લા પ્લાટા (La Plata)
January, 2004
લા પ્લાટા (La Plata) : પૂર્વ આર્જેન્ટિનાના પ્લેટ નદીનાળ કે રિયો દ લા પ્લાટાના કાંઠે આશરે 35° 0´ દ. અક્ષાંશવૃત્ત તથા 57° 55´ પ. રેખાંશવૃત્ત પર આવેલું નગર. તે દેશનું સર્વોત્તમ બંદર, ઔદ્યોગિક કેન્દ્ર તથા બ્વેનૉસ આઇરીઝ પ્રાન્તનું વહીવટી મથક છે. તે દેશના પાટનગર બ્વેનૉસ આઇરીઝથી આશરે 56 કિમી. દક્ષિણમાં આવેલું છે. વળી તેની પશ્ચાદભૂમિકામાં સમધાત આબોહવા ધરાવતાં પમ્પાઝનાં ફળદ્રૂપ મેદાનો પ્રસરેલાં છે. તેનું ભૌગોલિક સ્થાન આર્થિક દૃષ્ટિએ સમૃદ્ધ અને સુવિકસિત પ્રદેશમાં આવેલું હોવાથી ત્યાં ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણનું પ્રમાણ ઘણું વધારે છે. આ બંદર અનેક સુવિધાઓ ધરાવે છે અને તેના બારામાં સૌથી મોટી સ્ટીમરો લાંગરી શકાતી હોવાથી તે દેશનું સર્વોત્તમ બંદર બની શક્યું છે. આ બંદર મુખ્યત્વે નિકાસની કામગીરી સંભાળે છે.
બંદરની નજીકમાં શીતાગાર સહિતનાં વિશાળ કતલખાનાં (frigorificos) આવેલાં છે, જેમના દ્વારા દરિયાપારની માંગ અનુસાર માંસની નિકાસ કરી શકાય છે.
આ નગર ‘સાન્તા ફે – લા પ્લાટા ઔદ્યોગિક ધરી’ પર સ્થિત હોવાથી અહીં અનેક પ્રકારના નાનામોટા ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેમાં ખાદ્યપ્રક્રમણ, ખનિજતેલ-શોધન, પેટ્રોરસાયણ, મોટરવાહન વગેરેને લગતા ઉદ્યોગો મુખ્ય છે.
લા પ્લાટા દેશનું અગત્યનું સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. તે યુનિવર્સિટી- સંલગ્ન અનેક સંસ્થાઓ ધરાવે છે. આ ઉપરાંત અહીં સંગ્રહાલય તથા વેધશાળા પણ આવેલી છે.
બીજલ પરમાર