લાલદાસ, સંત
January, 2004
લાલદાસ, સંત (જ. 1539, ધૌલી ધૂપ, પંજાબ; અ. 1647, નગલા, પંજાબ) : પંજાબમાં સોળમી અને સત્તરમી સદીમાં થઈ ગયેલ એક સંત તથા લાલદાસી નામથી ઓળખાતા સંપ્રદાયના પ્રવર્તક. એક જમાનામાં લૂંટારાઓ તરીકે જાણીતી બનેલી મેવ જાતિમાં તેમનો જન્મ થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત કપરી હોવાથી બાલ્યાવસ્થામાં જ લાલદાસને પરિવારના ભરણપોષણ માટે સખત પરિશ્રમ કરવો પડતો હતો. આજુબાજુના જંગલમાંથી લાકડાં કાપીને પોતાના ગામમાં તેઓ તેનું વેચાણ કરતા હતા. સદનસીબે સાધુસંતો સાથે સમાગમ થતાં નાનપણથી જ તેઓ વીતરાગી બનવા લાગ્યા અને પરમાર્થ તરફનું તેમનું વલણ વધવા લાગ્યું. ધીમે ધીમે તેઓ ધર્મ કે જાતપાતના ભેદભાવ વિના બધા જ પ્રકારના લોકો સમક્ષ ધાર્મિક પ્રવચનો કરવા લાગ્યા. વાણી અને વિચારની શુદ્ધતાને અને સ્પષ્ટતાને કારણે સમગ્ર પંજાબમાં તેમની ખ્યાતિ પ્રસરવા લાગી. થોડા સમય પછી ફકીર ગદન ચિશ્તી નામના સંતના સંપર્કમાં તે આવ્યા. તેમના પ્રભાવ હેઠળ લાલદાસે પોતાના વતનનો ત્યાગ કર્યો અને તેઓ નજીકના રામગઢ પરગણાના બાંદોલી ગામમાં વસવા લાગ્યા. ત્યાં તેમણે લોકસેવાનાં કાર્યો હાથ ધર્યાં. દા. ત., તેઓ દીનહીન અને અસહાય રોગીઓની સેવા કરવા લાગ્યા, વળી અન્ય રીતે પીડાતા લોકોની પણ સેવાચાકરી કરવા લાગ્યા. લાલદાસની આવી પ્રવૃત્તિઓને કારણે તેમની ખ્યાતિમાં વધારો થતો ગયો; એટલું જ નહિ, પરંતુ ઘણા લોકો તેમના શિષ્ય પણ બન્યા. અલબત્ત, આવા શિષ્યોમાં જે સ્વાર્થી, કપટી કે વ્યભિચારી હતા તેમને દૂર કરવા માટે તેમણે રાજ્યસંસ્થાની મદદ લીધી, પરંતુ તેમ કરવા જતાં તેમાંના કેટલાક તેમના શત્રુ બન્યા અને તેમને હેરાનપરેશાન કરવા લાગ્યા. આમાંથી બચવા માટે લાલદાસે બાંદોલી ગામથી ગુડગાંવ જિલ્લાના ટોડી ગામમાં અને ત્યાંથી રસગામમાં સ્થળાંતર કર્યું. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમના શત્રુઓએ તેમનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. છેવટે એકસો આઠ વર્ષની ઉંમરે નગલા ગામે તેમનું અવસાન થયું, જ્યાં તેમના શિષ્યોએ તેમની સમાધિ બંધાવી છે.
સંત લાલદાસ કવિતા પણ કરતા, જે ‘લાલદાસની ચેતવણી’ શીર્ષક હેઠળ હસ્તલિખિત ગ્રંથોમાં મળે છે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન કેટલાક ચમત્કારો પણ કર્યા હતા એવી એક માન્યતા છે.
તેમના તત્ત્વચિંતન પર સંત કબીર અને દાદૂ દયાળનો પ્રભાવ સ્પષ્ટ રીતે દેખાય છે.
તેમણે જે પંથની સ્થાપના કરી તે ‘લાલ પંથ’ નામથી ઓળખાય છે. તેમનાં સંતાનો એક પુત્ર અને એક પુત્રી પણ સંતમાર્ગે વળ્યાં હતાં.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે