લાજપુરી, અબ્દુર્રહીમ (મુફતી)

January, 2004

લાજપુરી, અબ્દુર્રહીમ (મુફતી) (જ. ડિસેમ્બર 1903, નવસારી; અ. 2001) : વીસમી સદીના સૌથી વધુ નોંધપાત્ર મુફતી. તેમણે રાંદેર- (જિલ્લો સૂરત)ના દારુલ ઉલૂમ હુસૈનિયામાં રહીને એક આલિમે દીન અને મુફતી તરીકે મુસ્લિમ કોમ તથા દેશની આગવી સેવા બજાવી છે. તેઓ કાદરી-સૈયદ કુળના નબીરા અને હજરત અબ્દુલ કાદર જીલાનીના વંશજ હતા. તેમના પિતામહ મૌલાના ઇબ્રાહીમ લાજપુર ગામના વતની હતા તેથી તેઓ લાજપુરી કહેવાય છે. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના પિતા સૈયદ અબ્દુલ કરીમ અને કાકા સૈયદ હિસામુદ્દીન કાદરી પાસેથી મેળવ્યું હતું અને રાંદેરના જામેઆ અશરફિયામાં ઉચ્ચ ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરીને, જામેઆ હુસૈનિયામાંથી પદવી મેળવી હતી. તેમણે અભ્યાસકાળ દરમિયાન મસ્જિદની ઇમામત અને મદરેસામાં ફતવા લખવાનાં કાર્યોનો આરંભ કરી દીધો હતો. તેઓ કુરાનના ઉચ્ચ કોટિના વાચક-કારી હતા. તેમના શિક્ષકોમાં મુફતી સૈયદ મહેદીહસન, મુફતી મેહમૂદ અલ-હસન અજમેરી, મૌલાના મોહમ્મદ હુસેન અને અલ્લામા અનવરશાહ કશ્મીરી જેવા રાષ્ટ્રવ્યાપી ખ્યાતિ ધરાવતા આલિમોનો સમાવેશ થાય છે. મુફતી અબ્દુર્રહીમસાહેબે પોતાને દરેક પ્રકારની જાહેર પ્રવૃત્તિથી અલગ રાખ્યા હતા અને શાંતિથી શિક્ષણ આપવાનું અને ફતવા લખવાનું કામ એકચિત્તે કરતા રહ્યા હતા. તેમણે લખેલા ફતવાઓનો સંગ્રહ દસ ગ્રંથોમાં પ્રગટ થયો છે, અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં તે અનૂદિત થયો છે અને આફ્રિકા, ઇંગ્લૅન્ડ તથા બીજા દેશોમાં પણ તેનું અનુકરણ થઈ રહ્યું છે. વીસમા શતકના કોઈ મુફતીને ભાગ્યે જ તેમના જેટલી ખ્યાતિ મળી હશે. તેમના ફતવાઓનું ખાસ લક્ષણ એ છે કે તેમને દેશ-વિદેશના ખ્યાતનામ મુફતીઓ જેવા કે મૌલાના અશરફઅલી થાનવી, અલ્લામા અનવરશાહ કશ્મીરી, મુફતી કિફાયતુલ્લા, અલ્લામા શબ્બીર ઉસ્માની વગેરેએ અનુમોદન તથા ટેકો આપ્યાં છે. તેઓ પોતાના ફતવાનો આધાર કુરાન, હદીસ તથા પુરોગામી આલિમોની સનદ ઉપર રાખતા હતા અને તમામ સનદોને પોતાના ફતવામાં અક્ષરશ: ટાંકતા હતા. આથી તેમના ફતવાઓ સ્વીકાર્ય ગણાયા છે, અને આજે પણ મુસ્લિમો તેમને અનુસરે છે. તેઓ પહેલાં મૌલાના સૈયદ હુસેન એહમદ મદની જેવા રાષ્ટ્રવાદી આલિમ તથા કૉંગ્રેસ પક્ષની મુસ્લિમ શાખા સમાન જમીઅતે ઉલ્માએ હિન્દના સ્થાપકના અનુયાયી અને પાછળથી શૈખુલ હદીસ હઝરત ઝકરિયાના આધ્યાત્મિક શિષ્ય બન્યા હતા. તેઓ જમિયતે ઉલ્માએ હિંદની કાનૂની શાખા ‘અમારતે શરઇયા હિન્દ’ના અમીરે શરિયત જેવા ઉચ્ચ પદ ઉપર પણ રહ્યા હતા. તેમના અવસાન બાદ તેમના જેવો ઇસ્લામી કાયદાઓનો તજ્જ્ઞ કમસે કમ ગુજરાતમાં કોઈ રહ્યો નથી.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી