લાખિયા, કુમુદિની (જ. 17 મે 1930, મુંબઈ) : કથક નૃત્યશૈલીનાં વિખ્યાત નૃત્યાંગના, કલાગુરુ તથા ‘કદંબ’ નૃત્યસંસ્થાનાં સંસ્થાપક-નિયામક. મૂળ નામ કુમુદિની જયકર. પિતાનું નામ દિનકર તથા માતાનું નામ લીલા. પરિવારમાં નૃત્ય અને સંગીતને વિદ્યાકીય પ્રવૃત્તિઓ જેટલું જ મહત્વનું સ્થાન અપાતું હતું. માત્ર નવ વર્ષની વયે કથક નૃત્યશૈલીની તાલીમ લેવાની શરૂઆત કરી. લાહોર ખાતેની ક્વીન મેરી હાઇસ્કૂલમાં ભણવાની સાથોસાથ નૃત્યની આરાધના પણ ચાલુ રાખી. અલ્લાહાબાદના કૃષિ મહાવિદ્યાલયમાં અભ્યાસ કર્યો અને કૃષિ વિજ્ઞાનમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી, પરંતુ જીવનનું મુખ્ય ધ્યેય બાલ્યાવસ્થાથી જ નૃત્યક્ષેત્રે કારકિર્દી ઘડવાનું રહ્યું હતું અને છેલ્લા છ દાયકા ઉપરાંતના સમયગાળા દરમિયાન તે ધ્યેયને નિષ્ઠાથી વળગીને રહ્યાં છે.
1947માં આકસ્મિક રીતે વિખ્યાત નૃત્યકાર રામ ગોપાલ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત એક નૃત્ય-નાટિકામાં તેમની સાથે નૃત્યાંગના તરીકે સામેલ થવાનું આમંત્રણ મળ્યું, જેના પરિણામસ્વરૂપ તેમની સાથે વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ ખેડ્યો ત્યારે માત્ર સત્તર વર્ષની વય ધરાવતી આ યુવા નૃત્યાંગના રામ ગોપાલના વૃંદનાં તે સમયે સૌથી નાની વયનાં કલાકાર હતાં. વિશ્વના દેશોના પ્રવાસથી પાછાં આવ્યા પછી તરત જ કુમુદિની લાખિયાને નવી દિલ્હી ખાતેના ભારતીય કલાકેન્દ્ર ખાતે શંભુ મહારાજના માર્ગદર્શન હેઠળ નૃત્યની વિશેષ તાલીમ લેવા માટેની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ. આને પરિણામે તેમને ઉત્કૃષ્ટ નૃત્યાંગના તરીકે પ્રસિદ્ધિ તો પ્રાપ્ત થઈ જ, પરંતુ તેની સાથોસાથ પંડિત બિરજુ મહારાજ જેવા કથક નૃત્યના જાણીતા કલાકારોની સાથે નૃત્ય-નાટિકાઓમાં સહિયારાં નૃત્યો રજૂ કરવાની તક પણ મળતી ગઈ. બૅંગાલુરુના નૃત્ય-ગુરુ યુ.એસ. કૃષ્ણરાવના માર્ગદર્શન હેઠળ તેમણે ભારત નાટ્યમ્ શૈલીની તાલીમ પણ મેળવી છે. થોડાંક વર્ષો સુધી આ રીતે કારકિર્દી ઘડ્યા પછી તેમણે તેમનું સમગ્ર ધ્યાન ઊગતા કલાકારોને કથક નૃત્યશૈલીની તાલીમ આપવા પર કેન્દ્રિત કર્યું અને વીસમી સદીના છઠ્ઠા દાયકામાં તે માટેની પ્રવૃત્તિઓ શરૂ કરી, જેના પરિણામ રૂપે 1967માં અમદાવાદ નગરમાં કદંબ નૃત્ય-સંગીત કેન્દ્રની સ્થાપના કરી છે. ત્યારથી છેલ્લા લગભગ સાડાત્રણ દાયકાના ગાળા દરમિયાન આ સંસ્થાની માવજત અને વિકાસમાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. ઉપર્યુક્ત સંસ્થાની નિશ્રામાં તેમના થકી જે લાક્ષણિક કાર્ય થયું છે તેના પર તેમના વ્યક્તિત્વ અને દૂરંદેશીપણાની છાપ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. કથક નૃત્યશૈલીની બાબતમાં તેમના સર્વાંગીણ અને અભિનવ દૃષ્ટિકોણને લીધે તે ક્ષેત્રમાં એક નવા યુગનાં મંડાણ થયાં છે એમ માનવામાં આવે છે. આ સંસ્થા હવે ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાં તાલીમ માટે ખ્યાતિ ધરાવે છે. અહીં તાલીમ લેનાર પોતાના શિષ્યોને કથક ઉપરાંત નૃત્યનાં અન્ય ક્ષેત્રો પ્રતિ પણ કુમુદિની લાખિયા પ્રેરે છે.
