લિંડવૉલ, રે (જ. 3 ઑક્ટોબર 1921, મૅસ્કોટ, સિડની) : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ખેલાડી. સરળ અભિગમ તથા લયબદ્ધ ગોલંદાજી ક્રિયા(action)ના પરિણામે જે ઝડપ અને આઉટ-સ્વિંગ ગોલંદાજીનો તેમણે આવિષ્કાર કર્યો તેના પરિણામે તત્કાલીન યુદ્ધોત્તર દશકા દરમિયાન તેઓ સૌથી ભયાવહ ઝડપી ગોલંદાજ બની રહ્યા. કીથ મિલરના સાથમાં તેમની એક જોરદાર જોડી બની રહી, ઇંગ્લૅન્ડ સામેની 1948ના વર્ષની ટેસ્ટ તેમના માટે સર્વોત્તમ દેખાવરૂપ બની રહી  તેમણે 19.62ની સરેરાશથી 27 વિકેટ ઝડપી. 1954 સુધી તેમની ક્રિકેટની સરેરાશ એક ટેસ્ટશ્રેણીમાં 23થી અધિક રહી ન હતી. ત્યારપછી તેઓ પોતાના દેશને ઉપયોગી સેવા આપતા રહ્યા. એકાદ વખત કપ્તાનપદ પણ સંભાળ્યું, પણ તેમની ઝડપ મંદ પડી ગઈ હતી. તેઓ લગભગ એક સર્વક્ષેત્રીય ખેલાડી હતા અને ટેસ્ટમાં 2 વખત સદી નોંધાવી હતી.

1845–54 સુધી તેઓ ન્યૂ સાઉથ વેલ્સ વતી તથા ત્યારબાદ ક્વીન્સલૅન્ડ વતી રમતા હતા, 1955થી ’60 દરમિયાન આ બીજી ટીમના કપ્તાનપદે રહ્યા.

તેમને ‘મેમ્બર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ અપાયો હતો.

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : (1) 1949–60, 61 ટેસ્ટ; 21.16ની સરેરાશથી 1,502 રન, 2 સદી; સૌથી વધુ જુમલો 118; 23.05ની સરેરાશથી 228 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 738; 26 કૅચ.

(2) 1941–62, પ્રથમ કક્ષાની મૅચ; 21.82ની સરેરાશથી 5,042 રન; 5 સદી; સૌથી વધુ જુમલો 134 (અણનમ); 21.35ની સરેરાશથી 794 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 720; 123 કૅચ.

મહેશ ચોકસી