લાટમંડલ : દખ્ખણના રાષ્ટ્રકૂટોની સત્તા દરમિયાન દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત તરીકે ઓળખાતો પ્રદેશ.

દક્ષિણ ગુજરાતમાં  ત્રૈકૂટકોનું રાજ્ય ગુપ્તકાલથી પ્રવર્તતું, જે ઈ. સ. 494–95 સુધી ચાલુ રહેલું જણાય છે.

ઈ. સ. 669માં નવસારીમાં દખ્ખણના ચાલુક્ય રાજ્યની શાખા સત્તારૂઢ થઈ. આ વંશની સત્તા ત્યાં 75થી 80 વર્ષ ટકી. આઠમી સદીના મધ્યમાં અહીં દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશની શાખાએ સત્તા હાંસલ કરી. ઈ. સ. 788માં મૈત્રક રાજ્યનો અંત આવતાં રાષ્ટ્રકૂટ રાજાએ પોતાની સત્તા છેક સાબરકાંઠા સુધી વિસ્તારી, જેની રાજધાની ખેટક રાખી. રાષ્ટ્રકૂટ વંશના રાજાઓને એમના અભિલેખોમાં ‘લાટેશ્વર’ કહેવામાં આવ્યા છે. રાષ્ટ્રકૂટ રાજા કર્ક સુવર્ણવર્ષના ઈ. સ. 812–813ના દાનશાસનમાં એના પિતા ઇંદ્રરાજને લાટેશ્વરમંડલનો શાસક કહ્યો છે અને કર્ક પોતાને ‘લાટેશ્વર’ કહે છે. રાષ્ટ્રકૂટ વંશની ગુજરાતની શાખાનું શાસન વાત્રક નદીથી લઈ નવસારિકા વિભાગની દક્ષિણે આવેલી અંબિકા નદી સુધીના ભૂભાગ ઉપર રહ્યું હતું. એની રાજધાની ખેટક હતી.

‘કારવણ માહાત્મ્ય’ મુજબ કારવણનો સમાવેશ પ્રાચીન લાટમંડલમાં થતો હતો, ત્યારે લાટમંડલનું કેન્દ્ર ભરુકચ્છ (ભરૂચ) હતું.

ઈ. સ. 756ના અરસામાં દંતિદુર્ગની સત્તા એના કાકા કૃષ્ણરાજે હસ્તગત કરી. આ સમયે નવસારી પ્રદેશમાં રાષ્ટ્રકૂટ રાજા કર્કરાજ 2જાની સત્તા હતી. વલભીભંગ અને મૈત્રક રાજ્યના નાશને લીધે સાંપડેલી તકનો લાભ લઈ કર્કરાજે પોતાની સત્તા ઉપર ગુજરાત સુધી પ્રસારી હતી. કર્કરાજના ઉત્તરાધિકારી ગોવિંદરાજ 3જાએ પ્રતીહારનરેશ નાગભટ 2જાને હરાવી પોતાનું શાસન છેક માળવા સુધી વિસ્તાર્યું અને લાટમંડલનું રાજ્ય પોતાના નાના ભાઈ ઇંદ્રરાજને સુપરત કર્યું. આમ ઈ. સ. 800ના અરસામાં લાટમંડલમાં રાષ્ટ્રકૂટ વંશની અલગ શાખા પ્રવર્તી.

કર્કરાજનું ‘સુવર્ણવર્ષ’ એવું અપરનામ હતું. તે ‘મહાસામંતાધિપતિ’ કહેવાતો હતો. એનાં શક વર્ષ 734 (ઈ. સ. 811), 736, 738–39, 743 અને 746નાં દાનપત્રો મળ્યાં છે. જ્યારે દખ્ખણના રાષ્ટ્રકૂટ રાજ્યમાં પ્રતિસ્પર્ધીઓએ બંડ પોકાર્યું ત્યારે આ કર્કરાજે અમોઘવર્ષને એની ગાદી પાછી અપાવી હતી.

