લા ગુમા, ઍલેક્સ (જ. 20 ફેબ્રુઆરી 1925, કેપટાઉન, દક્ષિણ આફ્રિકા; અ. 1985) : આફ્રિકન અશ્વેત નવલકથાકાર અને પત્રકાર. મૂળ નામ જસ્ટિન ઍલેક્ઝાન્ડર લા ગુમા. શિક્ષણ કેપ ટૅકનિકલ કૉલેજમાં અને પત્રવ્યવહાર દ્વારા લંડન સ્કૂલ ઑવ્ જર્નાલિઝમમાં. ઝીણામાં ઝીણું અવલોકન, સ્વાભાવિક હાસ્ય, દયા કે ખિન્નતા ઉપજાવનાર અને ભય કે કમકમાટી પેદા કરતી ઘટનાઓનું હૂબહૂ વર્ણન તેમની નવલકથાઓનું આગવું લક્ષણ છે. દક્ષિણ આફ્રિકાનાં સંસ્થાનોની આઝાદી માટેની લડતોમાં તેમનો પરિવાર અગ્રિમ હરોળમાં રહેતો હતો. 1945ની મજૂરોની હડતાલમાં સ્વયં કારખાનેદાર તરીકે સક્રિય ભાગ ભજવેલો. તેઓ યંગ કૉમ્યુનિસ્ટ લીગમાં જોડાયેલા અને 1950માં ‘સપ્રેશન ઑવ્ કૉમ્યુનિઝમ ઍક્ટ’ની રૂએ તેમનું નામ સક્રિય સામ્યવાદી તરીકે નોંધાયેલું. આ કાયદાને આધારે આફ્રિકન સરકાર તેની ટીકા કરનારને લાગલી જ સજા કરાવતી. પ્રજાકીય સ્વાતંત્ર્ય માટે સુવિખ્યાત ક્રાન્તિકારી ‘ન્યૂ એજ’ દૈનિકમાં 1955થી 1962 સુધી પત્રકાર તરીકે જોડાયા હતા. ‘કલર્ડ પીપલ્સ કૉંગ્રેસ’ની પ્રવૃત્તિમાં તેઓ સક્રિય રહ્યા. શાર્પવિલમાં સરકાર વિરુદ્ધના દેખાવકારોમાંના 69 અશ્વેતોને ગોળીએ દેવાયા. તેના સમર્થનમાં એકથી વધુ વાર જેલવાસ વેઠેલો. તેઓ કાયદાકીય નિષેધ મુકાયો હોય તેવા સાહિત્યનો સંગ્રહ કરતા. 1962થી 5 વર્ષ માટે તેમને પોતાના જ ઘરમાં ગિરફતાર કરવામાં આવેલા. વળી દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારે તેમનાં પ્રકાશનો પર પ્રતિબંધ મૂકેલો અને તેમના વાણીસ્વાતંત્ર્ય પર રોક લગાવેલી. પરિણામે 1966માં તેમણે બ્રિટનમાં સ્વેચ્છાએ દેશનિકાલ સ્વીકારેલો. ત્યાં આફ્રિકન નૅશનલ કૉંગ્રેસ (ANC) માટે તેમણે કામ કરેલું. જોકે આ કપરા કાળમાં તેમનું લેખન વણથંભ્યું ચાલુ રહ્યું હતું. પાછળથી એ.એન.સી.ના પ્રતિનિધિ તરીકે તેઓ ક્યૂબામાં રહેલા.
