લિંગ્દોહ, જેમ્સ માઇકલ (જ. 8 ફેબ્રુઆરી 1939, શિલોંગ, મેઘાલય, ભારત) : ભારતના ચૂંટણીપંચના અધ્યક્ષ. વિદ્યાર્થી તરીકે તેજસ્વી કારકિર્દી ધરાવનાર જેમ્સ લિંગ્દોહે ભારતમાંથી અનુસ્નાતક પદવી મેળવી થોડો સમય પ્રિન્સટન યુનિવર્સિટીમાં અને પછી હાર્વર્ડ યુનિવર્સિટીની કૅનેડી સ્કૂલ ઑવ્ ગવર્નમેન્ટમાં અભ્યાસ કર્યો. ફ્રેન્ચ અને જર્મન તથા અન્ય ભાષાઓ તેઓ અસ્ખલિત રીતે લખી, વાંચી અને બોલી શકે છે. કરાટેની માર્શલ આર્ટમાં તેઓ બ્લૅક બેલ્ટની સર્વોચ્ચ કક્ષા ધરાવે છે.
1961માં તેઓ ભારતીય વહીવટી સેવામાં જોડાયા અને બિહાર કૅડરની વહીવટી સેવાની જવાબદારી તેમને સોંપવામાં આવી. 1982–83માં દરભંગાના કમિશનર તરીકે અને 1983થી ’85 દુમકામાં કમિશનર તરીકે ફરજ બજાવી. ત્યારબાદ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રુરલ ડેવલપમેન્ટ, હૈદરાબાદમાં ફૂડ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયામાં, કૃષિ મંત્રાલય અને પ્રવાસન મંત્રાલયમાં ઉચ્ચ કક્ષાની કામગીરી બજાવી. આ ક્ષેત્રે પ્રામાણિકતા અને સખ્તાઈથી કામ કરવા માટે તેઓ ઝડપથી જાણીતા બન્યા. દેવગોવડા વડાપ્રધાન હતા ત્યારે કૅબિનેટ સચિવ બનવાની તક આપવામાં આવી, તેનો તેમણે અસ્વીકાર કર્યો હતો; કારણ એથી જાહેર વહીવટી સેવાના વરિષ્ઠતાના નિયમનો ભંગ થતો હતો. આમ પોતાના ભોગે પણ નિયમપાલનના ચુસ્ત આગ્રહને તેઓ વળગી રહ્યા હતા.
1997માં તેઓ ચૂંટણી કમિશનર નિમાયા અને ચૂંટણીપંચના અધ્યક્ષ તરીકેની જવાબદારી તેમને 13 જૂન, 2001માં સુપરત કરવામાં આવી ત્યાં સુધીની તેમની કામગીરી અત્યંત શાંતિપૂર્વક તેમણે બજાવી હતી. આ પંચના અધ્યક્ષ તરીકે દૃઢ અને મજબૂત મનોબળનો પરિચય કરાવતા પ્રથમ પગલા તરીકે તેમણે ઉમેદવારી-પત્રોની શૈલી બદલવાની કામગીરી હાથ ધરી. નવાં ઉમેદવારી-પત્રોમાં ઉમેદવારે વિશેષે મિલકત, શૈક્ષણિક લાયકાત ઉપરાંત તેમની વિરુદ્ધમાં ચાલતા ફોજદારી ગુનાઓની માહિતી પૂરી પાડવા તેમણે આગ્રહ રાખ્યો. તેમના આ નિર્ણય વિરુદ્ધ ભારે રાજકીય ઊહાપોહ થયો; પરંતુ તેમણે આ બાબતે કોઈ પણ પ્રકારની મચક ન આપી. આથી છેલ્લા ઉપાય તરીકે સંસદમાં કાયદો પસાર કરીને ઉમેદવાર અંગે ફોજદારી માહિતીનો આગ્રહ ન રાખી શકાય તેમ ઠરાવવામાં આવ્યું અને ચૂંટણીપંચના આદેશનો અસ્વીકાર કરવામાં આવ્યો.
ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર જેવા ત્રાસવાદના ઓથાર નીચે જીવતા રાજ્યમાં નિષ્પક્ષ, નીડર અને તટસ્થ ચૂંટણી યોજી તેમણે સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધાં. તે પૂર્વે ઉત્તરપ્રદેશ અને પંજાબનાં રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભાગ્યે જ કોઈનું ધ્યાન તેમની પ્રત્યે ખેંચાયેલું. આવી જ રીતે ગુજરાત રાજ્યમાં નિયત થયેલી ચૂંટણીઓ વિવાદાસ્પદ બને તે પૂર્વે તેમણે ગુજરાતનાં ગોધરાકાંડનાં તોફાનોથી પ્રભાવિત થયેલા વિસ્તારોની સ્વયં મુલાકાત લીધી અને રાબેતા મુજબની પરિસ્થિતિ સ્થપાય ત્યાં સુધી ચૂંટણીઓ મુલતવી રાખવાનો નિર્ણય લઈ સૌને આશ્ચર્યચકિત કરી દીધાં. જમ્મુ-કાશ્મીર રાજ્યમાંની ચૂંટણી અંગે તથા ગુજરાતની ચૂંટણી અંગે થોકબંધ પત્રો અને ઈ-મેઇલ દ્વારા જનસમાજે તેમના નિર્ણયોને એકીઅવાજે પ્રમાણ્યા. જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં મતદારો મતદાન કરવા જરૂર જાય એવા સલામતી દળોના આગ્રહને પણ તેઓ રોકતા અને માત્ર ઇચ્છાથી જ નાગરિકો મતદાન કરે તેમ ઇચ્છતા હતા. ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીઓમાં વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય નેતાઓની રાજ્યવ્યાપી ધાર્મિક યાત્રાઓ તેમણે મોકૂફ રખાવી ત્યારે તેમના પર ‘રાજકારણ ખેલવાનો’, ‘ખ્રિસ્તીપણા’નો, ‘બંધારણના ભંગ’નો તથા અન્ય આરોપો મૂકવામાં આવ્યા. ત્યારે આ આરોપો છતાં તેઓ અટલ રહ્યા અને શબ્દો તથા હાર્દથી નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ ચૂંટણીની કામગીરી બજાવી દેશના તથા વિદેશના ચૂંટણી-નિરીક્ષકોની પ્રશંસાના અધિકારી પુરવાર થયા. પ્રજા નીડરતાથી મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમણે તમામ પ્રયાસો કર્યા, બોગસ મતદાનને નાથ્યું, ઇલેક્ટ્રૉનિક મતદાન-યંત્રો સમગ્ર ભારતમાં દાખલ કર્યાં અને એશિયાના ચમકતા સિતારાઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું. ઉપર્યુક્ત બંને રાજ્યોમાંની તેમની સરાહનીય કામગીરી સંદર્ભે તથા ભારતની બિનસાંપ્રદાયિક લોકશાહીની સર્વોચ્ચ આશા તરીકે 31 જુલાઈ, 2003ના રોજ તેમને મૅગ્સાઇસાઈ ઍવૉર્ડ એનાયત કરવાની ઘોષણા ફિલિપાઇન્સની મૅગ્સાઇસાઈ સમિતિએ કરી હતી. મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને છત્તીસગઢ રાજ્યોની ચૂંટણી નવેમ્બર, 2003માં યોજાઈ ત્યારે ચૂંટણીપંચની આચારસંહિતાનો તેમણે કડકપણે અમલ કરાવ્યો. આ વિવિધ ચૂંટણીઓ દરમિયાન રાજકારણીઓના ઘનિષ્ઠ સંપર્કથી તેઓ જોઈ શક્યા કે આ વર્ગને હોદ્દા અને તેથી પેદા થતા લાભ સિવાય અન્ય કોઈ બાબતમાં રસ નથી, તેમનામાં વિનમ્રતા અને સૌજન્યનો અભાવ છે. પરિણામે તેમણે રાજકારણીઓને ‘ઘાતક કૅન્સર’ તરીકે ઓળખાવી તેમનો કોઈ ઈલાજ નહીં હોવાની લાચારી વ્યક્ત કરી હતી. ભારત એક ભવ્ય લોકશાહી દેશ હોવાની છાપને ખોટી ગણાવતા તેમણે જણાવેલું કે આ પ્રકારના વખાણ આત્મશ્લાઘા છે.
ફેબ્રુઆરી 2004માં નિવૃત્તિ પામનાર આ અધિકારીની કામગીરી ભારતની લોકશાહીની યશકલગી સમાન પુરવાર થઈ.
રક્ષા મ. વ્યાસ