લાસ્કુ, ગ્રોત્તે (Lascaux, Grotte)
January, 2004
લાસ્કુ, ગ્રોત્તે (Lascaux, Grotte) : અત્યાર સુધીમાં મળી આવેલી વિશ્વની સૌથી વધુ પ્રભાવક પ્રાગૈતિહાસિક કલા ધરાવતી ગુફાઓમાંની એક. ફ્રાન્સના દોર્દોન્યે (Dordogne) પ્રદેશમાં મોન્તિન્યા (Montingaue) નજીક વીઝેરી (Vezere) ખીણમાં તે આવેલી છે. 1940ના સપ્ટેમ્બરમાં ચાર જવાન પુરુષોએ આ ગુફા શોધી કાઢેલી.
એક મુખ્ય પોલાણ ઉપરાંત અસંખ્ય ઊંડી અને ઊભી ગૅલરીઓ ધરાવતી આ ગુફાની સમગ્ર છતો ને દીવાલો વિશાળ કદનાં ભવ્ય ચિત્રોથી આચ્છાદિત છે. આ ચિત્રો બહુધા દોરેલાં અને ચીતરેલાં છે તથા ક્વચિત્ થોડાં છીછરાં કોરેલાં છે. આછા રંગની પશ્ચાદભૂ ઉપર પીળા, લાલ, કથ્થઈ અને કાળા રંગની વિવિધ છાયાઓ અને છટાઓ વડે આ ચિત્રો ચિત્રિત છે. જંગલી ભેંસ, પાડા, આખલા, ઘોડા, જુદી જુદી જાતનાં હરણાં તથા એકશૃંગી ‘યૂનિકૉર્ન’નાં નિરૂપણો આ ચિત્રોમાં જોવા મળે છે. એક ચિત્રમાં નદીમાં તરતાં હરણ પણ છે. માનવીનું નિરૂપણ જવલ્લે જ જોવા મળે છે અને તે પણ ગૌણ પાત્ર કે આકૃતિ રૂપે જ.
જાદુમંતરને લગતી વિધિઓ તેમજ શિકારને સફળ બનાવવામાં સહાયરૂપ થાય તેવી મનાતી વિધિઓ કરવા માટે આ ગુફા લાંબા સમય સુધી કેન્દ્ર બનેલી એવું આજે અનુમાન કરવામાં આવે છે. આ અનુમાન પાછળ કારણ એ છે કે સંખ્યાબંધ પ્રાણીઓની ઉપર અને પાછળ તીર, ભાલા અને પાંજરાં તથા જાળ ચીતરવામાં આવેલ છે.
ચીતરવામાં આવેલાં પશુઓની જાતિઓ (species) તથા કાર્બન–14 કેટિન્ગ પરીક્ષાઓ/ચકાસણીઓ ઉપરથી લાસ્કુ ગુફાની કલાનો સર્જનકાળ આશરે ઈ. પૂ. 15,000 વરસથી ઈ. પૂ. 13,000 વરસનો માનવામાં આવે છે.
ગુફા જ્યારે શોધાઈ હતી ત્યારે તેની કલા અખંડિત અવસ્થામાં હતી, પરંતુ તરત જ જિજ્ઞાસાથી ઊમટતાં ટોળેટોળાના ઉચ્છવાસોમાં રહેલ ભેજ અને કાર્બન ડાયૉક્સાઇડને કારણે મૂળ તેજસ્વી રંગો ઝાંખા પડી ગયા તેમજ કેટલાંક ચિત્રો પર લીલા રંગની ફૂગ ચડી ગઈ. આથી ફ્રાન્સની સરકારે 1963થી આ ગુફાને જાહેર જનતા માટે બંધ કરી દીધી છે.
અમિતાભ મડિયા