ગોવિંદરાજ ‘પ્રભૂતવર્ષ’ તરીકે પ્રસિદ્ધ થયો. એનાં શક વર્ષ 732, 735 વલભી સંવત 500 (શ.સં. 740) અને 749નાં દાનપત્રો મળ્યાં છે. એનાં દાનશાસનોમાં પોતાના અગ્રજ કર્કરાજનો આદરપૂર્વક નિર્દેશ કરે છે.

આથી આ સમય દરમિયાન કાયમી રાજા કર્કરાજા હોય અને એની ગેરહાજરીમાં રાજબિરુદ ધારણ કરવાનો તથા દાનશાસન ફરમાવવાનો અધિકાર ગોવિંદરાજ ‘પ્રભૂતવર્ષ’ ધરાવતો હોવાનું જણાય છે.

કર્કરાજનો ઉત્તરાધિકાર એના પુત્ર ધ્રુવરાજને મળ્યો. ધ્રુવરાજ ઈ. સ. 830ના અરસામાં ગાદીએ આવ્યો. તે ‘ધારાવર્ષ’ ઉપરાંત ‘નિરુપમ’ તરીકે પણ ઓળખાતો. એણે યુદ્ધમાં વલ્લભ રાજાની સેનાને નસાડી મૂકેલી એવો ઉલ્લેખ આવે છે. એ અનુસાર લાટમંડલના રાષ્ટ્રકૂટ રાજકુલ અને દખ્ખણના રાષ્ટ્રકૂટ રાજકુલ વચ્ચેના સંબંધો વણસ્યા લાગે છે. ધ્રુવરાજ લગભગ ઈ. સ. 845માં યુદ્ધમાં માર્યો ગયો.

‘અકાલવર્ષ શુભતુંગ’ એ એનું અપરનામ લાગે છે. એનું મૂળ નામ કે કોઈ દાનશાસન જાણવા મળ્યાં નથી. મુખ્ય વંશના રાજા અમોઘવર્ષે ઈ. સ. 850માં માન્યખેટ(કર્ણાટક)માંથી બ્રાહ્મણોને દાન દીધેલું. આ પરથી લાટમંડલ ત્યાં સુધી મુખ્ય વંશના શાસન નીચે રહ્યું લાગે છે. અકાલવર્ષના મૃત્યુ પછી એના પુત્ર ધ્રુવરાજે અમોઘવર્ષ સાથે સમાધાન કરી લીધું.

અકાલવર્ષનો ઉત્તરાધિકારી ધ્રુવરાજ બીજો બન્યો. એનાં ઈ. સ. 867થી 884નાં દાનશાસન મળ્યાં છે. ઈ. સ. 871 –72માં નર્મદામહી પ્રદેશનાં બે ગામ મહાદેવનાં મંદિરને અર્પણ કરેલાં. ઈ. સ. 884માં ધ્રુવરાજે કામ્પિલ્યતીર્થના બૌદ્ધ વિહારને સુહિલા વિષયમાંનું ગામ દાનમાં દીધું. ઈ. સ. 867 પહેલાં કનોજના પ્રતીહાર રાજા મિહિર ભોજે લાટમંડલ પર આક્રમણ કરેલું, પરંતુ ધ્રુવરાજે એકલાએ એને પાછું હઠાવી દીધું હતું.

ધ્રુવરાજ 2જા પછી એના ભાઈ દંતિવર્માના પુત્ર અકાલવર્ષ કૃષ્ણરાજને ઉત્તરાધિકાર પ્રાપ્ત થયો. એનું રાજ્યારોહણ ઈ. સ. 886ના અરસામાં થયું હશે. એનું ઈ. સ. 888નું દાનશાસન મળ્યું છે. લાટમંડલના આ રાજાએ મુખ્ય વંશના અમોઘવર્ષના પુત્ર કૃષ્ણરાજના દેખતાં ઉજ્જયિનીમાં પ્રતીહારોનો પરાજય કર્યો. આ પરથી લાટમંડલના રાષ્ટ્રકુલને કર્ણાટકના મુખ્ય વંશ સાથે ફરી સારો સંબંધ થયો હશે. છતાં ગમે તે કારણે આ કૃષ્ણરાજ પછી લાટમંડલની રાષ્ટ્રકૂટ શાખા લુપ્ત થઈ અને આ પ્રદેશ પર કર્ણાટકના રાષ્ટ્રકૂટોના મુખ્ય રાજવંશનું સીધું શાસન પ્રવર્ત્યું. ગોવિંદરાજ ત્રીજાના અનુજ ઇંદ્રરાજના કુલની આ શાખાની રાજસત્તા અહીં લગભગ સોએક વર્ષ ટકી.

