લિન્ડબર્ગ, ચાર્લ્સ ઑગસ્ટસ

January, 2004

લિન્ડબર્ગ, ચાર્લ્સ ઑગસ્ટસ (જ. 4 ફેબ્રુઆરી 1902; અ. 26 ઑગસ્ટ 1974) : યુ.એસ.નો મહાન વિમાનચાલક અને આટલાંટિક ઉપરના ન્યૂયૉર્કથી પૅરિસ સુધીના, વચ્ચે કોઈ પણ રોકાણ વગરના, સૌપ્રથમ હવાઈ ઉડ્ડયન માટે વિમાન-ઉડ્ડયનના ઇતિહાસમાં સૌથી વધુ જાણીતી વ્યક્તિ.

ચાર્લ્સ ઑગસ્ટસ લિન્ડબર્ગ

લિન્ડબર્ગના બાળપણના દિવસો મિનિસોટા અને વૉશિંગ્ટન ડી.સી.માં વીત્યા હતા. વિસકૉન્સિન યુનિવર્સિટીમાં બે વર્ષ ગાળ્યા પછી પોતાના વિમાન-ઉડ્ડયનના શોખને લીધે લિંકનની ‘ફ્લાઇંગ સ્કૂલ’માં જોડાયો. ત્યારબાદ ટૅક્સાસની ‘ફ્લાઇંગ સ્કૂલ’માં એક વર્ષ (1924–25) ગાળી તે એસ્મેઇલ પાઇલૉટ બન્યો. આ સમય દરમિયાન તેને સેન્ટ લુઈસના એક વેપારી ગ્રૂપ (વર્તુળ) તરફથી 25,000 ડૉલરનું ઇનામ મળ્યું. આ રકમનો ઉપયોગ તેણે ન્યૂયૉર્ક અને પૅરિસ વચ્ચેના સૌપ્રથમ (વચ્ચે કોઈ પણ રોકાણ વગરના) ઉડ્ડયન માટે કર્યો. આ ઉડ્ડયન તેણે મે 20–21, 1927ના ‘સ્પિરિટ ઑવ્ સેંટ લૂઇસ’ નામના એક બેઠકવાળા વિમાનમાં 33.5 કલાકમાં પૂરું કર્યું. આ ઉડ્ડયને આટલાન્ટિકની બંને બાજુના દેશોમાં રાતોરાત તેને ‘ફોક-હીરો’ બનાવી દીધો; એટલું જ નહિ, પરંતુ દુનિયાના અન્ય દેશોમાં પણ તે જાણીતો થયો. ત્યારપછી તેણે યુરોપ અને અમેરિકામાં અનેક શુભેચ્છા-ઉડ્ડયનો કર્યાં.

મેક્સિકોમાં તેને અમેરિકાના એલચીની પુત્રી એનીમોરો સાથે પરિચય થયો, જે લગ્નમાં પરિણમ્યો. ત્યારબાદ તેણે ઍરલાઇન્સ  ‘ટ્રાન્સકૉન્ટિનેન્ટલ ઍર ટ્રાન્સપૉર્ટ’ અને ‘પાન અમેરિકન ઍરવેઝ’માં ટેક્નિકલ એડ્વાઇઝર તરીકે કામ કર્યું અને બંનેના વિકાસમાં મોટો ભાગ ભજવ્યો.

વર્ષ 1932માં લિન્ડબર્ગના 2 વર્ષના પુત્રનું અપહરણ થયું અને તેને મારી નાખવામાં આવ્યો. લિન્ડબર્ગની પ્રખ્યાતિને લીધે આ બિનાએ મોટું સ્વરૂપ લીધું અને તે દશકાની તે સૌથી મોટી ગુનાખોરીની બાબત લેખાઈ. તે વખતનાં સમાચારપત્રોમાં આ ઘટનાને લગતી વિગતો મોટા સ્વરૂપે છપાઈ. લિન્ડબર્ગ દંપતીને આ બનાવથી ખૂબ દુ:ખ થયું. તેણે અમેરિકા છોડી યુરોપમાં રહેવાનું પસંદ કર્યું. 1936માં જ્યારે તેણે જર્મનીનાં જુદાં જુદાં વિમાનમથકો જોયાં ત્યારે નાઝી જર્મનીની વિમાનક્ષેત્રે વધતી જતી તાકાતથી દુનિયાના દેશોને ચેતવ્યા. તેણે બીજા વિશ્વયુદ્ધના શરૂઆતના તબક્કામાં અમેરિકાએ ભજવવા જોઈતા ભાગની જાહેરમાં ટીકા કરી તે કારણે તે વખતના અમેરિકન પ્રમુખ ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટે તેને 1941માં અમેરિકાના ‘ઍર કૉર’ના રિઝર્વ કમિશનમાંથી છૂટો કર્યો.

અમેરિકા જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં સક્રિય બન્યું ત્યારે તેણે ફૉર્ડ મોટર કંપની અને યુનાઇટેડ ઍરક્રાફ્ટ કૉર્પોરેશનમાં સેવા આપી અને એ દરમિયાન યુદ્ધ અંગેની બાબતો માટેનાં લગભગ 50 જેટલાં ઉડાણો કર્યાં. વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે જર્મનીની વિમાનવિદ્યાની તપાસ કરવા નિમાયેલા યુરોપના પંચ(commission)માં ભાગ લીધો.

પાન અમેરિકન ઍરવેઝના સલાહકાર ઉપરાંત તેણે અમેરિકાની વિમાન-શાસ્ત્રની રાષ્ટ્રીય કમિટીમાં પણ સક્રિય ભાગ ભજવ્યો. તેણે અનેક ઇનામો અને પુરસ્કારોથી નવાજવામાં આવ્યો. પ્રમુખ ડી. આઇઝનહોવરે ઍરફૉર્સ રિઝર્વમાં બ્રિગેડિયર જનરલ તરીકે તેની નિયુક્તિ કરી. તે સારા લેખક પણ હતા. 1927માં તેનું પુસ્તક ‘We’ અને 1948માં ‘Of Flight and Life’ પ્રગટ થયાં. 1938થી 1945 સુધીના યુદ્ધ દરમિયાન તેણે કરેલી નોંધો 1970માં ‘વૉરટાઇમ જર્નલ્સ’ તરીકે પ્રગટ થઈ.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