લિયાપુનૉવ, સર્ગેઈ

January, 2004

લિયાપુનૉવ, સર્ગેઈ (જ. 30 નવેમ્બર 1859, યારોસ્લાવલા, રશિયા; અ. 8 નવેમ્બર 1924, પૅરિસ, ફ્રાંસ) : રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. વિદ્વાનો અને નિષ્ણાતોના પરિવારમાં લિયાપુનૉવ જન્મેલા. પિતા ખગોળશાસ્ત્રી હતા, અને મોટા ભાઈ ઍલેક્ઝાન્ડર એક પ્રમુખ રશિયન ગણિતશાસ્ત્રી હતા. નિઝ્નિનૉવ્ગૉરોડના સંગીતશાસ્ત્રીઓએ બાળ લિયાપુનૉવની પ્રતિભા પિછાણીને તેમને મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ કર્યા. અહીં ક્લીન્દૉવર્થે તેમને પિયાનોવાદન તથા તાનાયેવે તેમને સ્વરનિયોજન તથા સંગીતના સિદ્ધાંતો શિખવાડ્યા. 1883માં લિયાપુનૉવની પ્રથમ રચના ‘શેર્ઝો’નું મંચનવાદન મૉસ્કો સિમ્ફની ઑર્કેસ્ટ્રાએ કર્યું.

વિદ્યાર્થી હતા ત્યારથી જ તેમને સેંટ પીટર્સબર્ગના સ્વરનિયોજકો તરફ અદમ્ય આકર્ષણ જાગેલું. બોરોદીનની ‘બોગેટીર સિમ્ફની’ તથા બાલા કિરેવની પિયાનો-ફૅન્ટસી ‘ઇસ્લામી’એ તેમની પર પ્રગાઢ અસર પાડેલી. તેથી મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં તેમને મળતી ડિરેક્ટરની પદવી છોડીને તેઓ સેંટ પીટર્સબર્ગ ચાલ્યા ગયા. અહીં બાલાકિરેવની ઓળખાણ ટૂંક જ સમયમાં ગાઢી દોસ્તીમાં પરિણમી. બાલાકિરેવે તેમની ઓળખાણ ‘માઇટી હૅન્ડફુલ જૂથ’ના સંગીતકારો બોરોદીન, કુઈ, રિમ્સ્કી-કોર્સાકૉવ, ગ્લાઝ્નૉવ અને સ્તાસૉવ બંધુઓ જોડે કરાવી. વગાડવામાં ખૂબ અઘરી ગણાતી બાલાકિરેવની પિયાનો માટેની કૃતિ–પિયાનો-ફૅન્ટસી ‘ઇસ્લામી’ તેમણે એટલી સાહજિક કુશળતાથી વગાડી કે ‘માઇટી હૅન્ડફુલ જૂથ’ના સંગીતકારો છક્કડ ખાઈ ગયા. એમણે ‘એ બૅલાડ’ નામે વાદ્યવૃંદ માટેનું એક ‘ઓવર્ચર’ પણ રચ્યું. 1885માં તેમણે વાદ્યવૃંદ માટે ‘સિમ્ફની ઇન બી માઇનર’ લખવી શરૂ કરી. 1887માં ‘ફ્રી મ્યૂઝિક સ્કૂલ’ ખાતે બાલાકિરેવે તેમનું પ્રથમ મંચન-કન્ડક્ટિંગ કર્યું. તુરત જ રિમ્સ્કી-કોર્સાકૉવે પણ રશિયન મ્યૂઝિક સોસાયટી ખાતે તેનું મંચન-કન્ડક્ટિંગ કર્યું.

1890માં લિયાપુનૉવે તેમનો પ્રથમ પિયાનો કન્ચર્ટો લખ્યો. બધે જ તેનું વાદન-મંચન સફળ નીવડ્યું. હોફમૅન, ઇગુમ્નૉવ, હોરોવિટ્ઝ, વાઇન્સ અને ડ્રીક જેવા શ્રેષ્ઠ દેશી-વિદેશી પિયાનોવાદકોએ તેમાં પિયાનો વગાડ્યો.

રશિયાના ઉત્તર ભાગમાં આવેલા પ્રાંતો વ્યાટ્કા, વોલોગ્ડા અને કોસ્ત્રોમાનો પ્રવાસ કરીને લિયાપુનૉવે ત્યાંના લોકસંગીતનો અભ્યાસ કર્યો. એ લોકસંગીતનું તેમણે બે ખંડોમાં સંપાદન પણ કર્યું. હવે પછીની તેમની મૌલિક રચનાઓ પર પણ આ સંગીત પ્રભાવક બન્યું. એમની શ્રેષ્ઠ પિયાનોરચનાઓમાં ‘ટ્વેલ્વ એત્યુદ્સ દેકિઝક્યુશન ટ્રાન્સેન્દાન્તે’ ગણાય છે; પરંતુ શૈક્ષણિક જવાબદારી તેમનો ઘણો સમય ખાઈ જતી હોઈ તેમનું સર્જનકાર્ય મંદ પડ્યું. 1907માં તેમણે ‘યુક્રેનિયન રહાપ્સૉડી ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા’ લખી અને વિશ્વપ્રસિદ્ધ પિયાનોવાદક ફેરુચિનો બુસોનીને અર્પણ કરી. આ કૃતિના પ્રથમ વાદન-મંચન સમયે બર્લિનમાં બુસોનીએ જ તેમાં પિયાનો વગાડ્યો. એ પછી તેમણે પ્રથમ પિયાનો-સૉનાટા અને દ્વિતીય પિયાનો-કન્સર્ટો લખ્યાં.

1910માં લિયાપુનૉવે ‘ઝેલાઝોવા વોલા’ નામની એક ‘સિમ્ફનિક પોએમ’ લખી અને પ્રસિદ્ધ પિયાનોવાદક અને સર્જક ફ્રેડરિક શોપાંને એ અર્પણ કરી. શોપાંની જન્મશતાબ્દીનું એ વર્ષ હતું. શોપાં પોલૅન્ડનાં જે ગામડામાં જન્મેલા એ ગામનું નામ ‘ઝેલાઝોવા વોલા’ હતું. આ રચનામાં લિયાપુનૉવે પોલિશ લોક-સૂરાવલીઓનો ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો છે. વળી તેમાં ‘બર્ક્યુઝ’ નામે ઓળખાતી શોપાંની હાલરડા-શૈલીનો પણ વિનિયોગ કર્યો છે.

1907માં લિયાપુનૉવે યુરોપનાં નગરોનો પ્રવાસ ખેડ્યો. બર્લિન, લિપઝિગ, રૉટરડૅમ, ઉટ્રેખ્ટ અને વિયેનામાં શ્રોતાઓએ તેમને આવકાર આપ્યો. 1910માં તેમણે ફરી વાર યુરોપનાં નગરોનો પ્રવાસ ખેડ્યો. એ જ વર્ષે સેંટ પીટર્સબર્ગ કૉન્ઝર્વેટરીમાં તેઓ સંગીતના સિદ્ધાંતો તથા પિયાનોવાદનના પ્રોફેસર નિમાયા. આ પદ પર તેઓ 1924 સુધી ચાલુ રહ્યા.

1911માં રોમમાં આયોજિત ઇન્ટરનૅશનલ મ્યુઝિક કૉંગ્રેસમાં તેઓ રશિયા તરફથી રોમ ગયા. 1913માં તેઓ રશિયન મ્યુઝિક સોસાયટીના સભ્ય બન્યા.

1913માં તેમણે ઑર્ગન માટે ‘પૅસ્ટોરલ એત્યુદ’ લખ્યું. કોઈ રશિયન સંગીતકાર દ્વારા ઑર્ગન માટે લખાયેલી આ પ્રથમ કૃતિ હતી. 1916માં તેમણે વાયોલિન-કન્ચર્ટો લખ્યો. એ જ વર્ષે તેના પ્રથમ મંચન-વાદન સમયે પ્રસિદ્ધ રશિયન વાયોલિનવાદિકા નાલ્બાન્દ્યાને વાયોલિન વગાડેલું. 1917માં લિયાપુનૉવે તેમની બીજી સિમ્ફની લખવી પૂરી કરેલી. એ એમણે ગ્લાઝ્નૉવને અર્પણ કરેલી.

ઍલેક્ઝાન્ડર પુશ્કિન, બેરાટિન્સ્કી અને ગોલેનિશ્ચેવ-કુટુઝૉવનાં મળીને કુલ 119 ગીતોને લિયાપુનૉવે સંગીતમાં બેસાડ્યાં હતાં.

1923માં તેઓ ફ્રાંસ ગયા. અહીં શ્રોતાઓએ તેમને એટલો બધો પ્રતિસાદ આપ્યો કે એક પછી એક સંગીતના જલસા તેઓ આપતા ગયા; અને થાકીને પૅરિસમાં જ અવસાન પામ્યા ને ત્યાં જ શ્રોતાઓએ તેમનો દફનવિધિ કર્યો.

અમિતાભ મડિયા