લા ફાર્જ, જૉન
January, 2004
લા ફાર્જ, જૉન (જ. 31 માર્ચ 1835, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા; અ. 14 નવેમ્બર 1910, પ્રૉવિડન્સ, અમેરિકા) : અમેરિકન ભીંતચિત્રકાર અને કાચચિત્રકાર. લઘુચિત્રકાર નાના પાસેથી બાળપણમાં લઘુચિત્રકલાની તાલીમ લીધેલી. શાલાભ્યાસ પૂરો કર્યા પછી થોડો સમય તેમણે કાયદાનો અભ્યાસ કર્યો, પણ પછી 1856માં અભ્યાસ પડતો મૂકીને ચિત્રકલાનો અભ્યાસ કરવા માટે યુરોપની વાટ પકડી. થોડો સમય ટૉમસ કૂચૂરે (Thomas Couture) પાસે તાલીમ લીધા બાદ જાતે જ અભ્યાસ આગળ ધપાવ્યો. યુરોપના વિવિધ દેશોમાં બે વરસ દરમિયાન મ્યુઝિયમોની મુલાકાત લીધા પછી અમેરિકામાં પાછા ફરીને કલાકાર વિલિયમ મૉરિસ હન્ટનું સાંનિધ્ય કેળવ્યું. 1866 પછી તેમની તબિયત લથડતી ગઈ.
1870 પછી તેમણે ભીંતચિત્રો સર્જવાનું શરૂ કર્યું. 1877માં ન્યૂયૉર્ક નગરના ચર્ચ ‘એસેન્શન’માં ‘ઍસેન્શન’ (Ascension, આરોહણ) નામનું તેમનું સર્જેલું ભીંતચિત્ર તેમનાં સર્વ ભીંતચિત્રોમાં શ્રેષ્ઠ ગણાય છે. પછી તેમણે કાચ પર ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. એ દરમિયાન જાપાન અને પૅસિફિક ટાપુઓની યાત્રાઓ શરૂ કરી. એ દેશોનાં અજનબી દૃશ્યો તેમણે જળરંગી ચિત્રો અને કાચચિત્રોમાં આલેખવાં શરૂ કર્યાં. તેમણે ત્રણ પુસ્તકો લખ્યાં છે : ‘કન્સિડરેશન્સ ઑન પેઇન્ટિંગ’ (1895), ‘ઍન આર્ટિસ્ટ્સ લેટર્સ ફ્રૉમ જાપાન’ (1897) તથા ‘એબાઉટ હોકુસાઈ’ (1897).
અમિતાભ મડિયા