લાલો – શ્રીકૃષ્ણ સદા સહાયતે (2025) : વૈશ્વિક સ્તરે 100 કરોડનો વ્યવસાય કરનારું પ્રથમ ગુજરાતી ચલચિત્ર. અંકિત સખિયાએ ચલચિત્રનું દિગ્દર્શન કર્યું છે. ભારતીય અભિનેત્રી તથા ગાયિકા માનસી પારેખ, જાણીતા પાર્શ્વગાયક પાર્થિવ ગોહિલ ઉપરાંત મેનિફેસ્ટ ફિલ્મ્સ, જય વ્યાસ પ્રોડક્શન તથા અજય બલવંત પડારિયાએ ચલચિત્રનું નિર્માણ કર્યું છે. પટકથાલેખન કૃષ્ણાંશ વાજા, વિકી પૂર્ણિમા અને અંકિતા સખિયાએ કર્યું છે. સંગીત સ્મિત જયે આપ્યું છે અને ગીતકાર તરીકે પ્રેમ દવેએ સુંદર ગીતો આપ્યાં છે. રીવા રાચ્છા, શ્રૃહાદ ગોસ્વામી, કરણ જોષી, મિસ્ટી કદેચા, અંશુ જોષી, કિન્નલ નાયક, પારુલ રાજ્યગુરુ અને જયદીપ ટિમાણિયાએ ચલચિત્રમાં અભિનય કર્યો છે.
જીવનમાં આર્થિક તંગી, દારૂની લત, પારિવારિક સંઘર્ષ અને આંતરિક અવગુણોનો સામનો કરતો રિક્ષાચાલક લાલો વધુ પૈસા કમાવાની લાલચમાં એક નિર્જન ફાર્મ હાઉસમાં દિવસો સુધી ફસાઈ જાય છે. અહીં તે પોતાની જાત સાથે એકલો છે અને તેના માર્ગદર્શક બને છે કૃષ્ણ. કૃષ્ણ તેને તેના આંતરિક અવગુણો, જીવનની કડવી વાસ્તવિકતા અને સંઘર્ષોનો પરિચય કરાવે છે. લાલો તેની આત્મશ્રદ્ધાના બળે આંતરિક શાંતિની ખોજ કરે છે. જીવનનો ઉદ્દેશ સમજે છે.
કલાકારોનો સરળ – વાસ્તવિક અભિનય ચલચિત્રનું મુખ્ય આકર્ષણ છે. ગુજરાતના જૂનાગઢ, ભાવનગર તથા ગિરનારની આસપાસનાં આધ્યાત્મિક સ્થળોએ તેનું શૂટિંગ થયું છે. અત્યંત ઓછા બજેટમાં બનેલા આ ચલચિત્રને શરૂઆતમાં દર્શકો મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડી. બાદમાં દર્શકોએ ચલચિત્ર ઉત્તમ હોવાનાં જાતે જ મંતવ્યો આપ્યાં. આ રીતે કોઈ પણ માર્કેટિંગ સ્ટ્રેટેજી કે જાહેરાતો વિના ચલચિત્રનો માઉથ ટુ માઉથ ખૂબ પ્રચાર થયો અને થોડા જ સમયમાં ચલચિત્રની પ્રશંસા ચારે બાજુ થવા લાગી. માત્ર 50 લાખના બજેટમાં તૈયાર થયેલા આ ચલચિત્રએ વૈશ્વિક સ્તરે 120 કરોડની કમાણી કરી છે.
9 જાન્યુઆરી, 2026ના દિવસે આ ચલચિત્રનું હિન્દી ડબિંગ રિલિઝ થયું.
હેમલ જાદવ
