લાગુ, શ્રીરામ ડૉ. (જ. 16 નવેમ્બર 1927, પુણે, મહારાષ્ટ્ર અ. 17 ડિસેમ્બર 2019, પુણે, મહારાષ્ટ્ર) : પ્રસિદ્ધ અભિનેતા. ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા શ્રીરામ લાગુ સફળ તબીબી કારકિર્દી ધરાવતા હતા. તે સાથે અભિનય પ્રત્યે પણ તેમને ખૂબ લગાવ હતો. શાળામાં હતા ત્યારથી જ તેમણે નાટકોમાં કામ શરૂ કર્યું હતું. તેઓ 11 વર્ષના હતા ત્યારે શાળાના વાર્ષિકોત્સવ વખતે પહેલી વાર તેમના શિક્ષકે લખેલા નાટક ‘વંદે ભારતમ્’માં કામ કર્યું હતું. યોગાનુયોગ આ નાટકમાં તેમની ભૂમિકા ગોપાળકૃષ્ણ ગોખલેની હતી અને આ જ ભૂમિકા વર્ષો પછી તેમણે રિચાર્ડ એટનબરોના ચિત્ર ‘ગાંધી’માં ભજવી હતી.
1950થી તેમણે વ્યાવસાયિક મરાઠી નાટકોમાં અભિનય કરવાની શરૂઆત કરી હતી. આખો દિવસ હૉસ્પિટલમાં દર્દીઓની સેવા અને રાત્રે મોડે સુધી તેઓ નાટકોમાં વ્યસ્ત રહેતા. તેઓ જ્યાં સુધી તબીબ રહ્યા ત્યાં સુધી એ વ્યવસાયને પણ પૂર્ણ વફાદાર રહ્યા. દરમિયાનમાં સ્કૉટલૅન્ડમાં તેઓ ફરવા ગયા હતા ત્યારે તેમનાં પ્રથમ પત્ની માલતીનું એક અકસ્માતમાં મોત થયું હતું. બે બાળકો આનંદ અને વિમલાના ઉછેરની જવાબદારી તેમના માથે આવી હતી. 1966ના એ અરસામાં તેઓ ત્રણ વર્ષનો કરાર કરીને પૂર્વ આફ્રિકા જતા રહ્યા હતા. એ ત્રણ વર્ષ તેઓ રંગમંચથી દૂર રહ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે અભિનયનું તેમના જીવનમાં શું મહત્વ છે. તેઓ ભારત પરત આવ્યા. પછી જ્યારે અભિનય અને તબીબી વ્યવસાય આ બેમાંથી એક ક્ષેત્ર પસંદ કરવાનો વારો આવ્યો ત્યારે તેમણે અભિનયને પહેલી પસંદગી આપી હતી. 1969માં 42 વર્ષની વયે સફળ તબીબી કારકિર્દી છોડીને પૂર્ણપણે અભિનયને સમર્પિત થઈ જવાનું તેમણે પસંદ કર્યું. ક્રાંતિકારી વિચારો ધરાવતા ડૉ. લાગુ પોતે જે માનતા તેને જ આચરણમાં મૂકતા. 1972માં વી. શાંતારામના ચિત્ર ‘પીંજરા’માં અવિસ્મરણીય અભિનય આપીને તેમણે પોતાની અભિનયક્ષમતા સિદ્ધ કરી આપી હતી. રંગભૂમિની એક અભિનેત્રી દીપા સાથે 1971માં તેમણે ફરી લગ્ન કર્યાં. નાટકો અને ચલચિત્રોમાં તેઓ વ્યસ્ત હતા જ, તે સાથે 1980ના દાયકામાં તેમણે દૂરદર્શનના પ્રાયોજિત કાર્યક્રમોમાં પણ કામ શરૂ કર્યું. શ્રીધર ક્ષીરસાગરની ‘ખાનદાન’ તેમની પ્રથમ ધારાવાહિક હતી. તેમણે બે વિજ્ઞાપનોમાં કામ કર્યું અને આ વિજ્ઞાપનો દૂરદર્શન પરથી પ્રસારિત થયાં તે પછી નિયમ મુજબ ડૉ. લાગુની તબીબ તરીકેની નોંધણી ભારતીય તબીબ પરિષદે રદ કરી દીધી હતી. ડૉ. લાગુએ અનેક ચિત્રોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે.
નોંધપાત્ર ચિત્રો : ‘પીંજરા’ (1972), ‘ચલતે ચલતે’ (1976), ‘ઘરૌંદા, કિનારા, કિતાબ’ (1977), ‘અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન’, ‘દેશ-પરદેશ’, ‘દેવતા’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘સાજન બિના સુહાગન’ (1978), ‘મીરા’, ‘સરગમ’ (1979), ‘ગહરાઈ’, ‘ઇન્સાફ કા તરાજૂ’, ‘થોડી સી બેવફાઈ’ (1980), ‘લાવારિસ’ (1981), ‘કામચોર’, ‘વિધાતા’ (1982), ‘સૌતન’ (1983), ‘હોલી’ (1984), ‘સિંહાસન’ (1986), ‘એક દિન અચાનક’ (1988) અને ‘માયા મેમસાબ’ (1992).
હરસુખ થાનકી