લિપી, ફિલિપિનો (જ. આશરે 1457, ફ્લૉરેન્સ નજીક, ઇટાલી; અ. 18 એપ્રિલ 1504, ફ્લૉરેન્સ, ઇટાલી) : પ્રસિદ્ધ રેનેસાંસ ચિત્રકાર. પ્રસિદ્ધ રેનેસાંસ ચિત્રકાર ફ્રા ફિલિપ્પો લિપીનો અને લુક્રેઝિયા બુતીના તેઓ પુત્ર. આરંભિક તાલીમ પિતા-ચિત્રકાર ફિલિપ્પો પાસે લીધી. તેમનું મૃત્યુ થતાં 1469થી તેઓ પ્રસિદ્ધ ચિત્રકાર સાંદ્રો બોત્તિચેલીના વર્કશૉપમાં જોડાયા. 1469થી 1473 સુધી તેઓ અહીં તાલીમાર્થી રહ્યા. તેમ છતાં બોત્તિચેલીના જેવી લાવણ્યથી ઊભરાતી ને સંવેદનશીલ રેખાઓ ચિત્રોમાં પ્રકટાવી શક્યા નહિ. 1480થી 1485 સુધી એમની શૈલીમાં વધુ કઠોરતા પ્રવેશી. ચિત્ર ‘જર્ની ઑવ્ તોબિયાસ’ આ પ્રકારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ફ્લૉરેન્સના રાજવી લૉરેન્ઝો દ મેડિચીએ પેરુજિનો, ધીર્લાન્ડાયો અને ફિલિપિનોને સ્પેદેલેત્તો ખાતેની પોતાની કોઠીમાં ભીંતચિત્રો કરવા આમંત્ર્યા. એ પછી ફ્લૉરેન્સ ખાતે પેલેત્ઝો હેલ્લ સિન્યોરિયા ખાતે પેરુજિનોએ અધૂરાં પડતાં મૂકેલાં ભીંતચિત્રો એમણે પૂરાં કર્યાં. એ પછી કેર્માઇન ખાતે 1428માં અવસાન પામતાં મસાચિયેનાં અપૂર્ણ ભીંતચિત્રો પૂરાં કર્યાં.
ફિલિપિનોનું સૌથી વધુ લોકપ્રિય ચિત્ર ‘ધ વિઝન ઑવ્ સેંટ બર્નાર્ડ’ છે. રોમમાં તેમણે સાન્તા મારિયા સોપ્રા મિનર્વા દેવળમાંનાં કેરાફા ચેપલમાં ભીંતચિત્રો કર્યાં. લૉરેન્ઝો દ મેડિચી માટે તેમણે ચીતરેલું ‘સૅક્રિફાઇસ ઑવ્ લાઓકૂન’ તેમનું છેલ્લું ચિત્ર છે.
ફિલિપિનોનાં ચિત્રો ફ્લૉરેન્ટાઇન મૅનૅરિઝમ શૈલીનાં અગ્રયાયી ગણાય છે.
અમિતાભ મડિયા