લાસેન પીક (શિખર) : ઈશાન કૅલિફૉર્નિયામાં આવેલા કાસ્કેડ પર્વતોના દક્ષિણ છેડા નજીક આવેલો 3,187 મીટર ઊંચાઈ ધરાવતો પર્વત. તે સૅક્રેમેન્ટોથી ઉત્તરે 217 કિમી.ને અંતરે આવેલો છે. અલાસ્કા અને હવાઈને બાદ કરતાં આ પર્વત-શિખર યુ.એસ.ના માત્ર બે જ્વાળામુખીઓ પૈકીનું એક છે, ક્યારેક તેમાં પ્રસ્ફુટન થયું હશે. તે વાયવ્ય યુ.એસ.થી કૅનેડાની સરહદ સુધી વિસ્તરેલા જ્વાળામુખીઓની હાર પૈકીનો દક્ષિણ છેડો રચે છે.
વાસ્તવમાં આ લાસેન પીક જ્વાળામુખી નથી, તે જ્વાળામુખી દાટાનો બનેલો વિશાળ ઘૂમટ છે, તેનો પાયાનો વ્યાસ આશરે 2.4 કિમી.નો છે જે જૂના અને વેરવિખેર થઈ ગયેલા જ્વાળામુખી(માઉન્ટ બ્રોકઑફ)ના મુખભાગની કિનારીથી 750 મીટરની ઊંચાઈએ રહેલો છે; જૂના જ્વાળામુખમાં આ દાટો બહાર તરફ ઊંચો દેખાય છે.
1820માં કોઈ સ્પેનનિવાસીએ આ પર્વતને પ્રથમ વાર જોયો ત્યારે તેણે તેને સૅન હોઝે (San Jose´) નામ આપેલું. 1848માં સૅક્રેમેન્ટો ખીણમાં જવાના ટૂંકા માર્ગની ખોજ કરવા જતી ટુકડીના અગ્રેસર પીટર લાસેનની યાદમાં તેને લાસેન પીક નામ અપાયું. આ જ્વાળામુખીને મૃત સમજવામાં આવતો હતો; પરંતુ 1914ના મે માસની 30મી તારીખે પ્રસ્ફુટન થયેલું, તેમાંથી ભસ્મ અને લાવા તેમજ અન્ય દ્રવ્યો વર્ષભર ધીમી ગતિએ નીકળતાં રહેલાં. 1915ના મેમાં ગરમ લાવા નીકળેલો, ગરમ પીગળેલો પ્રવાહ વહેતો થયેલો, ધુમાડો અને વરાળ શિખરથી 6,900 મીટર ઊંચાં ઊછળેલાં. છેલ્લું પ્રસ્ફુટન 1921માં થયેલું અને હજી આજે પણ તેમાંથી વાયુઓ, પંકદ્રવ્ય અને ગરમ પાણીના ઝરા નીકળે છે. આ પ્રસ્ફુટનો થઈ ગયા બાદ અહીં નજીકના સ્થળે યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સરવે તરફથી લાસેન વૉલ્કેનો ઑબ્ઝર્વેટરી સ્થાપવામાં આવી અને પ્રસ્ફુટનોનો અભ્યાસ શરૂ કર્યો.
1907માં લાસેન પીક અને નજીકના ભસ્મ-શંકુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરાયાં છે. 1976માં અહીંનાં આ બંને સ્થળોને લાસેન જ્વાળામુખી રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફેરવવામાં આવેલાં છે.
ગિરીશભાઈ પંડ્યા