લાખો ફુલાણી : ગુજરાતીમાં કેટલીક રીતે નોંધપાત્ર એવું ચલચિત્ર. કચ્છના ઇતિહાસનું અને કચ્છ-કાઠિયાવાડની લોકકથાનું એક તેજસ્વી પાત્ર કચ્છમાં આવેલ કંથરોટના રાજવી લાખો ફુલાણીનું છે. કહેવાય છે કે ઇતિહાસમાં ‘લાખો’ નામના રાજવીઓ તો ઘણા થઈ ગયા, પણ ‘ફુલાણી’ તો એક જ !

લગભગ અગિયારસો વર્ષ પહેલાં થઈ ગયેલા આ રાજવીએ તે સમયમાં પોતાના રાજ્યમાં ‘ખેડે તેનું ખેતર’ એવો શિરસ્તો અપનાવ્યો હતો તેથી લોકકવિઓએ ‘લાખોજા ધાન’ અને રોજ સવારે દાનગંગા વહેવડાવનાર આ રાજવી માટે ‘લાખેજે પ્હોર’ જેવા રૂઢિપ્રયોગો પણ કર્યા છે. લાખો ફુલાણી વિશે કચ્છની ધરા પર અનેક કિંવદંતીઓ પ્રચલિત છે.

લાખો ફુલાણીએ અનેક રાજવીઓ સાથે યુદ્ધમાં ઊતરીને તેમને પરાસ્ત કર્યા. અત્યાચારીઓ સામે લાખો સતત લડતો રહ્યો. પાટણની રાજકુંવરીના પ્રેમમાં પાગલ બનેલા આ રાજવીએ પ્રેમ ખાતર સર્વસ્વનો ભોગ આપ્યો. લાખો ફુલાણી કચ્છી લોકકથાઓમાં પ્રેમ અને શૌર્યનું પ્રતીક બની ગયો.

1976માં સૂત્રધાર ઇન્ટરનૅશનલ સંસ્થા દ્વારા લાખો ફુલાણીની લોકકથા પર આધારિત ગુજરાતી ચલચિત્ર ‘લાખો ફુલાણી’નું સર્જન થયું. આ ચલચિત્રના નિર્માતા દિગંત ઓઝા અને રૂપા નિરંજન મહેતા અને દિગ્દર્શક નરેન્દ્ર દવે હતાં. ગીતો અવિનાશ વ્યાસ રચિત હતાં. સંગીતકાર ગૌરાંગ વ્યાસ હતા, જેમનું સ્વતંત્ર સંગીતકાર તરીકે આ પ્રથમ ચલચિત્ર હતું. મુખ્ય કલાકારોમાં રાજીવ, રીટા ભાદુરી, પી. ખરસાણી, ભારતભૂષણ, નલિન દવે, નયન ભટ્ટ, હંસા લાકોડ, જયેન્દ્ર મિશ્રા અને ચાંપશીભાઈ નાગડા હતાં. ચલચિત્રનાં પાંચ ગીતોમાં સ્વર આપનાર આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, પ્રીતિ સાગર, મહેન્દ્ર કપૂર, પ્રફુલ્લ દવે અને ભૂપિન્દર હતાં. આ ચલચિત્રનું લોકગીત ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો….’ પ્રફુલ્લ દવે અને સુમનના કંઠમાં હતું. પાર્શ્વગાયક પ્રફુલ્લ દવેનું આ પ્રથમ ચલચિત્ર હતું. આ મણિયારો ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું.

હરીશ રઘુવંશી