રાષ્ટ્રકૂટોના મુખ્ય રાજવંશમાં અમોઘવર્ષ પછી એનો પુત્ર કૃષ્ણરાજ બીજો ઈ. સ. 878માં ગાદીએ આવ્યો. એના સમયમાં લાટમંડલ પર એનું સીધું શાસન પ્રવર્ત્યું.

કૃષ્ણરાજનો પુત્ર જગત્તુંગ મૃત્યુ પામતાં તેના પુત્ર ઇંદ્રરાજ 3જાને કૃષ્ણરાજ 2જાનો ઉત્તરાધિકારી મળ્યો. તેનાં ઈ. સ. 915નાં બે દાનશાસન મળ્યાં છે. ઇંદ્રરાજ ત્રીજો પછી એનો મોટો પુત્ર અમોઘવર્ષ બીજો ગાદીએ આવ્યો. એકાદ વર્ષમાં અકાળે તેનું અવસાન થતાં એનો નાનો ભાઈ ગોવિંદરાજ ચોથો ગાદીએ આવ્યો. એ સુવર્ણવર્ષ, પૃથ્વીવલ્લભ, શ્રીવલ્લભ અને નરેન્દ્ર એવાં અપરનામ ધરાવતો. એણે ઈ. સ. 930માં જે દાન દીધેલાં તેમાં લાટદેશના ખેટક મંડલમાંના એક ગામના દાનનો સમાવેશ થાય છે. તે ઘણો વિષયી અને ઘાતકી હોવાથી એના મંત્રીઓ અને સામંતોએ તેને દૂર કરી એના કાકા અમોઘવર્ષ ત્રીજાને ઈ. સ. 935માં ગાદીએ બેસાડ્યો. તે ધાર્મિક વૃત્તિનો હતો. તેણે ત્રણેક વર્ષ રાજ્યસત્તા સંભાળી.

અમોઘવર્ષ ત્રીજા પછી એનો જ્યેષ્ઠ પુત્ર કૃષ્ણરાજ ત્રીજો ઈ. સ. 939માં ગાદીએ આવ્યો. ગાદીએ આવતાવેંત એણે ચોળ રાજ્ય પર આક્રમણ કરી દક્ષિણમાં રામેશ્વર સુધી વિજયકૂચ કરી. ઈ. સ. 963માં ઉત્તર ભારતમાં આક્રમણ કર્યું. માળવાના પરમાર રાજા સીયકને હરાવી ઉજ્જયિની કબજે કરી. એણે ઈ. સ. 967 સુધી રાજ્ય કર્યું.

પછી પાંચ–સાત વર્ષમાં લાટમંડલમાં તેમજ દખ્ખણમાં રાષ્ટ્રકૂટ રાજાઓની સત્તા અસ્ત પામી.

કુમારપાલના સમયમાં લાટમંડલનો દંડનાયક વોસરિ હતો. વિસલદેવે સૌરાષ્ટ્રના મંડલેશ્વર સલક્ષને લાટમંડલમાં નીમ્યો હતો. કર્ણદેવની સત્તા લાટમંડલ પર હતી. સોલંકીકાલ દરમિયાન લાટમંડલનો વિસ્તાર દક્ષિણે નવસારીથી થોડે સુધી જ હોવાનું જણાય છે.

રામજીભાઈ ઠા. સાવલિયા