું – મોજૂદ હોવાને કારણે એ દિશામાં કલાકારે કોઈ વિશેષ પ્રયત્ન કરવાનો રહેતો નથી; જ્યારે ચિત્રમાં તો સીધી સપાટી પર દૂરત્વનો આભાસ પેદા કરી ઊંડાણ સિદ્ધ કરવાનું રહે છે, જે શિલ્પ કરતાં વધુ પડકારરૂપ છે. ત્રીજું, શિલ્પ સ્વાભાવિક રીતે જ ત્રિપરિમાણી હોવાથી તેના પર પડતા કુદરતી કે કૃત્રિમ પ્રકાશ વડે આપોઆપ છાયાપ્રકાશ પ્રગટે છે અને તે માટે શિલ્પકારે કોઈ પ્રયત્ન કરવાનો નથી રહેતો; જ્યારે ચિત્રમાં તો ચિત્રકારે પીંછી વડે રંગોને આછા અને ઘેરા કરી પ્રયત્નપૂર્વક સમજદારીથી પ્રકાશ અને છાયાની ભ્રમણા ઊભી કરવાની રહે છે. લિયોનાર્દો ચિત્રકલામાં ઉમદા ગુણોનું પ્રતિપાદન કરી, શિલ્પને શારીરિક મજૂરીનું કામ ગણાવે છે.

આથી તદ્દન વિપરીત તેનો હરીફ માઇકલૅન્જેલો ચિત્ર કરતાં શિલ્પને વધુ ઉમદા માનતો. પોતે ચિત્રક્ષેત્રે ઊંચી સિદ્ધિઓ મેળવી હોવા છતાં તે પોતાને શિલ્પી અને સ્થપતિ તરીકે ઓળખાવવાનું પસંદ કરતો.

લિયોનાર્દોની અગાઉ રેનેસાં-ચિંતક ચેનીનો ચેનીની તથા સ્થપતિ લિયોં બાત્તીસ્તા આલ્બેર્તી અને ચિત્રકાર પિયેરો દેલ્લ ફ્રાન્ચેસ્કાએ ચિત્રકલા પર ભાષ્યો લખેલાં અને એ ભાષ્યો દ્વારા એ ત્રણેએ ચિત્રકલાનો ગાણિતિક પાયો સિદ્ધ કરેલો. ચિત્રકલાનો આ ગાણિતિક પાયો પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી પેપિયોલીએ પણ તેના પુસ્તક ‘ડિવાઇન પ્રપૉર્શન્સ’ દ્વારા સિદ્ધ કરેલો. સમાંતર રેખાઓ દૂર જતાં એક અગોચર બિંદુ(vanishing point)માં વિલીન થતી જતી માનવચક્ષુને ભાસે છે તે ઘટના સમાવતાં લૉ ઓવ્ પર્સ્પેક્ટિવનું લિયોનાર્દોએ નોંધપોથીઓમાં વિસ્તૃત વર્ણન અને પ્રતિપાદન કર્યું. આ પ્રતિપાદન વડે લિયોનાર્દોએ ચિત્રકલાનો ગાણિતિક ઉપરાંત વૈજ્ઞાનિક પાયો પણ સિદ્ધ કર્યો. આંખોને લિયોનાર્દો દુનિયા સાથે સંપર્ક કેળવવા માટે માનવીની શ્રેષ્ઠ અને સૌથી વધુ વિશ્વાસપાત્ર ઇન્દ્રિય માનતો હોવાથી આંખોથી દેખાતાં દૃશ્યો અને એ દૃશ્યોની ચિત્રો દ્વારા નોંધણીને તે દુનિયા અને માનવી વચ્ચેનો શ્રેષ્ઠ સેતુ માનતો. તેનાં પોતાનાં ચિત્રોમાં જોવા મળે છે તેવા ભળભાંખળા કે ગોધૂલિ સમયના મૃદુ આછા પ્રકાશમાં પ્રકૃતિ, માનવીઓ અને ખાસ તો માનવીની ત્વચાનું સૌંદર્ય તેની પરાકાષ્ઠાએ નીખરી ઊઠે છે તેમ એ માનતો.

