લિખ્ટેન્સ્ટીન, રૉય (જ. 27 ઑક્ટોબર 1923, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : આધુનિક અમેરિકન ચિત્રકાર અને પૉપ આર્ટ ચળવળના પ્રણેતાઓમાંના એક. તેમણે ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કરીને 1949માં માસ્ટર ઇન ફાઇન આર્ટ્સની ઉપાધિ પ્રાપ્ત કરી. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં 1946થી 1951 સુધી. ન્યૂયૉર્ક સ્ટેટ યુનિવર્સિટીમાં 1957થી 1960 સુધી અને ન્યૂ જર્સીના ન્યૂ બ્રન્સ્વિક નગરની રુટ્ગર્સ યુનિવર્સિટીની ડગ્લાસ કૉલેજમાં 1960થી 1963 સુધી એમણે લલિત કલાઓનું અધ્યાપન કર્યું.
ચિત્રકાર તરીકેની કારકિર્દીના પ્રારંભમાં લિખ્ટેન્સ્ટીને કાઉબૉઇઝ અને અમેરિકાના આદિવાસી ઇન્ડિયનોને આધુનિક શૈલીઓમાં ચીતરેલા. 1960માં એમણે બાળકો માટેની કૉમિક સ્ટ્રિપમાંથી મિકી માઉસની મોટા કદની કૅન્વાસ પર અનુકૃતિ કરી. ઑફસેટ-પદ્ધતિએ છપાયેલા 5.08 સેમી. 5.08 સેમી.(2´´ 2´´)ના કૉમિક ચિત્રની (6´ 6´) મીટરના કૅન્વાસ પર યથાતથ અનુકૃતિ કરવા માટે થઈને ઑફસેટ-પ્રિન્ટિંગનાં ટપકાં(dots)ને મોટા આકારનાં વર્તુળો તરીકે ચીતર્યાં. એ પછી તેમણે જુદી જુદી કાર્ટૂન સ્ટ્રિપો વિશાળ કદમાં આલેખવી શરૂ કરી. 1962માં ન્યૂયૉર્ક નગરમાં એમણે પોતાની કલાનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન યોજ્યું, જેને લોકો અને પ્રેસ તરફથી અપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો. 1968 સુધીમાં સમગ્ર વિશ્વમાં તેમની ખ્યાતિ પ્રસરી. 1968માં લંડનની ટેઇટ ગૅલરીએ તેમને વૈયક્તિક કલા-પ્રદર્શન માટે આમંત્રેલા. આ પ્રકારનું સન્માન મેળવવામાં લિખ્ટેન્સ્ટીન પ્રથમ અમેરિકન નાગરિક રહ્યા છે. એ પછી કૂથલીથી ભરપૂર અને ચેનચાળામાં વ્યસ્ત માનવઆકૃતિઓના ફોટા વડે ગલગલિયાં કરાવતાં સામયિકોનાં લખાણો અને ચિત્રોની તેમણે મોટા કદના કૅન્વાસ પર હૂબહૂ નકલો કરવી શરૂ કરી. 1967થી તેમણે કાચમાં પણ શિલ્પ સર્જવાં શરૂ કર્યાં.
1970 પછી લિખ્ટેન્સ્ટીનની ચિત્રકળા ધરમૂળથી બદલાઈ ગઈ. હવે પીંછીના લસરકાની ભાષામાં દર્શક સાથે સંચાર સાધવો તેમણે શરૂ કર્યો. આ પદ્ધતિમાં તેમણે ખાસ તો પદાર્થચિત્રો (still lifes) ચીતરવાં શરૂ કર્યાં. તેમાં હેન્રી માતીસ, પાબ્લો પિકાસો, સાલ્વાડોર ડાલી આદિ આધુનિક ચિત્રકારોની પ્રગાઢ અસર જોવા મળે છે.
અમિતાભ મડિયા