લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (L. D. Institute of Indology) : આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી અને અમદાવાદના લાલભાઈ પરિવારના સક્રિય સહયોગથી શ્રેષ્ઠીવર્યશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ સને 1956માં લાલભાઈ દલપતભાઈની સ્મૃતિમાં આ સંસ્થાની સ્થાપના કરી. મુનિશ્રી પુણ્યવિજયજીએ દસ હજાર પ્રાચીન હસ્તપ્રતો અને સાત હજાર અપ્રાપ્ય પુસ્તકો સંસ્થાને શરૂઆતમાં ભેટ આપ્યાં હતાં.

સંસ્થાના મુખ્ય ચાર ઉદ્દેશો છે : (1) પ્રાચીન હસ્તપ્રતોને સંગ્રહવી અને સાચવવી; (2) ભારતીય વિદ્યા અને સંસ્કૃતિના અભ્યાસ માટે સંશોધકોને સુવિધા આપવી; (3) અત્યાર સુધી અપ્રકાશિત રહેલી મહત્વની હસ્તપ્રતોની સંશોધિત આવૃત્તિઓ તૈયાર કરાવી પ્રકાશિત કરવી તેમજ (4) સંશોધકોનાં સંશોધનો અને અભ્યાસલેખો પ્રકાશિત કરવાં.

લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર

સ્વતંત્ર સંશોધનકાર્ય ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, ભારતીય ધર્મ અને દર્શન તથા ભારતીય સંસ્કૃતિ વિષયમાં પીએચ.ડી. માટે આ સંસ્થા માન્ય છે. આ સંસ્થાએ માર્ચ, 2002 સુધીમાં ભેટ કે થાપણ રૂપે મળેલી પંચોતેર હજાર પ્રાચીન હસ્તપ્રતોનો સંગ્રહ કર્યો છે. વેદ, આગમ, દર્શન, વ્યાકરણ, સાહિત્ય, કોશ, કાવ્ય, આયુર્વેદ, જ્યોતિષ, મંત્ર, તંત્ર આદિ વિવિધ વિષયોને લગતી આ હસ્તપ્રતો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, હિંદી, રાજસ્થાની, જૂની ગુજરાતી ભાષાઓમાં લખાયેલી છે. દેશના વિભિન્ન હસ્તપ્રત-ભંડારોની મહત્વની હસ્તપ્રતોની માઇક્રોફિલ્મ તેમજ તદગત ચિત્રોની ટ્રાન્સ્પેરન્સી કરાવી તેનો પણ સંસ્થાએ સંગ્રહ કર્યો છે. ધાતુપ્રતિમાઓ, પાષાણપ્રતિમાઓ, કાષ્ઠશિલ્પો, વિજ્ઞપ્તિપત્રો, હસ્તપ્રતો, ચિત્રો આદિ 3,187 દુર્લભ કલાકૃતિઓનો સંગ્રહ આ સંસ્થામાં છે. આ કલાકૃતિઓમાંથી કેટલીક દુર્લભ કૃતિઓ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવી છે. 40 હજાર મુદ્રિત ગ્રંથો પૈકી કેટલાક તો દુર્લભ છે.

આ સંસ્થાને પં. દલસુખભાઈ માલવણિયા, નગીનભાઈ જી. શાહ જેવા વિખ્યાત વિદ્વાનોની નિદેશક તરીકેની સેવાઓ પ્રાપ્ત થઈ છે. વળી પં. સુખલાલ સંઘવી, પં. બેચરદાસ દોશી, પં. હરિવલ્લભ ભાયાણી આદિ વિદ્વાનોની સેવાઓનો લાભ પણ પ્રાપ્ત થયેલો. કુલ 42 વિદ્વાનોએ સંસ્થા દ્વારા પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. લા. દ. ગ્રંથમાળામાં એકસો છત્રીસ ગ્રંથો પ્રકાશિત થયા છે. સંસ્થા દ્વારા પં. સુખલાલ સંઘવીની સ્મૃતિમાં ગ્રંથમાળાનું આયોજન કર્યું છે તેમાં પાંચ ગ્રંથો પ્રકાશિત થયા છે. પ્રતિવર્ષ મુનિશ્રી પુણ્યવિજયજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા તથા શ્રેષ્ઠીશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વ્યાખ્યાનમાળામાં ભારતીય વિદ્યાના વિદ્વાનોની વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કરવામાં આવે છે. 1972થી ‘સંબોધિ’ નામના સંશોધન-ત્રૈમાસિકનો પ્રારંભ થયો હતો તે હવે વાર્ષિક રૂપે નિયમિત પ્રગટ થાય છે. સંગોષ્ઠિ અંતર્ગત ભારતીય વિદ્યા અને સંસ્કૃતિ પર વ્યાખ્યાનો પણ યોજવામાં આવે છે.

નગીનભાઈ જીવણલાલ શાહ

જિતેન્દ્ર શાહ