લા તૂર, મૉરિસ ક્વેન્તીન દ

January, 2004

લા તૂર, મૉરિસ ક્વેન્તીન દ (જ. 5 સપ્ટેમ્બર 1704, સેંત ક્વેન્તીન, ફ્રાન્સ; અ. 17 ફેબ્રુઆરી 1788, સેંત ક્વેન્તીન, ફ્રાન્સ) : મૂળભૂત વ્યક્તિગત લાક્ષણિકતાઓ સાથે જીવંત જણાતાં (વ્યક્તિ)ચિત્રો સર્જવા માટે ખ્યાતનામ બનેલો ફ્રેન્ચ ચિત્રકાર.

જાક સ્પૉદ નામના ફ્લેમિશ ચિત્રકાર પાસે પૅરિસમાં તાલીમ લીધી. 1737માં ફ્રેન્ચ સેલોંમાં તેણે 150 વ્યક્તિચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનનાં કેટલાંક વ્યક્તિચિત્રો માટે મૉડેલ તરીકે વૉલ્તેર અને ઝ્યાં-ઝાક રુસો, રાજા લૂઈ પંદરમો તથા તેની રખાત માદામ પોમ્પીદુ પણ હતાં. 1756માં માદામ પોમ્પીદુનું ફરીથી વ્યક્તિચિત્ર કર્યું. 1750માં રાજાના ખાસ વ્યક્તિચિત્રકાર તરીકે તેની નિમણૂક થઈ. આ પદ પરથી તે 1773માં નિવૃત્ત થયો હતો.

અમિતાભ મડિયા