લાટાચાર્ય (ઈ. સ. ત્રીજી સદી) : લાટદેશના પ્રસિદ્ધ આચાર્ય અને જ્યોતિર્વિદ. આર્યભટ્ટના શિષ્ય. એમનો સમય ઈ. સ. 285–300 આસપાસનો મનાય છે. વરાહમિહિરકૃત ‘પંચસિદ્ધાંતિકા’ના ઉલ્લેખ મુજબ લાટાચાર્યે પૌલિશ અને રોમક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતા ગ્રંથો રચ્યા હતા. મધ્ય ગુજરાતને રોમનો સાથે સારો એવો સંપર્ક હતો, તેથી લાટાચાર્યે રોમક સિદ્ધાંત ઉપર ગ્રંથ લખ્યાનું સમજી શકાય. વરાહમિહિરે અન્ય આચાર્યોની સાથોસાથ લાટાચાર્યને પણ આધારભૂત માન્યા છે. એમને ‘સર્વસિદ્ધાંતગુરુ’નું બિરુદ મળ્યું હતું. શય્યાતર (સાધુને વસ્તી આપનાર ગૃહસ્થ) કોને કહેવો એ વિશે આ લાટાચાર્યનો મત જૈન આગમ સાહિત્યમાં ટીકા-ચૂર્ણિઓમાં ટાંકેલો છે. તે મુજબના જે મકાનમાં સકલ ગચ્છના છત્ર આચાર્ય રહેતા હોય તેનો માલિક શય્યાતર મનાય છે, બીજાં મકાનોના માલિકો શય્યાતર મનાતા નથી.
રામજીભાઈ ઠા. સાવલિયા