લિયોનાર્દોની અંતિમ કૃતિઓમાં મુખ્ય છે : ‘લેદા’. આ ભીંતચિત્ર તો કમભાગ્યે, નાશ પામ્યું છે. એક ગ્રીક પુરાકથા આ ચિત્રનો વિષય છે. તેમાં હંસના રૂપમાં દેવ ઝિયસ વક્રાકાર પાંખોથી નગ્ન રૂપાળી યુવતી લેદાને આશ્લેષમાં લે છે અને બાજુમાં પડેલાં એમનાં ચાર ઈંડાંમાંથી કોચલાં ફોડીને ચાર બાળકો બહાર આવે છે. એક પગે વજન મૂકીને ત્રિભંગ અદામાં ઊભેલી લેદા અને બંધ પોપચાં ધરાવતા એના મોં પરનું શરમાળ સ્મિત રતિભાવથી ઊભરાતા શૃંગારરસનું ઉદ્દીપન કરે છે. આ ભીંતચિત્ર તેલના માધ્યમથી કર્યું હોવાથી થોડા જ વખતમાં પૂર્ણ રૂપે નાશ પામ્યું હતું. પ્રશ્ન એ થાય છે કે શું ‘લાસ્ટ સપર’નો કરુણ રકાસ પણ લિયોનાર્દોને પાઠ ભણાવી શક્યો નહિ ? પછીથી ‘લેદા’ માટે તેણે કરેલા સ્કૅચ – ‘કાર્ટૂન’ – પરથી તેના શિષ્યોએ કૅન્વાસ પર તૈલચિત્ર કર્યું હતું, જે સદભાગ્યે, બચી ગયું છે ને હાલમાં રોમના ‘ગૅલોરી સ્પિરિદોન કલેક્શન’માં સચવાયું છે.

‘લેદા’ના નાશથી નિરાશ અને હૃદયભંગ થયેલો લિયોનાર્દો ફ્લૉરેન્ટાઇન કાઉન્સિલની પરવાનગી લઈ શરમનો માર્યો ત્રણ માસ માટે મિલાન રહેવા ગયો. સાથે પોતાની નોંધપોથીઓ, ચિત્ર ‘મોના લીસા’ અને શિષ્ય સલાઈને પણ લેતો ગયો. અહીં મિલાનમાં તે ફ્રેન્ચ ગવર્નરની સેવામાં જોડાયો. ફ્રેન્ચ દરબારીઓએ તો લિયોનાર્દોને પોતાના જૂના હરીફ સ્ફોર્ઝા કરતાં પણ વધુ માનપાન આપ્યાં. ફ્રેન્ચ ગવર્નર અને ફ્રેન્ચ રાજાની મદદથી લિયોનાર્દોએ પોતાનો ત્રણ માસનો મિલાનનિવાસ સાત વરસ સુધી લંબાવ્યો. પોતાના પિતાની સંપત્તિ અંગે ઓરમાન ભાઈબહેનો સામે કચેરીમાં ચાલતા મુકદ્દમા માટે થઈને એ વચ્ચે વચ્ચે થોડા સમય માટે ફ્લૉરેન્સ આવતો-જતો રહ્યો, પણ ફ્લૉરેન્સમાં અધૂરું મૂકેલું ચિત્ર ‘બૅટલ ઑવ્ ઍન્ઘિયેરી’ પૂરું કરવા માટે કોઈ પ્રયત્ન કર્યો નહિ. (જોકે એ માટે પૂરેપૂરું વળતર તો તેને મળી જ ચૂક્યું હતું.) હવે માનવશરીરરચનાશાસ્ત્રમાં તેનો રસ એટલો વધ્યો કે મડદાંની ચીરફાડ વધી પડી. સાથે સાથે બ્રહ્માંડના સર્જનમાં તેનો રસ વધ્યો અને બાઇબલ અનુસારની પૃથ્વીની ઉત્પત્તિ અને પૃથ્વીની ઉંમરમાં શંકા જાગી. આ શંકા જોખમકારક હતી. સમગ્ર વિશ્વમાં પૃથ્વી અને મનુષ્યને કેન્દ્રસ્થાને માનતા ચર્ચની વિરુદ્ધમાં હરફ કાઢતાં મોતની સજા પણ થઈ શકે એમ હતી. એ તો સારું થયું કે લિયોનાર્દોનું મૌલિક ચિંતન એની પોતાની આવરદા લગી એની પોતાની નોંધપોથીમાં જ રહ્યું. દાખલા તરીકે, તેમાં એણે એક વાક્ય લખ્યું છે : ‘પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે.’

