લાઠી : અમરેલી જિલ્લામાં આવેલો તાલુકો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 21° 43´ ઉ. અ. અને 71° 23´ પૂ. રે. પરનો આશરે 633 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. લાઠી નગર અમરેલીથી આશરે 20 કિમી.ને અંતરે ઈશાન તરફ આવેલું છે. તેની ઉત્તરે બાબરા તાલુકો, પૂર્વે ભાવનગર જિલ્લાની સીમા, દક્ષિણે લીલિયા તાલુકો તથા નૈર્ઋત્ય અને પશ્ચિમે અમરેલી તાલુકો આવેલાં છે.
ભૂપૃષ્ઠ–આબોહવા : લાઠી તાલુકાનું ભૂપૃષ્ઠ નાની-મોટી વૃક્ષવિહીન, છૂટક છૂટક ટેકરીઓથી અસમતળ બની રહેલું છે. અહીંના કેટલાક ભાગનું ભૂપૃષ્ઠ ટ્રૅપ-ખડકોથી બનેલું છે. ટ્રૅપના ભાગમાં જમીનોની ભેજસંગ્રહક્ષમતા સારી છે. બાકીના ભાગોની જમીનો ખડકાળ, છીછરી અને ખારા પાટની જોવા મળે છે. અહીંની મોટાભાગની જમીનો ખેતી માટે ઉપયોગી નથી.
આ તાલુકો ઉષ્ણ કટિબંધના પટ્ટામાં આવેલો હોવાથી, સામાન્ય રીતે ગરમ અને સૂકી આબોહવા ધરાવે છે. ઉનાળા અને શિયાળા પ્રમાણમાં ગરમ અને ઠંડા રહે છે. મે માસનું મહત્તમ તાપમાન 44° સે. સુધી અને જાન્યુઆરીનું લઘુતમ તાપમાન 6.8° સે. સુધી જાય છે. અહીંનું સરેરાશ વાર્ષિક વર્ષાપ્રમાણ 515 મિમી. જેટલું રહે છે. વરસાદની અછત રહેતી હોવાથી ક્યારેક દુકાળની પરિસ્થિતિ પણ પ્રવર્તે છે.
વનસ્પતિ : આ તાલુકામાં આશરે 282 હેક્ટર જેટલી ભૂમિમાં જંગલો છવાયેલાં છે. જંગલોમાંથી ઇમારતી લાકડાં, ઇંધન માટેનાં લાકડાં, ખેરનાં લાકડાં, ઘાસ, મહુડાનાં ફૂલ તથા ટીમરુનાં પાન મેળવવામાં આવે છે. આ ઉપરાંત અહીં આમળાં, બહેડાં, અરીઠાં અને રાયણનાં વૃક્ષો પણ જોવા મળે છે.
પરિવહન : તાલુકામાં ઈશાન સરહદેથી આવતા બોટાદ–ખીજડિયા અને બોટાદ–મહુવા મીટરગેજ રેલમાર્ગો પસાર થાય છે. લાઠી અને દામનગર તેના પરનાં બે રેલમથકો છે. તાલુકામાંથી ઉત્તર–દક્ષિણ બે રાજ્ય ધોરી માર્ગો પસાર થાય છે, તેને જોડતા અન્ય તાલુકામાર્ગો પણ આવેલા છે.
વસ્તી : 2001 મુજબ લાઠી તાલુકાની વસ્તી 1,32,140 જેટલી તથા દામનગર સહિત લાઠીની નગરપંચાયત મુજબ નગરવસ્તી 37,678 જેટલી છે. લાઠી અને દામનગર અહીંનાં બે મુખ્ય નગરો છે. તાલુકામાં 49 જેટલાં ગામડાં આવેલાં છે. 62 % જેટલા લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. શહેરી વિસ્તારમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની તથા દવાખાનાંની સુવિધા છે. ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ તથા પ્રાથમિક ચિકિત્સા-સારવાર કેન્દ્રો તથા ટપાલ-કચેરીઓની સગવડો છે. આ તાલુકો અછતગ્રસ્ત હોવાથી ઔદ્યોગિક વસાહત ઊભી કરવામાં આવેલી છે.
ઇતિહાસ : 1948 પહેલાં અહીં ગાયકવાડી સરકારનું શાસન હતું, પરંતુ તેનો વહીવટ અહીં ગોહિલો કરતા હતા. ગોહિલોના શાસન દરમિયાન સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કવિ કલાપી – 1874–1900) જાણીતા શાસક થઈ ગયા. તેમના પુત્રના શાસનકાળમાં આ પ્રદેશને સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોના સંઘમાં ભેળવી દેવામાં આવ્યો ત્યારે લાઠીનો પ્રદેશ ગોહિલવાડ જિલ્લાનો એક ભાગ હતો. સૌરાષ્ટ્રના જિલ્લાઓની પુનર્રચના થતાં આ તાલુકો પછી અમરેલી જિલ્લામાં મુકાયો છે.
નીતિન કોઠારી