‘અ વૉક ઇન ધ નાઇટ’ (1962) કેપટાઉનની ઝૂંપડપટ્ટીની કહેવાતી ગંદી વસ્તીનાં કુટુંબોની કથા રજૂ કરતી તેમની પ્રથમ નવલકથા છે. અન્યાયી રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા માઇકલ એડોનિસના નૈતિક અધ:પતનની તેમાં વાત છે. રંગભેદ, ગરીબાઈ, પોલીસ દ્વારા પજવણી અને કારખાનામાં વાતે વાતે થતા અન્યાયને લીધે તેઓ સાચેસાચ ગુનેગાર બનવાનું પસંદ કરે છે. અમેરિકન નવલકથાકાર રિચર્ડ રાઇટ આફ્રિકન-અમેરિકન લોકો સામેના સામાજિક અન્યાયની વાત સીધાસટ શબ્દોમાં કરે છે. તે પરંપરાને લા ગુમા પણ નવલકથામાં જાળવે છે. ‘નૉકટર્ન’, ‘આઉટ ઑવ્ ડાર્કનેસ’ અને ‘સ્લિપર સેટિન’ – એ તેમની ટૂંકી વાર્તાઓ ‘ક્વાર્ટેટ’ (1963)માં રિચર્ડ રિવેએ સંપાદિત કરેલ છે. આ વાર્તાઓમાં ગરીબો સામે લડાતા મુકદ્દમાઓ, જેલવાસ, કાયદાથી નિષેધ કરાયેલ આંતરરાષ્ટ્રીય સંબંધો અને અશ્વેત હોવા છતાં ગોરામાં ખપાવવાના પ્રયત્નોનું ચિત્રણ છે. ‘ઍન્ડ અ થ્રીફોલ્ડ કૉર્ડ’ (1964) રંગભેદની નીતિનો ભોગ બનેલા, જેની એકેએક ચીજ છીનવી લેવામાં આવી છે તેવા બદનામ વસ્તીના એક કંગાળ યુવાનની કથા છે. કારમી ગરીબાઈને લીધે નશાખોરી, વેશ્યાગીરી, ભયંકર રોગચાળો, ગુનેગારી અને હિંસા વણમાગ્યાં વળગી પડે છે. આને લીધે તે વ્યક્તિનું અધ:પતન તો થાય છે, પણ સાથે સાથે સરકારનો પંજો તેને સમૂળગો છોડતો નથી. રંગભેદની આ કથા દક્ષિણ આફ્રિકામાં આર્થિક અસમાનતા અને હિંસાનો પથારો કેટલી હદે છે તેનું કલાત્મક બયાન કરે છે. ‘ધ સ્ટોન કન્ટ્રી’ (1967) જેલના કારમા અનુભવમાં પણ માનવીય સંવેદના કેવી પ્રગટે છે તેનું બયાન કરતી, સ્વાભાવિક રીતે દક્ષિણ આફ્રિકાનું રૂપક બનતી નવલકથા છે. ‘એપારથીડ : અ કલેક્શન ઑવ્ રાઇટિંગ્ઝ ઑન સાઉથ આફ્રિકન રેસિઝમ બાય સાઉથ આફ્રિકન્સ’ (1971) – એ પોતાની કૃતિઓનું લેખકે કરેલું સંપાદન છે. ‘ઇન ધ ફૉગ ઑવ્ ધ સીઝન્સ એન્ડ’(1972)માં આઝાદી માટેની ભૂગર્ભ ચળવળની, સ્વાનુભવની રજૂઆત છે. ‘ટાઇમ ઑવ્ ધ બુચરબર્ડ’ (1979) આદિવાસીઓને જોહુકમીથી તડીપાર કરતા સત્તાધીશોના જુલમની કથની રજૂ કરે છે. ‘અ સોવિયેત જર્ની’ (1978) પ્રવાસવર્ણન છે. ઘટનાઓને તાદૃશ રીતે વર્ણવતી શૈલી, છટાદાર સંવાદ દ્વારા ભાવકની સહાનુભૂતિને જગાડી, અત્યંત દુ:ખદ પરિસ્થિતિમાં કપરું જીવન જીવતાં માનવોની કથા કહેતા લા ગુમાના વાચકોની સંખ્યા ખૂબ મોટી છે.
વિ. પ્ર. ત્રિવેદી