તેમણે અત્યાર સુધી વિશ્વના જે જે દેશોમાં ‘કદંબ’ના નેજા હેઠળ નૃત્ય-નાટિકાઓ તથા અન્ય કાર્યક્રમો રજૂ કર્યાં છે તેની સર્વત્ર પ્રશંસા થઈ છે અને એ રીતે વિશ્વસ્તર પર કથક તથા ગુજરાતનું નામ રોશન કરવામાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે. સંગીત, પોષાક, નૃત્યનિદર્શન અને દૃશ્યશ્રાવ્યનો અનોખો અનુભવ આપનાર તેમની નૃત્ય-નાટિકાઓએ વિશ્વના ટોચ નૃત્યસમારોહોમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમના નૃત્ય દિગ્દર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલાં નૃત્ય સંયોજનોમાં 1969–2002 સુધીના ગાળામાં ત્રીસ જેટલાં નૃત્ય-સંયોજનોનો સમાવેશ થાય છે.
તેમને અનેક ઍવૉર્ડોથી નવાજવામાં આવ્યાં છે; દા.ત., 1972માં વડોદરાની ‘ત્રિવેણી’ સંસ્થા દ્વારા એનાયત થયેલ એવૉર્ડ, 1973માં ક્યૂબા ખાતે અર્પવામાં આવેલ ‘હાઇયેસ્ટ આર્ટિસ્ટિક મેરિટ’ ઍવૉર્ડ, 1977માં અપાયેલો અખિલ ભારતીય સંગીત-નાટક અકાદમી ઍવૉર્ડ, 1978માં સંગીતપીઠ મુંબઈ દ્વારા અર્પવામાં આવેલ ‘નૃત્યવિલાસ’ ઍવૉર્ડ, 1982માં સંગીત-નાટક સંગમ ભોપાલ દ્વારા ‘કલારત્ન’ ઍવૉર્ડ અને તે જ વર્ષે અપાયેલ સંગીત-નાટક અકાદમી નૅશનલ ઍવૉર્ડ, 1983માં વિશ્વ ઉન્નયન સંસદ દ્વારા અર્પવામાં આવેલી માનદ ડૉક્ટરેટની ઉપાધિ, 1987માં ભારત સરકાર દ્વારા અપાયેલ ‘પદ્મશ્રી’, 1990માં અર્પવામાં આવેલો ગુજરાત રાજ્યનો પંડિત ઓમકારનાથ ઠાકુર ઍવૉર્ડ, 1997માં અપાયેલો અમદાવાદનો ‘નગરભૂષણ’ ઍવૉર્ડ તથા વર્ષ 2002માં મધ્યપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલું કાલિદાસ સન્માન. નૃત્યમાં આગવા પ્રદાન માટે 2021નો પદ્મભૂષણ સવ્યસાચી સારસ્વત એવોર્ડ શ્રીમતી કુમુદિનીબહેન લાખિયાને એનાયત થયો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
પ્રકૃતિ કાશ્યપ