1513માં રોમે મિલાન પર હુમલો કરી લિયોનાર્દોના મિત્ર ફ્રેન્ચોને હાંકી કાઢ્યા. લિયોનાર્દો હવે રોમ ગયો. ત્યાં મેડિચી પરિવારનો નબીરો જિયોવાની નવો પોપ બન્યો હતો, જેણે ‘પોપ લિયો દસમો’ એવું નવું નામ અંગીકાર કર્યું હતું. તે બુદ્ધિશાળી અને સંસ્કારી હતો, અને રોમમાં કલાકારોને કામ આપતો હતો. વૅટિકનની દીવાલો પર ઠેર ઠેર માઇકલૅન્જેલો અને રૅફાયેલ ચિત્રો ચીતરી રહ્યા હતા; પણ કદાચ લિયોનાર્દોની ચિત્રો અધૂરાં પડતાં મૂકવાની અને ખોટી ટૅકનિક વાપરી ચિત્રો બગાડી મૂકવાની આદતને કારણે તેને કોઈ કામ મળ્યું નહિ. આખરે એણે વર્ષો પહેલાં મિલાનમાં શરૂ કરીને અધૂરું મૂકેલું એક ચિત્ર અહીં રોમમાં પૂરું કરવાનું હાથ પર લીધું : ‘રણમાં રખડપટ્ટી કરીને ઉપદેશ આપતા ખડતલ સેંટ જૉન ધ બૅપ્ટિસ્ટ’; પણ લિયોનાર્દોએ તો સેંટ જૉનને હરણી જેવી ચંચળ આંખ ધરાવતાં અર્ધનર-અર્ધનારી (hermaphrodite) રૂપે ચીતર્યા. તોફાની સ્મિત સાથે દર્શકો સામે તાકી રહેલા આ સેંટ જૉન જમણા હાથની તર્જની (ઇન્ડેક્સ ફિંગર) ઉપર આકાશ તરફ શા માટે ચીંધી રહ્યા છે ? આ કોયડો તો કોઈ ઉકેલી શક્યું નથી. આકર્ષક ચહેરો ધરાવતા આ સેંટ જૉનની મારકણી આંખો પણ એક કોયડો છે. અંધારામાં સેંટ જૉનના શરીર પર પડતા પ્રકાશથી શરીરના દળ(mass)નું વિગલન થતું અહીં અદભુત જોવા મળે છે. પ્રકાશ અને દળ વચ્ચેના સંબંધની ચરમ સીમા અહીં ચિત્રિત થઈ છે. આ ચિત્રમાં રેમ્બ્રાંની પડછાયા ચીતરવાની કલાનું પૂર્વપ્રતિબિંબ જોવા મળે છે.

એવામાં જ એણે લેન્સ અને અરીસાથી પ્રયોગો કર્યા. તે ‘કૅમેરા ઓબ્સ્કયુરા’ જેવા ચાક્ષુષ ઉપકરણની શોધમાં હતો, પણ નિષ્ફળ ગયો. આમ છતાં એ સમજી ગયેલો કે આંખના રેટિના ઉપર દૃશ્યનું પ્રતિબિંબ ઊંધું પડે છે.

