લિંડિસફાર્ન (Lindisfarne) (Holy Island) : ઇંગ્લૅન્ડમાં ઉત્તર નૉર્ધમ્બરલૅન્ડના વિસ્તારથી દૂર દરિયામાં આશરે 5 કિમી. અંતરે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 55° 41´ ઉ. અ. અને 1° 48´ પ. રે.
તે આશરે 5 કિમી. લાંબો અને 3 કિમી. પહોળો છે તથા બર્વિક અપૉન ટ્વિડથી અગ્નિકોણમાં આશરે 16 કિમી. અંતરે આવેલો છે. અહીં દરિયાકિનારે જ્યારે ઓટ આવે ત્યારે તળ ખુલ્લાં બને છે અને તે સમયે તે મુખ્ય ભૂમિથી જોડાયેલો જણાય છે. તેને પવિત્ર ટાપુ (Holy Island) નામથી પણ ઓળખવામાં આવે છે.
કુદરતે આ ટાપુ પર અદભુત સુંદરતા વેરી છે. વાસ્તવમાં લોકો તેને કુદરતની અમાનત ગણે છે. અહીં 635માં સેન્ટ એડને સ્થાપેલા એક મઠનાં તથા 1093માં બાંધેલા બેનિડિક્ટીન ચર્ચનાં ખંડિયેરો આજે પણ જોવા મળે છે. સાતમી સદીના છેલ્લા સૈકામાં લિંડિસફાર્નના સાધુઓએ ઈશુ ખ્રિસ્તના ઉપદેશોના લૅટિન અનુવાદની એક હસ્તપ્રત તૈયાર કરેલી. ચાંચિયાઓના હુમલાઓ સામે તે સહીસલામત જળવાઈ રહે તે માટે ત્યારે તેને ડરહામ ખાતે લઈ જવાયેલી. આજે તે બ્રિટિશ મ્યુઝિયમમાં છે. 970માં સેન્ટ આલ્ડ્રેડે તેમાં જૂની અંગ્રેજી ભાષાની ત્યાંની સ્થાનિક બોલી (નૉર્ધમ્બ્રિયન) મારફતે કેટલીક બાબતો વચ્ચે ઉમેરી છે.
જાહ્નવી ભટ્ટ