લિંબોજી માતાનું મંદિર : ગુજરાતનું સોલંકીકાલીન મંદિર. મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં તે આવેલું છે. તે પુનર્નિર્માણ કાલનું મંદિર છે. કોઈ પ્રાચીન મંદિરના અવશેષ અહીં લાવી એના પર આ નવા મંદિરની માંડણી કરી હોવાનું અનુમાન છે. ઉત્તરાભિમુખ આ મંદિર ગર્ભગૃહ, સભામંડપ અને શૃંગારચોકીનું બનેલું છે. મંડપની વેદિકાની પીઠ ગ્રાસપટ્ટિકા, રત્નપટ્ટિકા વગેરે થરો વડે અલંકૃત છે. આસનપટ્ટની પીઠિકા પણ આવી જ શિલ્પપ્રચુર છે. ગર્ભગૃહની દ્વારશાખાના લલાટબિંબમાં ગણેશનું શિલ્પ છે. દ્વારશાખાના રૂપસ્તંભમાં લલિતાસનમાં બેઠેલી દેવીઓનાં શિલ્પો છે. ગર્ભગૃહમાં ચતુર્ભુજ દેવીની પ્રતિમાના જમણા બે હાથમાં ત્રિશૂળ અને વરદ મુદ્રા તથા ડાબા બે હાથમાં ઘંટ અને કળશ ધારણ કરેલાં છે. દેવીના મસ્તક પર સર્પફણા છે. દેવીની બંને બાજુએ વાઘ અને સિંહ છે. ગામમાં તળાવના કાંઠે આવેલું હાલ પારવા દેવીના મંદિર તરીકે ઓળખાતું મંદિર એ અસલ મંદિર છે. ત્યાંની પ્રાચીન પ્રતિમા આ મંદિરમાં પધરાવી હોવાનું જણાય છે. મુખ્ય મંદિરની આસપાસ અન્ય નાનાં મંદિરો આવેલાં છે. મુખ્ય મંદિરની સામે 12 સ્તંભો પર ટેકવેલી ચોકીની રચના છે. પશ્ચિમ દિશાએ સાદી રચનાવાળું કીર્તિતોરણ ઊભું છે. આ તોરણ પાછળના સમયનું છે.
થોમસ પરમાર