લામા લોબજંગ (જ. 1 જાન્યુઆરી 1930; અ. 16 માર્ચ 2024) : અત્યંત પ્રેરણાદાયી, અસાધારણ વ્યક્તિત્વવાળા હિમાલયના લદ્દાખ ક્ષેત્રના બાઘ ભિક્ષુ. જેમને લદ્દાખવાસીઓની અવિરત સેવા અને નિઃસ્વાર્થ ભાવના માટે 2025નો મરણોત્તર પદ્મશ્રી મળેલ છે.

લામા લોબજંગ
લામા બોલજંગનો જન્મ લેહ લદ્દાખના કાઉ પરિવારમાં થયો હતો. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ(IBC)ના મહાસચિવ તરીકે સેવા આપનારા આ બૌદ્ધ ભિક્ષુએ નાનપણથી જ આધ્યાત્મિક પ્રેરણાનો અનુભવ કર્યો હતો. છેલ્લાં પચાસથી પણ વધુ વર્ષોથી તેઓ હિમાલયના લદ્દાખ ક્ષેત્રમાં બૌદ્ધ શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સામાજિક સંરક્ષણને માટે કાર્યરત રહ્યા હતા. 1951થી 1962 સુધીમાં તેમણે સારનાથમાં પોતાનું શિક્ષણ પૂરું કર્યું. તિબેટની આ મહત્ત્વપૂર્ણ યાત્રા પછી તેમણે ભિક્ષુપદ પ્રાપ્ત કર્યું. તેઓ આધુનિક શિક્ષણનું મહત્ત્વ સમજતા હતા તેથી તેમણે શરૂઆતમાં સારનાથમાં અને પછી દિલ્હીમાં ઉચ્ચશિક્ષણ સંસ્થાઓ સાથે રહીને લદ્દાખનાં બાળકોનાં શિક્ષણ માટે મહત્ત્વનું કાર્ય કર્યું છે. 1961–62માં તેઓ કુશક બકુલા રિનપોછેના અંગત સચિવ તરીકે નિયુક્ત થયા હતા. શિક્ષણ અને આરોગ્યની અદ્યતન સુવિધાઓ લદ્દાખના રહેવાસીઓને મળી રહે તે માટે એક વિશિષ્ટ કૉલોની ‘લદ્દાખ બોધ વિહાર’ની સ્થાપના કરી. લગભગ બે દાયકા સુધી તેમણે મુખ્ય સચિવની ભૂમિકા રૂપે આ સેવાપ્રવૃત્તિ ચાલુ રાખી. 1980ના દાયકામાં લદ્દાખના લોકો માટે આરોગ્ય કૅમ્પ દ્વારા દર્દીઓને સારવાર મળી રહે તે માટે ‘અશોક મિશન’ની સ્થાપના કરી અને આ મિશનના પ્રમુખપદે રહ્યા. દિલ્હીની જાણીતી અસ્પતાલો જેવી કે સફદરજંગ, એઇમ્સ વગેરે સાથે ‘અશોક મિશન’નું જોડાણ કર્યું. લદ્દાખવાસીઓને દિલ્હીના અદ્યતન ચિકિત્સાલયોની સેવા મળી રહે તેવું તેમના અથાગ પ્રયત્નો દ્વારા શક્ય બન્યું. કૅન્સર જેવા ગંભીર બીમાર દર્દીઓને રાહત મળવા લાગી. આરોગ્યક્ષેત્રે આ તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તેઓ International Buddhist Confederation (CIBO)ના સ્થાપક સચિવ રહ્યા હતા. 2010માં તેમણે IBCની સ્થાપના કરી હતી. તેઓ પર્યાવરણ, સંરક્ષણ, ધાર્મિક સંમતીકરણ જેવી યોજનાઓના નેતા તરીકે કાર્યરત હતા. ત્રીસથી પણ વધુ દેશોમાં આયોજિત સંમેલનોમાં તેમણે ભાગ લીધો હતો. 1980થી 1983 સુધી તેઓ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે રચાયેલ રાષ્ટ્રીય કમિશનના સભ્ય રહ્યા છે. 1984થી 1992 દરમિયાન તેઓ રાષ્ટ્રીય અલ્પસંખ્યક કમિશનના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા. ત્યારબાદ 2004થી 2007 સુધી તેઓ આ કમિશનના સભ્ય પણ રહ્યા હતા. તેમણે અનુસૂચિત જાતિ/જનજાતિના હિતો માટે નીતિગત સ્તરે કામ કર્યું છે અને તેમના હિતસંરક્ષણ માટેની યોજનાઓને અમલમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.તેમણે લદ્દાખના અને બૌદ્ધ સમુદાયના મુદ્દાઓને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરેલા. શ્રી લામા લોબજંગને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક પુરસ્કારો મળ્યા છે. 2013માં તેમને વિયેટનામ બુદ્ધ વિશ્વવિદ્યાલય તરફથી માનદ ડૉક્ટરેટની પદવી, 2019માં બાંગ્લાદેશ દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર, 2013માં મંગોલિયાની સરકાર દ્વારા ‘મેડલ ઑફ ઓનર’, 2014માં શ્રીલંકા દ્વારા ‘વિશ્વ શાંતિ યોગદાન’ પુરસ્કાર, ઑલ લદ્દાખ બૌદ્ધ ઍસોસિયેશન દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ વગેરે પુરસ્કારો દ્વારા સન્માનિત થયા હતા. લામા લોબજંગની આવી ઉમદા સેવા, સરળતા, માનવતા અને નિઃસ્વાર્થ ભાવનાએ તેમને સમગ્ર દેશમાં સન્માન અને પ્રેમ અપાવ્યાં.
હિના શુક્લ