લાગોસ : નાઇજિરિયા(પશ્ચિમ આફ્રિકા)નું મોટામાં મોટું શહેર અને જૂનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 6° 27´ ઉ. અ. અને 3° 24´ પૂ. રે.. તે નાઇજિરિયાના નૈર્ઋત્ય ભાગમાં આવેલું છે. વાસ્તવમાં તેનો કેટલોક ભાગ આફ્રિકાની મુખ્ય ભૂમિ પર અને કેટલોક ભાગ ગિનીના અખાતના સ્લેવ કોસ્ટ પરના ચાર ટાપુઓ પર વહેંચાયેલો છે. ટાપુઓ પરનો શહેરી ભાગ પુલો મારફતે મુખ્ય ભૂમિભાગ સાથે જોડાયેલો છે.

લાગોસ અયનવૃત્તીય પ્રદેશમાં આવેલું છે. અહીં  મેથી સપ્ટેમ્બર દરમિયાન હવામાન ભેજવાળું રહે છે, જ્યારે ઑક્ટોબરથી એપ્રિલ દરમિયાન સૂકું રહે છે. તાપમાનનું પ્રમાણ લગભગ આખું વર્ષ ઊંચું રહે છે. વધુમાં વધુ તાપમાન 35° સે. છે અને આકાશ વાદળછાયું રહે છે. તાપમાનનો ગાળો આશરે 19° સે. જેટલો રહે છે. વરસાદનું પ્રમાણ 3,300 મિમી. જેટલું રહે છે.

લાગોસ નાઇજિરિયાનું મુખ્ય બંદર અને ખૂબ જ મહત્વનું વાણિજ્યમથક છે. અહીં બંદર ખાતેથી વાર્ષિક આશરે 18 લાખ મેટ્રિક ટન જેટલા માલસામાનની અવરજવર થતી રહે છે. આ બંદરેથી ચામડાં અને ખાલ, કેકાઓ તથા મગફળી, લાકડાં અને તાડની પેદાશોની નિકાસ થાય છે. ઇકેજા ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. હવાઈ, રેલ, સડક તેમજ જળમાર્ગોને કારણે તે નાઇજિરિયાના અન્ય ભાગો સાથે સંકળાયેલું છે. નાઇજિરિયાના મુખ્ય ઉત્પાદક શહેર તરીકે લાગોસની ગણના થાય છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં રસાયણો, ધાતુપેદાશો, મત્સ્યપ્રક્રમણ, છૂટા ભાગો જોડીને તૈયાર કરવામાં આવતી મોટરગાડીઓ તેમજ રેડિયો, દારૂ ગાળવાની ભઠ્ઠીઓ, ખાદ્યપ્રક્રમણ, પોલાદપ્રક્રમણ, ખનિજતેલ-સંગ્રહ, કાપડ, સાબુ તથા મીણબત્તીનો સમાવેશ થાય છે.

પંદરમી સદીના છેલ્લા ચરણ દરમિયાન પોર્ટુગીઝ શોધસફરીઓ અહીં આવ્યા હતા. તે અગાઉ આજના લાગોસના સ્થળે યોરુબા લોકો વસતા હતા. 1851 સુધી તો લાગોસ ગુલામોના વેપારનું મુખ્ય મથક હતું. 1851માં બ્રિટને અહીં તોપમારો કરેલો. તે પછી 1862 સુધી તે બ્રિટિશ રક્ષિત પ્રદેશ તરીકે રહેલું. 1861–62માં બ્રિટને તેને પોતાના વહીવટ હેઠળ સમાવી લીધું અને 1914માં લાગોસને નાઇજિરિયાનું પાટનગર બનાવ્યું.

1979માં નાઇજિરિયાની સરકારે દેશના મધ્યભાગમાં આવેલા સ્થળ અબુજા ખાતે નવું પાટનગર બાંધવાનું શરૂ કર્યું. 1980ના દસકા દરમિયાન બાંધકામ ચાલુ હતું, તેમ છતાં ઘણી સરકારી કચેરીઓ ખેસવવામાં આવેલી. 1992માં અબુજાને સત્તાવાર પાટનગર તરીકે માન્યતા મળી છે. વસ્તી : 2002 નવેમ્બર મુજબ આ શહેરની વસ્તી 1 કરોડની થઈ છે.

ગિરીશભાઈ પંડ્યા