અહીં રોમમાં પોપ લિયો દસમાના ભાઈ ગુલિયાનોએ પોતાના ઘરમાં લિયોનાર્દોને આશ્રય આપ્યો. ગુલિયાનોને લિયોનાર્દોની અવનવી તરકીબો અને કલ્પનાશીલ વાતોમાં ખૂબ જ રસ હતો. લિયોનાર્દોના પૂર્વજીવનના કોઈ ઓળખીતા-પારખીતા તેને મળવા આવતા નહોતા અને પોપના જર્મન કારીગરો તો એનું અપમાન કરતા. ત્રણ વરસ પછી ગુલિયાનોનું અવસાન થતાં ફરી પાછો એક વાર લિયોનાર્દો નિરાશ્રિત બન્યો અને ફરી એક વાર લિયોનાર્દોની કીર્તિએ તેને આશ્રય અપાવ્યો. આ વખતે આશ્રય આપનાર ફ્રાન્સમાં તાજેતરમાં જ ગાદી પર આવેલો જુવાન રાજા ફ્રાંસ્વા પહેલો હતો. લિયોનાર્દો પોતાની પાસે જ રહે તેવું તે ઝંખતો હતો, લિયોનાર્દોએ કોઈ ફરજ બજાવવાની નહોતી, તે કંઈ પણ કરવા કે ન કરવા માટે મુક્ત હતો. આમ, ફ્રાંસ્વા પહેલાએ લિયોનાર્દોને 1517માં ફ્રાંસમાં લોઇરે નદીને કાંઠે ક્લુ (cloux) ખાતે તેડાવી લીધો અને વનરાજિથી આચ્છાદિત હરિયાળા વિસ્તારમાં પોતાના મહેલની બાજુનો મહેલ તેને રહેવા આપ્યો. લિયોનાર્દો આ વખતે પોતાની સાથે શિષ્ય સલાઈ, પ્રિય શિષ્ય ફ્રાન્ચેસ્કો મૅલ્ત્ઝી, સેવાચાકરી કરનારી એક ઘરડી બાઈ તથા ‘મોના લીસા’ સહિત કુલ ત્રણ ચિત્રો લેતો આવેલો. પણ સલાઈ તો અહીં આવ્યા પછી તુરત જ તેને છોડી ચાલ્યો ગયો અને મિલાનમાં લિયોનાર્દોની જાગીર ઉપર પોતાનું ઘર બાંધી રહેવા માંડ્યો. રાજા ફ્રાંસ્વા પહેલો લિયોનાર્દોને વિશ્વનો સૌથી ડાહ્યો માણસ માનતો, તેથી કંઈ પણ ગૂંચવાડો ઊભો થતાં તે મારતે ઘોડે લિયોનાર્દોના મહેલ પર આવી સલાહ માંગી જતો. આ રાજાએ લિયોનાર્દોને ‘રાજાના ખાસ ચિત્રકાર, સ્થપતિ અને મિકૅનિક’ એવો દરજ્જો આપેલો અને હંમેશાં હાથમાં ને હાથમાં રાખ્યો. લિયોનાર્દોને હવે જમણા હાથે લકવા થયો. એ વૃદ્ધ થઈ રહ્યો હતો. રાજા સાથે ગપાટા મારવા સિવાય અહીં લિયોનાર્દોએ માત્ર બે જ કામ કર્યાં. એક તો બ્રહ્માંડના થોડા સ્કૅચ કર્યા અને બીજું તે રાજાએ રોમોરેન્તિન ખાતે બાંધવા વિચારેલ નવા મહેલ માટેની સ્થાપત્યની થોડી વિચારણા કરી. રોમોરેન્તિન ખાતે તો મહેલ બાંધવામાં ન આવ્યો, પણ ત્યારબાદ એક સદી પછી વર્સાઇલ્સ ખાતેના નવા ફ્રેન્ચ મહેલમાં લિયોનાર્દોની વિચારસરણીની ફલશ્રુતિ જોવા મળે છે. સ્થાપત્યમાં લિયોનાર્દો કેન્દ્રવર્તી સમતોલ (centrally oriented) આયોજનની તરફેણમાં હતો. તેણે તૈયાર કરેલી કોઈ ચોક્કસ ડિઝાઇન મુજબ જ કોઈ મકાન બંધાયું હોય તેવું નથી બન્યું, પરંતુ તેની નોંધપોથીઓમાં મકાનોના કલ્પનાથી તૈયાર કરેલ સ્કૅચ તેમ જ પ્લાન – ઇલેવેશન મળી આવે છે. સ્થાપત્યક્ષેત્રની લિયોનાર્દોની વિચારણા સ્થાપત્યભાષ્ય ‘ટ્રીટાઇઝ ઑન આર્કિટેક્ચર’ના રચયિતા અને રેનેસાંના પ્રસિદ્ધ સ્થપતિ લિયોં બાત્તીસ્તા આલ્બેર્તીના આદર્શો સાથે મેળ ખાય છે.

નજીક આવી રહેલો પોતાનો અંત લિયોનાર્દો મહેસૂસ કરી શક્યો હતો. પોતે વિચારેલા મોટાભાગના પ્રૉજેક્ટ અને અધૂરાં રહેલાં ચિત્રો પૂરાં ન થયાનો રંજ એને હતો. એની શ્રેષ્ઠ કલાકૃતિઓ નાશ પામી હતી; પોતાનું જ્ઞાન માત્ર પોતાની નોંધપોથીઓ પૂરતું સીમિત રહ્યું હતું. કેટલી બધી મહાન સિદ્ધિઓ માટે એની પાસે સામર્થ્ય હતું !?  જેમાંથી કેટલી ઓછી સિદ્ધિઓ એ ખરેખર મેળવી શક્યો ?! પણ, તે કદાચ એ વાત નહોતો જાણતો કે પોતાનાં બચેલાં થોડાં ભવ્ય ચિત્રો – ભલે થોડાં જ – પોતાનું નામ અમર કરવા માટે પૂરતાં હતાં ! આમ, એક ‘યુનિવર્સલ મૅન’ કોઈ ધમાલ મચાવ્યા વગર ક્લુ ખાતે શાંતિથી મૃત્યુ પામ્યો. એમ્બૉઇસે ખાતે સેંટ ફ્લૉરેન્તિન મૉનેસ્ટ્રીમાં તેના મૃતદેહને દફન કરવામાં આવ્યું. મૃત્યુના તેર દિવસ પહેલાં જ એણે વિલ મારફતે પોતાની પાસે રહેલ પોતાનાં ચિત્રો અને પોતાની નોંધપોથીઓ અંતેવાસી પ્રિય શિષ્ય મૅલ્ત્ઝીને આપેલી. બેજવાબદાર મૅલ્ત્ઝીએ લાપરવાહીથી નોંધપોથીઓ ખોઈ નાંખી, જેમાંથી પાનાં છૂટાંછવાયાં પડી વેરવિખેર થઈ ગયાં, જેમાંથી થોડાં છેલ્લાં બસો વરસોમાં શોધી કાઢવામાં આવ્યાં છે.

જીવનનાં અનેક ક્ષેત્રોમાં મૌલિક ચિંતન કરનાર લિયોનાર્દો એના જમાનાના શ્રેષ્ઠ માનવોમાંનો એક અને પછી આવનારા જમાનાનો અગ્રયાયી છે. આજે આધુનિકોમાં આદ્ય એવા સન્માનપૂર્વક એનો ઉલ્લેખ થાય છે. સડસઠ વરસની લાંબી જિંદગીમાં રંગો વડે માત્ર વીસ ચિત્રો તેણે પૂરાં કર્યાં હોવા છતાં તે યુરોપના સમગ્ર ઇતિહાસનાં બધાં જ ચિત્રકારોમાંથી ટોચનાં ચાર-પાંચ ચિત્રકારોમાં સ્થાન પામે છે.

લિયોનાર્દોનાં મુખ્ય ચિત્રોની યાદી

(સંખ્યાબંધ સ્કૅચ અને હજારો ઇલસ્ટ્રેશન્સનો અહીં સમાવેશ કર્યો નથી.)

ચિત્ર

સ્થળ (હાલમાં) સમય (. .)
1 2

3

1. બૅપ્ટિઝમ ઑવ્ ક્રાઇસ્ટ (વેરોકિયો સાથે) ઉફીત્ઝી ગૅલરી, ફ્લૉરેન્સ, ઇટાલી આશરે 1472
2. ઇનન્સિયેશન ઉફીત્ઝી ગૅલરી, ફ્લૉરેન્સ, ઇટાલી 1472–73
3. જીનેવ્રા દ બેન્ચી નૅશનલ ગૅલરી, વૉશિંગ્ટન, યુ.એસ. આશરે 1474
4. મેડૉના બેનૉઇસ લ હર્મિતાજ મ્યુઝિયમ, સેંટ પીટર્સબર્ગ, રશિયા આશરે 1472–1480
5. ઍડોરેશન ઑવ્ મૅજાઈ ઉફીત્ઝી ગૅલરી, ફ્લૉરેન્સ, ઇટાલી 1481–82
6. વર્જિન ઑવ્ ધ રૉક્સ લુવ્ર, પૅરિસ, ફ્રાન્સ આશરે 1483
7. સેંટ જેરોમ વૅટિકન ગૅલરી, ઇટાલી આશરે 1483
8. ચેચિલિયા ગાલેરાનીની ઝાર્ટોવ્સ્કી મ્યુઝિયમ, ક્રેકોવ, પોલૅન્ડ 1483
9. મ્યુઝિશિયન ઍમ્બ્રોસિયાના, મિલાન, ઇટાલી આશરે 1485
10. લાસ્ટ સપર મારિયા દેલ્લ ગ્રાઝી, મિલાન, ઇટાલી 1495–97
11. મોના લીસા લુવ્ર, પૅરિસ, ફ્રાન્સ 1503–1506
12. વર્જિન ઑવ્ ધ રૉક્સ નૅશનલ ગૅલરી, લંડન, બ્રિટન 1500 પછી
13. સેંટ જૉન ધ બૅપ્ટિસ્ટ લુવ્ર, પૅરિસ, ફ્રાન્સ આશરે 1515
14. મેડૉના ઍન્ડ ચાઇલ્ડ વિથ સેંટ ઍની ઍન્ડ
સેંટ જૉનનું કાર્ટૂન નૅશનલ ગૅલરી, લંડન, બ્રિટન 1498
15. મૅડોના ઍન્ડ ચાઇલ્ડ વિથ સેંટ ઍની ઍન્ડ
સેંટ જૉન (તૈલચિત્ર) લુવ્ર, પૅરિસ, ફ્રાન્સ 1508–1510
16. મેડૉના વિથ ધ કાર્નેશન એઇલ્ટિર પીનાકોથેક, મ્યૂનિક, જર્મની ?
17. લા બેલા ફેરોનિયેર લુવ્ર, પૅરિસ, ફ્રાંસ 1501
18. બેટલ ઑવ્ ‘એન્ઘિયેરી’ની રૂબેન્સે કરેલી નકલ ધ હેગ, ડચ રૉયલ કલેક્શન, નેધર્લૅન્ડ્ઝ 1612–1614
19. ‘લેદા’ની શિષ્યોએ કરેલી નકલ ગેલોટી સ્પિરિદોન કલેક્શન, રોમ, ઇટાલી 1507 પછી
20. લિત્તા મેડૉના લ હર્મિતાજ મ્યુઝિયમ, સેંટ પીટર્સબર્ગ, રશિયા ?

અમિતાભ મડિયા