લાગણી (feeling) : સંવેદનો, વિચારો કે અન્ય અનુભવોનું આત્મલક્ષી ભાવાત્મક પાસું. મનુષ્યોના મોટાભાગના અનુભવો સુખદ કે દુ:ખદ હોય છે; કેટલાક અનુભવો તટસ્થ હોય છે. અપવાદરૂપ સંજોગોમાં મનુષ્ય એકીસાથે સુખ અને દુ:ખની મિશ્ર લાગણી અનુભવે છે; દા. ત., કન્યાવિદાયની ક્ષણે અથવા ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે વિદેશગમન કરતી વખતે.
મધ્યમસરનો પ્રકાશ, મંદ અવાજો, સંગીતના સૂરો, હળવો સ્પર્શ, ફૂલોની સુગંધ કે મીઠો સ્વાદ જેવાં સંવેદનો સુખની લાગણી ઉપજાવે છે. તીવ્ર પ્રકાશ, અંધકાર, અત્યંત બુલંદ અવાજ, કર્કશ કે તીણા અવાજો, ઘોંઘાટ, ત્વચા ઉપરનું અતિ ભારે દબાણ કે ઈજા, ઉકરડાની દુર્ગંધ કે તીખો/કડવો સ્વાદ મોટાભાગના માણસોમાં અસુખ કે દુ:ખની લાગણી ઉપજાવે છે. પ્રાચીન અને અર્વાચીન વિશ્વસાહિત્યમાં માનવ-લાગણીઓનું ભરપૂર વર્ણન જોવા મળે છે, કારણ કે મનુષ્યના રોજના મોટાભાગના અનુભવો સાથે સુખ-દુ:ખ કે ગમા-અણગમાની લાગણી જોડાયેલી હોય છે.
અનુકૂળ વ્યક્તિનો સહવાસ, મૈત્રી કે પ્રેમ-સંબંધો, કાર્યમાં સફળતા, કુટુંબીજનોની પ્રગતિ જેવા અનુભવોથી સુખની લાગણી થાય છે. પરાજય, નિષ્ફળતા, અન્ય લોકોનું વિરોધી વર્તન, ઝઘડાખોર વ્યક્તિનો પનારો પડવો કે કુટુંબીજનોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક બાબતમાં કે સ્વાસ્થ્યમાં પીછેહઠ જેવા અનુભવોથી દુ:ખ થાય છે.
કોઈ વસ્તુના અનુભવથી માણસને સુખ કે દુ:ખ થશે તેનો આધાર અમુક અંશે તેની શારીરિક અને માનસિક સ્થિતિ, મનોવલણ અને ટેવ ઉપર છે; દા. ત., વિરહથી પીડાતા પ્રેમીને ચંદ્રના પ્રકાશથી પણ દાઝ્યાની લાગણી થાય છે. વાનગીઓના કેટલાક શોખીનોને સહેજ કડવો કે તીખો તમતમતો સ્વાદ પણ સુખદ લાગે છે. અમુક વસ્તુનો અનુભવ થવાથી માણસને લાગણી ઊપજશે કે નહિ તેનો આધાર કેટલેક અંશે તેની સંવેદનશીલતા ઉપર અને ધ્યાનકેંદ્રિતતા ઉપર છે.
સુખની અને દુ:ખની લાગણીઓ એકબીજીની તદ્દન વિરોધી નથી. તેથી જ્યારે સુખની લાગણી તીવ્ર બને ત્યારે દુ:ખની લાગણી મંદ થઈ જ જાય એવું નથી. સુખની લાગણી ઘટે ત્યારે દુ:ખની લાગણીમાં વધારો ન પણ થાય. સુખ-દુ:ખની લાગણીઓની તીવ્રતા જે તે અનુભવની તીવ્રતા અને સાતત્ય ઉપર આધાર રાખે છે. મોટેભાગે, અનુભવ સતત લાંબા સમય સુધી ચાલુ રહે ત્યારે લાગણીની તીવ્રતા ઘટતી જાય છે અને આખરે તટસ્થ કે વિરોધી લાગણી પણ પેદા થાય છે. રેડિયો પર વાગતાં હળવાં ગીતો એકાદ કલાક સુધી સુખ આપે, પણ પછી કંટાળો અને દુ:ખ ઉપજાવે છે.
ટિશનર લાગણીને સભાન અવસ્થાનું મૂળતત્વ ગણાવે છે. વુન્ટ લાગણીનાં ત્રણ પરિમાણો ગણાવે છે, તે દરેક પરિમાણના બે વિરોધી છેડા દર્શાવે છે : (1) સુખ-દુ:ખનું પરિમાણ, (2) મંદતા-તીવ્રતાનું પરિમાણ, (3) સ્નાયુ-તણાવ, સ્નાયુ-શિથિલતાનું પરિમાણ. જોકે અન્ય મનોવૈજ્ઞાનિકો આમાંનાં પહેલાં બે પરિમાણોને સ્વીકારે છે.
મનુષ્ય સુખ-દુ:ખ કે ગમા-અણગમાની લાગણી માત્ર કોઈ એક વ્યક્તિ માટે જ નહિ, વ્યક્તિઓના જૂથ માટે, નિર્જીવ વસ્તુઓ માટે, લોકોના ચોક્કસ પ્રકારના વર્તન માટે, પ્રસંગો કે ઘટનાઓ માટે, તેમજ વિચારો કે વિચારસરણીઓ માટે પણ અનુભવે છે; દા. ત., નિખાલસ વ્યક્તિઓ ગમે, મૂંજી લોકો ન ગમે, બીજાંઓ પોતાનાં વખાણ કરે કે પોતાને મદદ કરે તો સુખ થાય; તેઓ ટીકા કરે કે વિઘ્નો ઊભાં કરે તો દુ:ખ થાય. ઉત્સવો ઊજવવાથી સુખ થાય, જ્યારે માંદગી કે અકસ્માત જેવી ઘટનાથી દુ:ખ થાય.
મનુષ્ય પોતાની સુખની લાગણીને સ્મિત, હાસ્ય, ગાન, આનંદના ઉદગાર, દોડ-કૂદ કે નૃત્ય જેવા વર્તન વડે વ્યક્ત કરે છે. દુ:ખની લાગણીને શોક, ખિન્નતા, ચિત્કાર, રુદન, નિષ્ક્રિય બની જવું કે ઓરડામાં અંદર લપાઈ જવું જેવા વર્તનથી વ્યક્ત કરે છે. કેટલીક વાર મનુષ્યે કરેલી લાગણીની બાહ્ય અભિવ્યક્તિ કરતાં તેની ખરેખરી લાગણી જુદી પણ હોય છે.
લાગણીને આવેગો સાથે પણ સંબંધ છે. આવેગો અનુભવતી વખતે મનુષ્યને અનુકૂળ કે પ્રતિકૂળ લાગણી થાય છે. આનંદ, સ્નેહ કે આશ્ચર્ય જેવા આવેગો સુખ આપે છે; શોક, નિરાશા, ભય, ઈર્ષ્યા કે ક્રોધ જેવા આવેગો દુ:ખ આપે છે.
મનુષ્ય પોતાની મોટાભાગની લાગણીઓથી સભાન હોય છે; પણ અમુક સંજોગોમાં મનુષ્યને પોતાનાં સુખ/દુ:ખની લાગણીનું માત્ર અસ્પષ્ટ ભાન હોય છે. કેટલીક વાર તો મનુષ્યને પોતાની લાગણીની બિલકુલ જાણ હોતી નથી; દા. ત., પુત્રને પિતા તરફ છૂપો અણગમો હોય, પણ એની જાણ પિતાને ન હોય એવું બને છે. માત્ર પુત્રના વર્તન ઉપરથી ખબર પડે છે કે તેને તેના પિતા પ્રત્યે અમુક પ્રકારની નિષેધક લાગણી છે. પિતાએ તેને સ્પષ્ટ અને વિગતવાર સૂચના આપીને જે કાર્ય સોંપ્યું હોય તે કાર્યમાં એ એવો ભયંકર મૂર્ખાઈભર્યો છબરડો વાળે છે કે તેના ઉપરથી એના અણગમાની ખબર પડે છે.
મનુષ્યે પોતાની તીવ્ર લાગણીને પરાણે લાંબા સમય સુધી દબાવી રાખવી એ તેના માનસિક સ્વાસ્થ્ય માટે જોખમકારક છે.
