લિથ્રેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ દ્વિદળી. ઉપવર્ગ  મુક્તદલા (polypetalae). શ્રેણી – વજ્રપુષ્પી (Caliyciflorae). ગોત્ર –મિર્ટેલીસ. કુળ  લિથ્રેસી. આ કુળમાં લગભગ 23 પ્રજાતિઓ અને 475 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની જાતિઓનું અમેરિકી ઉષ્ણકટિબંધમાં વિપુલ પ્રમાણમાં વિતરણ થયેલું છે. મોટાભાગની ઉષ્ણકટિબંધીય જાતિઓ કાષ્ઠમય ક્ષુપ (Lagerstroemia અને Lafoensiaમાં કેટલીક વૃક્ષ-પ્રજાતિઓ), જ્યારે સમશીતોષ્ણ પ્રદેશોમાં થતી જાતિઓ ઉપક્ષુપીય (suffrutescent) કે શાકીય હોય છે. મેંદી (Lawsonia alba) અને જરૂલ (Lagerstroemia flos-reginae) આ કુળની જાણીતી વનસ્પતિઓ છે.

લિથ્રેસી : Lythrum salicaria : (અ) પુષ્પીય શાખા, (આ) પુષ્પ,(ઇ) સ્ત્રીકેસરચક્ર, (ઈ) બીજાશયનો આડો છેદ, (ઉ) પુષ્પીય આરેખ

લિથ્રેસી કુળની જાતિઓ શાકીય, ક્ષુપ કે વૃક્ષસ્વરૂપ ધરાવે છે. મેંદી જેવી બહુ ઓછી વનસ્પતિઓ કાંટાળી હોય છે. પ્રકાંડની શાખાઓ ઘણી વાર ચતુષ્કોણી હોય છે અને દ્વિ-પાર્શ્વસ્થ (bicollateral) વાહીપુલો ધરાવે છે. પર્ણો સાદાં, સામાન્યત: સમ્મુખ કે ભ્રમિરૂપ (whorled), મોટેભાગે અખંડિત હોય છે અને ઉપપર્ણી (stipulate) કે અનુપપર્ણી (exstipulate) હોય છે.

પુષ્પો, પૂર્ણ, સામાન્યત: નિયમિત, ભાગ્યે જ અનિયમિત (દા. ત., Cuphea), પરિજાયી (perigynous), પ્યાલા જેવા પુષ્પાસનનો વિકાસ પુંકેસરચક્ર અને પુષ્પીય આવરણોના જોડાણથી થાય છે; જેના ઉપરથી વજ્ર, દલપુંજ અને પુંકેસરચક્ર ઉત્પન્ન થયાં હોય તેવો આભાસ થાય છે. આ રચનાને હાઇપૅન્થિયમ (hypanthium) કહે છે. તેની નીચે છ નિપત્રો(bracts)નું બનેલું ઉપવજ્ર (epicalyx) જોવા મળે છે. (દા.ત., Lythrum). કેટલીક પ્રજાતિઓમાં સંવૃત (cleistogamous) પુષ્પો ઉત્પન્ન થાય છે. (દા. ત., Rotalaની કેટલીક જાતિઓ અને Ammania) પુષ્પો એકાકી, સામાન્યત: અપરિમિત કે લઘુપુષ્પગુચ્છ (panicle) અથવા પરિમિત (cymose) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. વજ્ર 4, 6 કે કેટલીક વાર 8 વજ્રપત્રોનું બનેલું અને ધારાસ્પર્શી (valvate) હોય છે. તે હાઇપૅન્થિયમની ધાર ઉપર આવેલું જણાય છે. કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓ તેને વજ્રનલિકા કહે છે. દલપુંજ 4, 6 કે કેટલીક વાર 8 દલપત્રોનો બનેલો હોય છે.

Pepils કે Rotalaમાં દલપુંજ હોતો નથી. તે હાઇપૅન્થિયમ ધાર પરથી કે ઉપરની અંદરની સપાટીએથી ઉત્પન્ન થાય છે અને વજ્રપત્રો સાથે એકાંતરિક રીતે ગોઠવાયેલાં હોય છે. કલિકામાં તેઓ કરચલીવાળાં હોય છે. કોરછાદી (imbricate) પ્રકારનો કલિકાન્તરવિન્યાસ (aestivation) જોવા મળે છે. દલપુંજ ઘણી વાર પતનશીલ (fugacious) હોય છે. પુંકેસરો સામાન્યત: દલપત્રોની સંખ્યા કરતાં બે ગણા હોય છે. બહારનું ચક્ર વજ્રસંમુખ અને અંદરનું ચક્ર દલપુંજસંમુખ હોય છે. પુંકેસરચક્રની આ સ્થિતિને દ્વિવર્તપુંકેસરી (diplostemonous) કહે છે. કેટલીક વાર અંદરનું પુંકેસરોનું ચક્ર અનુપસ્થિત હોય છે, અથવા Rotalaમાં એક જ પુંકેસર હોય છે, અસંખ્ય પુંકેસરો ક્વચિત જ જોવા મળે છે. પુંકેસરતંતુઓ  અસમાન હોય છે. પરાગાશયો દ્વિખંડી, અંતર્મુખી (introse), પૃષ્ઠલગ્ન (dorsifixad) હોય છે અને તેમનું લંબવર્તી સ્ફોટન થાય છે. સ્ત્રીકેસરચક્ર 2 થી 6 યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ અને અદંડી હોય છે. અથવા ટૂંકો દંડ ધરાવે છે. તે 2 થી 6 ખંડોમાં વિભાજિત થયેલું હોય છે અને અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ ધરાવે છે. બીજાશયના ઉપરના ભાગમાં કેટલીક વાર પડદા અપકર્ષ પામ્યા હોય છે. પ્રત્યેક જરાયુ ઉપર થોડાંકથી માંડી અસંખ્ય અધોમુખી (anatropous) અને ઊર્ધ્વગામી (ascending) અંડકો આવેલાં હોય છે. બીજાશય ભાગ્યે જ એકકોટરીય ચર્મવર્તી (parietal) જરાયુવિન્યાસ ધરાવે છે. પરાગવાહિની એક અને પરાગાસન સામાન્યત: બિંબાભ (discoid) કે શીર્ષાભ (capitate) હોય છે. આ કુળમાં વિવિધ પ્રકારે સ્ફોટન પામતા પ્રાવર (capsule) પ્રકારનાં ફળ જોવા મળે છે. બીજ અભ્રૂણપોષી (non endospermic) હોય છે અને સીધો ભ્રૂણ ધરાવે છે.

આર્થિક અગત્યની દૃષ્ટિએ આ કુળ મહત્વનું નથી. Lagerstroemia flos-reginae જેવી કેટલીક જાતિઓ ભારતમાં Physocalymma scaberrium બ્રાઝિલમાં ઇમારતી લાકડું આપે છે. Lagerstroemia indicaનો સુંદર વાડ બનાવવામાં ઉપયોગ થાય છે. મેંદી(Lawsonia alba અને L. inermis)નાં પર્ણોમાંથી લાલ રંગ ઉત્પન્ન થાય છે. હાથ, પગ, દાઢી કે વાળ રંગવામાં તે વપરાય છે. તે યકૃત, ત્વચા અને સંધિવામાં ઔષધ તરીકે ઉપયોગી છે. Cupheaની શાકીય જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