લિંગૈયાહ, ડી. (દિનકર) (જ. 16 ડિસેમ્બર 1939, પિહલ્લી, જિ. મંડ્યા, કર્ણાટક) : કન્નડ કવિ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ. એ. કર્યું. પછી બૅંગલોરની વિશ્વેશ્વરપુર કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ કૉમર્સમાં અધ્યાપનકાર્ય કર્યું તથા આચાર્યની ફરજ બજાવી.
તેમણે 1978-81 સુધી કન્નડ સાહિત્ય પરિષદના માનાર્હ મંત્રી અને 1995થી કર્ણાટક લેખાકાર સંઘના પ્રમુખ તરીકે કામગીરી કરી.
તેમણે 58 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘બદતનડાબાલુ’ (નાટક, 1963), ‘કાવ્યસાધના’ (1969) અને ‘શીલપદ્મ’ (1987) (બંને નિબંધસંગ્રહો) તથા ‘અંતરંગડા હડુ’ (1970), ‘બયલુ સેમેયુ જનપદ ગીતેગલુ’ (1973), ‘કર્ણાટક જનપદ કાવ્યગલુ’ (1976), ‘બગ્ના પ્રતિમ’ (1992) – એ તમામ તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. વળી તેમણે ‘બેલ્લવે વેંકટ નારણપ્પા’ (1974) નામક ચરિત્ર અને ‘જનપદ કથા સંગમ’ (1978) નામનો લોકવાર્તાસંગ્રહ પણ પ્રગટ કર્યાં છે. ‘શિવાપુર ધ્વજ સત્યાગ્રહ’ (1979) તેમની વિનોદપ્રધાન કૃતિ છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ 1973માં, દેવરાજ બહાદુર ઍવૉર્ડ 1976માં, જનપદ તગ્ના ઍવૉર્ડ, જનપદ યક્ષગાન અકાદમી તરફથી 1985માં પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા