લાસ્કી, હૅરોલ્ડ જૉસેફ (જ. 30 જૂન 1893, માંચેસ્ટર, ઇંગ્લૅન્ડ; અ. 24 માર્ચ 1950, લંડન) : બ્રિટિશ રાજ્યશાસ્ત્રી, જાણીતા પ્રાધ્યાપક અને શિક્ષણકાર તથા બ્રિટિશ મજૂર પક્ષના અગ્રણી સભ્ય.
સુખી અને સંપન્ન કુટુંબમાં જન્મેલા લાસ્કીને તેમના પિતા આદર્શ પુત્ર બનાવવા ચાહતા હતા, પરંતુ તેઓ પ્રકૃતિથી જ વિદ્રોહી વિચારશૈલી ધરાવતા હતા. આથી જરીપુરાણા યહૂદી કર્મકાંડને સ્થાને તેમણે આધુનિક વિજ્ઞાન, ઇતિહાસ અને રાજકારણમાં વિશેષ રસ દાખવ્યો.
તેમણે ઑક્સફર્ડમાં શિક્ષણ મેળવ્યું અને ઇતિહાસ વિષય સાથે પ્રથમ વર્ગની પદવી પ્રાપ્ત કરી. 1911માં વયમાં આઠ વર્ષ મોટાં ફ્રીડા કેરી સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. આ લગ્નથી કૌટુંબિક અને ધાર્મિક વિવાદ ઊભો થયો. ફ્રીડાએ 1920માં યહૂદી ધર્મનો સ્વીકાર કરતાં આ વિવાદ શમ્યો. 1914થી ’20 કૅનેડા અને અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં તેમણે અધ્યયન-અધ્યાપન કર્યું. આ દરમિયાન ‘ઑથોરિટી ઇન ધ મૉડર્ન સ્ટેટ’ (1919) અને ‘ધ ફાઉન્ડેશન્સ ઑવ્ સૉવરેન્ટી ઍન્ડ અધર એસેઝ’ (1921) ગ્રંથોની રચના કરી. આ ગ્રંથો દ્વારા તેમણે સંપૂર્ણ શક્તિશાળી સાર્વભૌમ રાજ્યની વિભાવના પર આક્રમણ કર્યું.
1920માં તેઓ ઇંગ્લૅન્ડ પરત આવ્યા અને જાણીતા મનોવિજ્ઞાની અને રાજ્યશાસ્ત્રી ગ્રેહામ વૉલેસ પછી લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. અહીં તેમણે સતત 30 વર્ષ સુધી રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. વિદ્વત્તા તેમજ ગંભીર વિચારો ધરાવતા ઉત્કૃષ્ટ અધ્યાપક તરીકે તેમણે શિક્ષણજગતમાં સન્માનનીય સ્થાન પ્રાપ્ત કર્યું.
1929ની મહામંદીનું ‘ક્રાઇસિસ ઇન ડેમૉક્રસી’ રૂપે અર્થઘટન કરતાં તેઓ માર્કસવાદના રંગે રંગાયા.
તેઓ શરૂઆતથી જ વિદ્રોહી વિચારો ધરાવતા હતા. તેમનામાં વિચાર અને અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની ભાવના પ્રબળ હતી. ખરેખર રીતે કહીએ તો છેક બાલ્યાવસ્થાથી શરૂ કરીને મૃત્યુ સુધી તેમનું જીવન વિદ્રોહીધર્મી, સંઘર્ષમય તથા સક્રિય રહ્યું હતું. તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા તે સમય દરમિયાન ઊભી થયેલી વિભિન્ન રાજકીય ચળવળોએ–આંદોલનોએ તેમના વિદ્રોહી વિચારોને ગતિ અને બળ પૂરાં પાડ્યાં હતાં. મહિલા મતાધિકાર આંદોલન, શ્રમિક સંગઠનોનો વધતો જતો ક્રાન્તિનો કેફ, શ્રેણી સમાજવાદનો પ્રભાવ વગેરે પરિબળોએ તેમને ફેબિયનવાદી વિચારોનો પરિત્યાગ કરવા પ્રેર્યા. એક સમયે તો તેઓ ડાબેરી સમાજવાદ અથવા તો સામ્યવાદી વિચારો તરફ પણ ઢળ્યા હતા. ઇંગ્લૅન્ડમાં તે સમયે પ્રવર્તતા વર્ગભેદના ખ્યાલોએ તેમને ક્રાન્તિકારી વિચારક તરીકે ઉપસાવ્યા. અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેઓ અધ્યાપક તરીકે સેવા આપતા હતા તે દરમિયાન ઈ. સ. 1919ની બૉસ્ટનની પોલીસ હડતાળ સામે સરકાર, મૂડીવાદીઓ અને યુનિવર્સિટીએ અયોગ્ય રીતે જે આક્રમક નીતિ અખત્યાર કરી તેનો લાસ્કીએ જોરદાર વિરોધ કર્યો. તેમને એવો અનુભવ થયો કે અમેરિકી શિક્ષાપ્રણાલી મૂડીવાદી સામાજિક વ્યવસ્થા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલી છે. જોકે ત્યારબાદ લંડનમાં તેમને થયેલા અનુભવોએ તેમને એક લોકશાહી સમાજવાદી ચિંતક તરીકે બહાર આણ્યા. વિશ્વની આર્થિક મહા મંદી, અમેરિકાની ન્યૂડીલની નીતિ, ફાસીવાદ–નાઝીવાદનો ઉદય, હિટલરની સરમુખત્યારશાહી વગેરે પરિબળોને લીધે લાસ્કીને એવો વિશ્વાસ બેઠો કે લોકશાહીની સફળતા માટે સ્વતંત્રતા અને સમાનતા જરૂરી છે અને સાચી સમાનતા ત્યાં સુધી સ્થાપી ન શકાય કે જ્યાં સુધી ઉત્પાદનનાં સાધનોનું સામાજિકીકરણ ન થાય. જોકે સામાજિક વ્યવસ્થામાં જે ભેદભાવભરી નીતિ પ્રવર્તતી હતી તેથી તેઓ માર્કસવાદી વિચારો તરફ ખેંચાયા. તેમ છતાં પણ તેમણે માર્કસની માફક હિંસક ક્રાંતિનું ક્યારેય સમર્થન કર્યું નહિ, પણ સહમતીના સિદ્ધાંતને પુરસ્કૃત કર્યો.
એક અધ્યાપક તરીકે લાસ્કીએ તમામ ક્ષેત્રો ઉપર ઊંડી અસર પાડી અને વિદ્યાર્થીઓનો અખૂટ પ્રેમ સંપાદન કર્યો. તેઓ વર્ષો સુધી બ્રિટિશ લેબર પાર્ટીની કારોબારી સમિતિના સભ્ય રહ્યા. ઈ. સ. 1945માં જ્યારે લેબર પાર્ટી સત્તા પર આવી ત્યારે તેઓ તેના પ્રમુખ હતા. આ સમયે વિદેશોમાં એક એવી છાપ ઊભી થઈ હતી કે લેબર પાર્ટીના વાસ્તવિક નેતા તો લાસ્કી જ છે, કારણ કે તેઓ પોતાના ગંભીર ઊંડા જ્ઞાન તથા ઉચ્ચ બૌદ્ધિક પ્રતિભાને લીધે લેબર પાર્ટીના નેતાઓ ઍટલી, મૉરિસન, બેવિન વગેરેના માર્ગદર્શક રહ્યા હતા. રાજકીય બાબતોમાં એક પરામર્શક તરીકે તેઓ આગવું સ્થાન ધરાવતા હતા. મહત્વપૂર્ણ તત્કાલીન બીનાઓ અને બનાવો પર તેઓ અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ, ભારતના પંડિત જવાહરલાલ નહેરુ અને ઇંગ્લૅન્ડના સર વિન્સ્ટન ચર્ચિલ જેવા વિશ્વવિખ્યાત રાજનીતિજ્ઞોને સલાહ-માર્ગદર્શન પૂરું પાડતા હતા. લાસ્કીએ સરમુખત્યારશાહી કે સર્વસત્તાવાદી વિચારોનો તથા હિંસક સામ્યવાદી માર્ગનો હંમેશાં વિરોધ કર્યો હતો. તેઓ વૈધાનિક તથા સંસદીય પ્રકારની લોકશાહીના સમર્થક હતા. બ્રિટનની પરંપરાને અનુકૂળ રહીને તેમણે આજીવન પ્રગતિશીલ વિચારોનું અન્વેષણ કર્યું અને એવું સાબિત કરી બતાવ્યું કે અનુકૂળ ન્યાયપૂર્ણ માર્ગનું અનુસરણ કરીને જ વર્ગ-વિહીન, શોષણ-વિહીન, વિકેન્દ્રિત તથા લોકશાહીયુક્ત સમાજવાદ સ્થાપિત કરી શકાય છે. લાસ્કી સાચા લોકશાહી સમાજવાદની સ્થાપના કરવા સારુ રાજ્યની સત્તામાં મજૂરવર્ગની હિસ્સેદારીની તરફેણ કરતા હતા.
મૂળભૂત રીતે તેઓ ઉદારમતવાદી ચિંતક હોઈ બહુત્વવાદ કે બહુસમુદાયવાદને પુરસ્કારે છે. સમાજ વર્ગોનો બનેલો છે અને આ વર્ગો વચ્ચેના સંબંધોનું સંચાલન કરવા રાજ્ય જરૂરી છે. પ્રારંભે તેમણે સાર્વભૌમત્વની વિભાવનાનો વિરોધ કર્યો હતો, પરંતુ 1930 પછી સાર્વભૌમત્વનો વર્તમાન સમાજની વાસ્તવિકતા તરીકે તેમણે સ્વીકાર કર્યો. જોકે રાજ્ય પ્રત્યેની નાગરિકની વફાદારી રાજ્ય કેટલા પ્રમાણમાં વ્યક્તિની નૈતિક માન્યતા સાથે સુસંગત છે તેના પર અવલંબે છે. તેઓ રાજ્યની સત્તાનો વિરોધ નથી કરતા, પરંતુ વ્યક્તિ અને અન્ય સમુદાયોના હક્કોનો પણ સ્વીકાર થવો જોઈએ તેમ માને છે. આમ રાજ્યની અમર્યાદ સત્તાનો તથા સત્તાના કેન્દ્રીકરણનો વિરોધ કરી બહુકેન્દ્રી કે બહુત્વવાદી સમાજવ્યવસ્થાની તેઓ હિમાયત કરે છે.
‘ગ્રામર ઑવ્ પૉલિટિક્સ’ (1925) રાજ્યશાસ્ત્રની પાયાની સમજ પૂરી પાડતો તેમનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. તેમાં તેમણે ‘સમાજના પાયાના સાધન તરીકે રાજ્ય’ને ઓળખાવ્યું છે. ‘ધ સ્ટેટ ઇન થિયરી ઍન્ડ પ્રૅક્ટિસ’ (1935), ‘પાર્લમેન્ટરી ગવર્નમેન્ટ ઇન ઇંગ્લૅન્ડ : અ કૉમેન્ટરી’ (1938), ‘ધી અમેરિકન પ્રેસિડન્સી’ (1940) અને ‘ધી અમેરિકન ડેમૉક્રસી’ (1948) તેમના અન્ય ગ્રંથો છે.
ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા
રક્ષા મ. વ્યાસ