લાહિડી, રમણ (જ. 23 ફેબ્રુઆરી 1927, કૉલકાતા) : બંગાળી નાટકકાર. તેમણે બી. કૉમ.ની ડિગ્રી મેળવી પછી સરકારી નોકરીમાં જોડાયા અને આસિસ્ટંટ મૅનેજર (જહાજ) તરીકે નિવૃત્ત થયા. ત્યારપછી તેમણે નાટકકાર તરીકે કારકિર્દી શરૂ કરી.
તેમણે સંખ્યાબંધ ઑપેરા અને રેડિયોનાટકો રચ્યાં. રવીન્દ્રનાથ, બંકિમચંદ્ર, ઉપેન્દ્રનાથ વગેરેની નવલકથાઓ પરથી નાટકો બનાવ્યાં. નાટકકારોનાં ઍસોસિયેશનો રચ્યાં. નાટ્યકાર સંઘ અને નાટ્યકાર પરિષદ સ્થાપ્યાં. નાટકોને લગતાં અનેક સામયિકોનું સંપાદન કર્યું.
તેમણે 31 ગ્રંથો પ્રગટ કર્યા છે. તેમાં ‘અપરાજિતા’ (1958), ‘મરણ- ખેલા’ (1966), ‘પંથશાલા’ (1958), ‘આરો ગાન ચાઈ’ (1967), ‘કાલો રક્ત’ (1972) – આ નાટકો નોંધપાત્ર છે. ‘અસ્તમિત ગાન’ (1983), ‘તમસાર તીરે’ (1984) એકાંકીઓ ઉલ્લેખનીય છે.
બંગાળી નાટ્યક્ષેત્રે કરેલા પ્રદાન બદલ તેમને દિશારી ઍવૉર્ડ અને નાટ્યસ્પર્ધાઓમાં સંખ્યાબંધ ઇનામો પ્રાપ્ત થયાં હતાં. તે ઉપરાંત પશ્ચિમ બંગાળ નાટ્ય અકાદમી દ્વારા 1997માં; હિંદી નાટ્ય સંઘ, નવી દિલ્હી; સંસ્કૃતિ સંમેલન, કોલકાતા; વિશ્વરૂપા નાટ્ય ઉન્નયન પરિકલ્પન પરિષદ, કૉલકાતા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
બળદેવભાઈ કનીજિયા