લાખોટા આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ : જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહે 1946માં જામનગરમાં સ્થાપેલું પુરાતત્વીય મ્યુઝિયમ. જામનગરના લાખોટા સરોવરની વચ્ચે 1839માં બંધાયેલા લાખોટા કોઠી નામના મકાનમાં આ મ્યુઝિયમ પ્રતિષ્ઠિત છે અને 1960થી તેનો વહીવટ ગુજરાત સરકાર હસ્તક છે.
જામનગરની આસપાસ આવેલા પીંઢારા, ગાંધવી અને ઘૂમલીમાંથી મળી આવેલા સાતમીથી માંડીને અઢારમી સદી સુધીનાં શિલ્પો આ મ્યુઝિયમના મુખ્ય સંગ્રહમાં સ્થાન પામે છે. એ ઉપરાંત કેટલીક હસ્તપ્રતો, તામ્રપત્રો, શિલાલેખો તથા જામનગર તાલુકામાંથી મળી આવેલા બે હજાર વરસ જૂનાં માટીનાં વાસણોનાં ઠીકરાં પણ અહીં સંગૃહીત છે.
આ મ્યુઝિયમનાં પથ્થરનાં કુલ 77 શિલ્પોમાંથી કેટલાંક મહત્વનાં શિલ્પોમાં એક દ્વારપાળ (અઢારમી સદી), ચાર હાથીઓ અને એક કળશ સાથેની ગજલક્ષ્મી (અગિયારમી સદી), છ હાથવાળા જમણી સૂંઢ ધરાવતા ગણપતિ, મૃદંગવાદક ગાંધર્વ, બ્રહ્મા, વીસ હાથવાળી મહિષાસુરમર્દિની (નવમી સદી), વરાહાવતાર, ઉમા-મહેશ્વર, છડીદાર, વીણાધારી અપ્સરા, સૂર્ય તથા સૂર્યાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાત ધાતુપ્રતિમાઓ, છાસઠ વસ્ત્રો તથા છત્રીસ કાચનાં વાસણો અને પ્રતિમા છે. આ મ્યુઝિયમમાં પ્રાકૃતિક ઇતિહાસ વિભાગ પણ છે. તેમાં મસાલા ભરેલાં સિંહ, સાબર, હરણ, નીલગાય, મગર તથા 14 મીટર લાંબું વહેલનું એક હાડપિંજર પણ છે.
અમિતાભ મડિયા