લિથુઆનિયન ભાષા અને સાહિત્ય

January, 2004

લિથુઆનિયન ભાષા અને સાહિત્ય : લિતુવિયુકાલ્બા તરીકે પણ ઓળખાતી અને લૅટવિયન ભાષાની વધુ નજીકની પૂર્વ બાલ્ટિક ભાષાઓમાંની એક ભાષા અને તેનું સાહિત્ય. તે લિથુઆનિયા(1991માં સંયુક્ત સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિકમાંથી છૂટું પડીને સ્વતંત્ર રાષ્ટ્ર ‘ધ રિપબ્લિક ઑવ્ લિથુઆનિયા’ તરીકે ઓળખાય છે)ની 1918થી રાજ્યભાષા બની છે. ઇન્ડો-યુરોપીય ભાષાકુળની તે જૂની ભાષા છે અને સદભાગ્યે, કાલગ્રસ્ત થઈ નથી. જોકે જૂની ભાષામાં બહુધા ધાર્મિક લખાણો જ છે, જ્યારે આધુનિક લિથુઆનિયન સાહિત્યમાં કેટલાંક જૂનાં શબ્દો અને ઉચ્ચારણો છે.

ઓગણીસમી સદીથી લિથુઆનિયન ભાષાની ત્રણ મહત્વની બોલીઓ બાલ્ટિકના સમુદ્રકાંઠાની પૂર્વના અને પશ્ચિમના વિસ્તારની છે. આધુનિક લિથુઆનિયનમાં લૅટિનના 32 મૂળાક્ષરો છે. ઉપર જણાવેલ ત્રણ બોલીઓમાં પશ્ચિમની બોલીનું વર્ચસ્ છે. જોનાસ જૅબ્લોન્સ્કિસ (1861–1930) આધુનિક લિથુઆનિયન ભાષાના જનક ગણાય છે.

સાહિત્ય : યુરોપની અન્ય ભાષાઓથી તદ્દન વિરુદ્ધ લિથુઆનિયન સાહિત્યનો ઊગમ મોડો થયો છે. 1962માં વિલનિયસ નામના સ્થળેથી મળી આવેલ પુસ્તક લિથુઆનિયન ભાષાની કૃતિની છપાયેલ નકલ હોય તેમ લાગે છે. એમાં બે ખ્રિસ્તી પ્રાર્થનાઓ અને ધર્મવિષયક લખાણ છે. ‘કેટેકિઝમ ઑવ્ એમ. મઝ્વીદસ’ (1574) નામની આ રચના લિથુઆનિયન ભાષામાં છપાયેલું સૌપ્રથમ પુસ્તક છે. ત્યારપછી તેમાં બેત્કુનસ કે. જે. બ્રેત્કેનાં ધર્મવિષયક લખાણો છપાયાં હતાં. આ ભાષામાં ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’ 1701માં છપાયેલું. 1727માં બીજા ખ્રિસ્તી ધર્મગ્રંથો છપાયા હતા. 18મી સદી સુધીનું લિથુઆનિયન સાહિત્ય મહદંશે ધર્મવિષયક રહ્યું છે. કે. સિર્વિદસનું ‘ડિક્શનેરિયમ લિંગ્વેરમ’ (1629) નોંધપાત્ર પુસ્તક છે. અઢારમી સદીમાં ધર્મનિરપેક્ષ (secular) સાહિત્ય પ્રસિદ્ધ થતું રહ્યું. આમાં કવિ ક્રિશ્ચિયન ડૉનાલિશિયસની પ્રધાન કૃતિ ‘મિતાઈ’ (‘ધ ફૉર સીઝન્સ’  1818) લિથુઆનિયના ગ્રામપ્રદેશના ઋતુચક્રની વાત છંદોબદ્ધ રચનામાં કરે છે. ઓગણીસમી સદીની શરૂઆતમાં સિમાનસ સ્તેન વિશિયસ અને ડાયોનિસસ પૉઝાની કવિતા પર ફ્રેન્ચ ક્રાંતિની અસર સ્પષ્ટ છે. યુનિવર્સિટી ઑવ્ વિલનિયસ લિથુઆનિયાની ભાષા, તેના ઇતિહાસ અને લોકસાહિત્યના વિકાસ માટે મહત્વનું કેન્દ્ર બની. સિમાનસ દાઉકાન્તાસ રોમૅન્ટિક કવિ અને ઇતિહાસકાર હતા. 1863માં લિથુઆનિયામાં રાષ્ટ્રભાવનાથી પ્રેરિત બળવાઓ થયા, એટલે રશિયાના સર્વોચ્ચ સત્તાધીશ ઝારે લિથુઆનિયન ભાષામાં 40 વર્ષ સુધી કોઈ પણ પ્રકાશન પર નિયંત્રણ મૂકી દીધું. પરિણામે લિથુઆનિયન સાહિત્ય છાનુંછપનું પ્રશિયામાં પ્રસિદ્ધ થઈને દેશમાં પ્રસરતું રહ્યું. મોતિયસ વેલંશિયસનાં લખાણો આ રીતે પ્રસિદ્ધ થયાં હતાં. તેઓ રોમન કૅથલિક ધર્મગુરુ (bishop) હતા. ધર્મ અને શિક્ષણ પર તેમણે રસપ્રદ રચનાઓ આપી છે.

આ સમય દરમિયાન લિથુઆનિયન પ્રજાની સ્વતંત્ર થવાની ઇચ્છાને અભિવ્યક્ત કરતું સાહિત્ય સર્જાય તે સાહજિક હતું. 1880–1900 દરમિયાન બે રાષ્ટ્રીય સામયિકો પ્રગટ થતાં હતાં. ‘ઑશરા’ 1883–86 સુધી પ્રસિદ્ધ થયું હતું. તેનો અર્થ ‘પરોઢ’ (ધ ડૉન) થતો હતો. આ સામયિકે રાષ્ટ્રવાદને પ્રોત્સાહન પૂરું પાડ્યું. ‘વાર્યાઝ’ (ધ બેલ) 1889–1905 સુધી પ્રસિદ્ધ થયું હતું, તેના તંત્રી વિંકાસ કુદિર્કા કટાક્ષલેખક, કવિ તથા અનુવાદક હતા. ‘ઑશરા’નો સવિશેષ લગાવ રોમૅન્ટિક આદર્શમાં, જ્યારે ‘વાર્યાઝ’નો ઝોક રાજકીય સ્વાતંત્ર્ય અને સાહિત્યમાં યથાર્થવાદ તરફ હતો. રાષ્ટ્રીય પુનરુત્થાનના આ સમયના નોંધપાત્ર લેખકોમાં રોમન કૅથલિક બિશપ ઍલેક્ઝાન્દ્રસ દાઉંબ્રોસ્કાસ હતા. તેમણે આદોમસ જકશ્તાસના તખલ્લુસથી સાહિત્યિક વિવેચન લખ્યું. ઍલેક્ઝાન્દ્રસ ફ્રોમસ ગુઝુવિસ લિથુઆનિયન નાટકના જનક ગણાય છે. વિલ્કુતૈતિસ કેતુરાકિસે હાસ્યપ્રધાન નાટક ‘અમેરિકા પિર્તીયે’ (‘અમેરિકા ઇન ધ બાથહાઉસ’, 1895) લખ્યું. જોનાસ મેશ્યુલિસ કવિ અને નાટ્યકાર હતા; તેમનું તખલ્લુસ ‘મેરોનિસ’ હતું. એન્તાનસ બારાનોસ્કાસ કવિ હતા. તેમનું એનીકશિયુ શાલેસિસ’ (‘ધ ગ્રવ ઑવ્ એનિક્સાઇ’ – 1858–59) લિથુઆનિયન સાહિત્યની એક ગણનાપાત્ર કાવ્યકૃતિ છે.

1904માં લિથુઆનિયન ભાષાનાં લખાણો છાપવા પરનો પ્રતિબંધ હઠાવી લેવાયો. યુરોપના પ્રતીકવાદ, પ્રભાવવાદ અને અભિવ્યક્તિવાદે લિથુઆનિયન સાહિત્યકારો પર પ્રભાવ પાડવા માંડ્યો. આ બધાએ સ્વાતંત્ર્યકાળ(1918–1940)ના સર્જકોને પ્રોત્સાહિત કર્યા અને તેમનાં સર્જનોમાં તે બધી અસરો ઝિલાતી ગઈ. સ્વતંત્રતા મેળવવા માટેની જેહાદનાં નર્યાં ગાણાં તેમાં ગવાતાં નહોતાં; તેમાં સ્વતંત્ર માનવીનાં ચિત્ત, વાણી અને ક્રિયાનો સાહિત્યિક ઍક્સ-રે પણ અપાઈ રહ્યો હતો. વીસમી સદીનું નોંધપાત્ર નામ નવલકથાકાર અને નાટ્યકાર વિંકાસ ક્રીવી મિશ્કેવિશિયસનું છે. તેમની મહત્વની કૃતિઓમાં ‘દેનાવોઝ સેલીઝ સેનુ ઝોન્યુ પેદાવિમાઇ’ (ઓલ્ડ ફૉક્સ ટેલ્સ ઑવ્ દેનાવા, 1912) અને ઐતિહાસિક નાટકો ‘શરૂનસ’ (1911), ‘સિર્ગેલા’ (1925) અને ‘મિન્દા ઉગો મિર્તિસૂ’ (‘ધ ડેથ ઑવ્ મિન્દા ઉગો’, 1935)નો સમાવેશ થાય છે. પેત્રાસ વેશ્યુનસ લોકપ્રિય નાટ્યકાર હતા. 1920–30ના સમય દરમિયાન દર વર્ષે તેમણે એક નાટક લખ્યું હતું. વિંકાસ માઇકોલૈતિસ  પુટનિસ ઊર્મિકવિ, નાટ્યકાર અને નવલકથાકાર છે. તેમની ‘આલ્ટોરિયુ શેશેલી’ (ઇન ધ શૅડોઝ ઑવ્ ધી ઑલ્ટર્સ), 3 ભાગ, 1933) આત્મકથનાત્મક નવલકથા છે.

સોવિયેત સમય (1940–91) દરમિયાન લિથુઆનિયન સાહિત્ય બે ભાગમાં વહેંચાઈ જાય છે. જે લેખકો લિથુઆનિયામાં રહ્યા તેમનો ઝોક સોવિયેત વાસ્તવવાદ તરફ સવિશેષ રહ્યો. જોકે લિથુઆનિયામાંથી અન્ય દેશોમાં હંમેશ માટે જતા રહેલા લેખકોએ અમેરિકા, ઑસ્ટ્રેલિયા કે કૅનેડામાં રહીને પોતાના લોકો માટે લિથુઆનિયન સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા કલમને વહેતી રાખી છે. આ બંને પ્રકારના લેખકોએ ટૂંકી વાર્તા, ઊર્મિગીતો અને નવલકથા પ્રકારનાં સાહિત્યસ્વરૂપોનું ખેડાણ સવિશેષ કર્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી