લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ
January, 2004
લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ : મુખ્યત્વે દુર્લભ અને અનન્ય ભારતીય શિલ્પો માટે થઈને ખાસ મહત્વ ધરાવતું અમદાવાદમાં આવેલું મ્યુઝિયમ. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પરિસરમાં તેની સ્થાપના 1957માં થયેલી. ખાસ કરીને માધુરી દેસાઈ અને મુનિ પુણ્યવિજયજીના અંગત કલાસંગ્રહોના દાનમાંથી આ મ્યુઝિયમ સર્જાયું છે.
આ મ્યુઝિયમના બે મુખ્ય વિભાગો છે, જેમાંનો ભૂલાભાઈ દેસાઈનાં પુત્રવધૂનો ‘માધુરી ધીરુભાઈ દેસાઈ વિભાગ’ ખૂબ જ સમૃદ્ધ છે. માધુરી દેસાઈનો અંગત કલાસંગ્રહ આ વિભાગમાં ગોઠવાયો છે. તેમાં અપ્રતિમ સૌંદર્ય અને લાવણ્ય ધરાવતાં પૂર્વ, દક્ષિણ, તેમજ ઉત્તર ભારતનાં શિલ્પો છે. આ સંગ્રહમાં સૌથી જૂનું શિલ્પ આશરે બીજી સદી દરમિયાનના શુંગ રાજવંશનું છે. કુષાણકાળના ગાંધાર-શૈલીનાં તેમજ મથુરા-શૈલીનાં કેટલાંક શ્રેષ્ઠ શિલ્પો આ સંગ્રહમાં છે. ગાંધારનું ચોથી સદીનું પ્લાસ્ટરમાંથી બનેલું રૂપાળા ગ્રીક દેવ એપૉલો જેવા બુદ્ધનું પૂરા કદ કરતાં પણ મોટું શિલ્પ છે. મથુરાનું ત્રીજી સદીનું ઊભેલા વિષ્ણુનું પથ્થરમાંથી બનેલું શિલ્પ ખૂબ ગરિમાયુક્ત છે.
ભારતીય ઉપખંડ તથા અગ્નિ એશિયામાંથી મળી આવેલી રામની મૂર્તિઓમાંથી સૌથી પ્રાચીન મૂર્તિ આ મ્યુઝિયમમાં છે. ઉત્તરપ્રદેશમાં ઝાંસી નજીક દેવગઢમાંથી મળી આવેલી આ મૂર્તિ આશરે ઈ. સ. 500માં સર્જાયેલી.
અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન ગીતાબોધ આપી રહેલા વ્યાખ્યાનમુદ્રામાં ખુલ્લું મોં ધરાવતા કૃષ્ણની પથ્થરમાંથી બનેલી ‘વૈકુંઠ વિષ્ણુ’ની મૂર્તિ પણ છે. યુયુત્સુ દેવ કાર્તિકેયની સાતમી સદીની પથ્થરમાંથી કોતરેલી મૂર્તિ પણ છે. પૂર્વ ભારતમાંથી મળી આવેલી મૂર્તિઓમાં ‘ઉમામહેશ્વર’, ‘વિષ્ણુ’ તથા ‘બુદ્ધ’ સૌથી વધુ ધ્યાન ખેંચે છે. સૌરાષ્ટ્રના ઘોઘામાંથી મળી આવેલાં કાંસામાંથી બનેલાં અગિયારમી સદીનાં આશરે સવા સો જૈન શિલ્પો પણ છે. મહારાષ્ટ્રના નંદુરબાર નજીક સિરપુરમાંથી મળી આવેલી કાંસામાંથી બનેલી આદિનાથની જૈન મૂર્તિ પણ અહીં છે. તે અગિયારમી સદીની છે.
દક્ષિણ ભારતની પૂરા કદની ચોળ રાજવંશની નવ મૂર્તિઓ અહીં છે. એમાં વ્યાખ્યાનમુદ્રામાં ખુલ્લું મોં ધરાવતા પથ્થરમાંથી કંડારેલા દક્ષિણામૂર્તિ શિવ સૌથી વધુ આકર્ષક છે. એ ઉપરાંત પથ્થરમાંથી કંડારેલી નવમી સદીની ચોળ વંશની બ્રહ્માની મૂર્તિ પણ ધ્યાન ખેંચે છે.
ગુજરાતમાંથી મળી આવેલાં શિલ્પોમાં હારીજમાંથી મળી આવેલ તેરમી સદીનું સિદ્ધરાજ જયસિંહનું શિલ્પ મુખ્ય છે. સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ પછી ઠક્કર વિલ્હન નામના શિલ્પીએ આ શિલ્પ કંડારેલું. પાલનપુરમાંથી મળી આવેલી બારમી સદીની વિષ્ણુની મૂર્તિ પણ છે. અમદાવાદમાંથી મળી આવેલી 1636માં કાંસામાંથી બનેલી જૈન દેવી પદ્માવતીની ચોવીસ હાથવાળી મૂર્તિ અહીં છે.
હિમાચલ પ્રદેશની ચંબા ખીણમાં અઢારમી સદીમાં ગૂંથાયેલા બે મોટા રૂમાલમાં લોકકલા અને પહાડી લઘુચિત્રકલાનો સંગમ જોવા મળે છે.
આ મ્યુઝિયમનો બીજો વિભાગ મુનિ પુણ્યવિજયજી વિભાગ છે. મુનિ પુણ્યવિજયજીના અંગત કલાસંગ્રહના દાનમાંથી સર્જાયેલા આ વિભાગમાં ગુજરાતી, રાજસ્થાની, દખ્ખણી અને મુઘલ ચિત્રો છે. રાજસ્થાની લઘુચિત્રોમાં જયપુર, જોધપુર, બીકાનેર, મારવાડ, મેવાડ, સિરોહી ઉપશૈલીઓનાં ચિત્રો છે. દખ્ખણી લઘુચિત્રોમાં ઔરંગાબાદ અને પૈઠણનાં ચિત્રો છે. મુઘલ દરબારમાંથી રુખસદ પામેલા ચિત્રકારોએ ચીતરેલ ‘નળદમયંતી રાસ’ શ્રેણીનાં ચિત્રો છે. રુખસદ પામેલા એવા જ એક મુઘલ ચિત્રકાર ઉસ્તાદ શાલિવાહને આગ્રામાં ચીતરેલું મોટું લાંબું પટચિત્ર ‘વિજ્ઞપ્તિપત્ર’ પણ અહીં છે. આ પટચિત્રમાં તત્કાળ આગ્રા ખાતે આવી પહોંચેલા જેસ્યુઇટ પાદરી ફ્રાન્સિસ્કો કૉર્સી તથા દાક્તર વિલિયમ હૉકિન્સ પણ સ્થાનિક લોકોની સાથે ચીતરાયેલા જોવા મળે છે.
માંડુમાં ચીતરાયેલી પંદરમી સદીની કાલકાચાર્યની પોથી, 1583માં માતરમાં ચીતરાયેલી સંગ્રહાણીસૂત્રની પોથી તેમજ બારમી સદીમાં ચીતરાયેલું એક તાડપત્ર અહીં છે. તે તાડપત્ર ઉપર વિદ્યાદેવીઓ નામે ઓળખાતી જૈનોની સોળ દેવીઓ ચિત્રિત છે. લાંબા કપડાનાં વીંટાઓ ઉપર ચીતરેલા લાંબા પટોમાં ચાંપાનેરમાં 1433માં ચિત્રિત ‘પંચતીર્થ’ પટ નોંધપાત્ર છે. જૈનોની બ્રહ્માંડની કલ્પનાને કાપડ પર મૂર્ત કરતાં મોટા કદનાં આલેખનો છે. સાપસીડીની રમત માટેના આલેખનપટો પણ છે.
આ બે મુખ્ય વિભાગો ઉપરાંત ‘પી. ટી. મુનશા સિક્કા સંગ્રહ’ અને ‘કસ્તૂરભાઈ સંગ્રહ’ના વિભાગો પણ છે. ‘પી. ટી. મુનશા સિક્કા સંગ્રહ’માં ગાંધાર, ગુપ્ત, મૌર્ય, આહત, ગ્રેકોરોમન, ગુજરાતી સલ્તનત, શક, કુષાણ અને મુઘલ સિક્કાઓ છે. ‘કસ્તૂરભાઈ સંગ્રહ’માં જૈન દર્શનની માન્યતા અનુસારના આઠ ખંડો (continents) દર્શાવતો ‘અષ્ટદ્વીપ પટ’ તથા સીસમમાંથી કોતરેલું એક ‘ઘર-દેરાસર’ છે.
આ ઉપરાંત પ્રણાલીગત ગુજરાતી સ્થાપત્યમાંથી લાકડામાં કોતરેલાં બારી, બારણાં, છજાં ઇત્યાદિ અવશેષો અને લાકડામાંથી કોતરેલાં શિલ્પો પણ છે.
અમિતાભ મડિયા