લાગણીને બોધાત્મક તેમજ શારીરિક પાસું હોય છે. બોધન અને શારીરિક ઉદ્યુક્તતા(arousal)ની આંતરક્રિયા વડે લાગણીનું સ્વરૂપ બંધાય છે. તાજેતરનાં સંશોધનો સૂચવે છે કે મગજના ડાબા ગોળાર્ધને સુખની, જ્યારે જમણા ગોળાર્ધને દુ:ખની લાગણી સાથે સંબંધ છે. લાગણી મનુષ્યનાં મનોવલણ ઉપર અસર કરીને પૂર્વગ્રહ કે પક્ષપાત ઉપજાવે છે.
લાગણીને મનુષ્યના કાર્યકર્તૃત્વ સાથે પણ સંબંધ છે. યર્કીઝ–ડૉડસનના નિયમ પ્રમાણે, જ્યારે લાગણી અત્યંત મંદ કે અત્યંત તીવ્ર હોય, ત્યારે કાર્યકર્તૃત્વ (અને કાર્યક્ષમતા) ઘટે છે. લાગણી મધ્ય કક્ષાએ હોય ત્યારે કર્તૃત્વ શ્રેષ્ઠ હોય છે.
લાગણીનું માપન બે રીતે થાય છે : (1) છાપની પદ્ધતિમાં માણસને કોઈ ઉદ્દીપક કે વિચાર આપીને, પોતાના મનમાં આંતરનિરીક્ષણ કરી પોતાની સુખ/દુ:ખની લાગણી વર્ણવવાનું કહેવાય છે, (2) આવિર્ભાવની પદ્ધતિમાં ઉદ્દીપક રજૂ કર્યા પછી વ્યક્તિના મુખભાવો, ચેષ્ટાઓ વગેરેમાં, તેમજ શ્વાસોચ્છવાસ, હૃદયના ધબકારા, લોહીના દબાણ વગેરેમાં થતા ફેરફારો નોંધવામાં આવે છે.
લાગણીઓ અને તેની અભિવ્યક્તિનો ઉપયોગ માનસિક મૂંઝવણો અને વિકૃતિઓની સારવારમાં પણ થાય છે. ખાસ કરીને મનોવિશ્લેષણમાં, ગૅસ્ટોલ્ટની અને રૉજર્સની અનિર્દેશક ઉપચારપદ્ધતિમાં લાગણીની અભિવ્યક્તિનો ઉપયોગ થાય છે.
વ્યાવહારિક અને સામાજિક મનોવિજ્ઞાનનાં સંશોધનો સૂચવે છે કે સાહચર્ય વડે લાગણીઓનું અભિસંધાન પણ થાય છે; દા. ત., જો લોકોને અમુક નેતા, અભિનેતા કે ખેલાડી પ્રત્યે વિધાયક લાગણી હોય, તો એની સાથે ઊભેલી બીજી વ્યક્તિ પ્રત્યે, અથવા એણે હાથમાં લીધેલી વસ્તુ પ્રત્યે પણ વિધાયક લાગણી થાય છે.
એ જ રીતે અત્યારના ઉદ્દીપકની પૂર્વે થયેલો વિધાયક કે નિષેધક અનુભવ એ ઉદ્દીપક પ્રત્યે અનુક્રમે વિધાયક કે નિષેધક લાગણી જન્માવે છે. એ જ રીતે, વ્યક્તિ હવે પછી વિધાયક અનુભવની અપેક્ષા કરતી હોય તો અત્યારનું ઉદ્દીપક વિધાયક લાગણી ઉપજાવે છે. તેથી જ હવે દુકાનોમાં અને ઑફિસોમાં સુંદર રંગ-રોગાન, સ્વચ્છતા, સારી પ્રકાશવ્યવસ્થા, ફૂલછોડ, મધુર સંગીત વગેરેની ખાસ ગોઠવણ કરવામાં આવે છે, જેથી ગ્રાહકોના મનમાં એ દુકાન કે ઑફિસની ચીજવસ્તુઓ કે સેવા માટે સુખની લાગણી બંધાય.
લાગણીઓનું નિયંત્રણ કરવા માટે વિધાયક મનોવલણ કેળવવું, ધ્યાન કેન્દ્રિત કરવાનો નિયમિત અભ્યાસ કરવો તેમજ નિયંત્રણ માટે દૃઢ સંકલ્પ, આશાવાદ તેમજ વિશ્વાસ ધરાવવો જરૂરી હોય છે.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે