લિંબાલે, શરણકુમાર

January, 2004

લિંબાલે, શરણકુમાર (જ. 1 જૂન 1956, હન્નુર, જિ. સોલાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેઓ એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ પત્રકારત્વ તરફ વળ્યા. તેમણે વાય.સી.એમ. ઓપન યુનિવર્સિટીમાં મદદનીશ સંપાદક તરીકે કામગીરી કરી. તેઓ સોલાપુર દૂરદર્શન ખાતે ઉદ્ઘોષક પણ રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં 25 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઉત્પાત’ (1982) અને ‘શ્વેતપત્રિકા’ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘હરિજન’ (1988) અને ‘રથયાત્રા’ (1983) તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહો છે. ‘અક્કર્માશી’ (1984) તેમની આત્મકથા અને ‘ભિન્નલિંગી’ (1991) નવલકથા છે; જ્યારે ‘દલિત પૅન્થર’ (1989), ‘પ્રજ્ઞાસૂર્ય’ (1991) અને ‘ભારતીય દલિત પૅન્થર’ (1992) તેમના સંપાદિત નિબંધસંગ્રહો તથા ‘સાહિત્યાચે સૌંદર્યશાસ્ત્ર’ (1996) વિવેચનગ્રંથ છે. તેમની આત્મકથા ‘અક્કર્માશી’ કન્નડ, હિંદી તથા પંજાબીમાં અનૂદિત કરાઈ છે.

મરાઠી સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં તેમના પ્રદાન બદલ તેમને 1985માં મહારાષ્ટ્ર સ્ટેટ ઍવૉર્ડ; 1986માં મુકાદમ સાહિત્ય પુરસ્કાર; 199293માં મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય તરફથી વી. એચ. કુલકર્ણી પુરસ્કાર અને 1994માં ફણીશ્વરનાથ રેણુ પુરસ્કાર પ્રાપ્ત થયેલા.

બળદેવભાઈ કનીજિયા