લાકડાવાલા ડી. ટી. (જ. 4 ઑક્ટોબર 1916, સૂરત; અ. 15 એપ્રિલ 1992, આણંદ) : ભારતના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ. આખું નામ ધનસુખલાલ તુલસીદાસ લાકડાવાલા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે મુંબઈમાં લીધું હતું. 1933ના વર્ષમાં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં આખી યુનિવર્સિટીમાં તેઓ છઠ્ઠા નંબરે ઉત્તીર્ણ થયા હતા. 1937માં અર્થશાસ્ત્ર સાથે બી. એ. કર્યું. 1937 –39 દરમિયાન મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ખાતે અર્થશાસ્ત્ર તથા સમાજશાસ્ત્ર વિષયો રાખીને એમ.એ.ની પદવી મેળવી. તત્કાલીન પરંપરા પ્રમાણે એમ.એ.ના અભ્યાસની સાથે તેમણે એલએલ.બી.નો અભ્યાસ પણ કર્યો અને 1939માં બંને પદવીઓ પ્રાપ્ત કરી. અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી તુરત જ તેમણે પ્રોફેસર સી. એન. વકીલના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમના સંશોધન-નિબંધનો વિષય હતો : ‘ભારતમાં કરવેરાના ક્ષેત્રે ન્યાય – ગુજરાતના સંદર્ભમાં’.

1943માં તેઓ મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ સોશિયૉલૉજીમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. 1948–49નું શૈક્ષણિક વર્ષ તેમણે અમેરિકામાં હાર્વર્ડ, પ્રિન્સ્ટન તેમજ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ ખાતે ગાળ્યું. 1949માં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગમાં રીડર બન્યા અને 1956માં પ્રોફેસર બન્યા. 1966–77 દરમિયાન તેઓ અર્થશાસ્ત્ર વિભાગના વડા હતા. જૂન, 1977માં આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થતાં માર્ચ, 1978માં તેમણે અર્થશાસ્ત્ર વિભાગમાંથી રાજીનામું આપ્યું હતું. અવસાન-સમયે તેઓ અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ ખાતે નિવૃત્ત અધ્યાપક તરીકે અને મુંબઈની સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીના માનાર્હ નિયામક તરીકે કામગીરી બજાવતા હતા.

ડી. ટી. લાકડાવાલા

ડૉ. લાકડાવાલાની સુદીર્ઘ કારકિર્દી અનેકવિધ પ્રવૃત્તિઓથી ભરેલી હતી. તેમણે 24 જેટલાં સરકારનિયુક્ત પંચો, સમિતિઓ કે કાર્યજૂથોમાં કામગીરી બજાવી હતી. તેમાંનાં કેટલાંક નામો : મહારાષ્ટ્ર સરકારની જીવનનિર્વાહ ખર્ચ માટેનો સૂચક આંક તૈયાર કરવા માટેની સમિતિ; સિમેન્ટ, લોખંડ-પોલાદ તથા બંદરો પર કામ કરતા કામદારો માટેનાં વેતન-બૉર્ડ; ભારત સરકારે મોંઘવારી ભથ્થાનાં ધોરણો નિર્ધારિત કરવા માટે રચેલું પંચ; પાંચમું નાણાપંચ; ગુજરાત સરકારે ઑક્ટ્રૉય અંગે રચેલી સમિતિ; ઉત્તરપ્રદેશની સરકારે કરવેરા અંગે નીમેલી સમિતિ વગેરે. આવાં વિભિન્ન ક્ષેત્રો માટેની નિષ્ણાત – સમિતિઓ અને પંચોમાં તેમણે કામગીરી બજાવી હોવાથી દેશની વિવિધ આર્થિક સમસ્યાઓને વ્યવહારની ભૂમિકા ઉપર રહીને સમજવાનો મોકો તેમને મળ્યો હતો. એ જ રીતે તેમણે સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયા; જીવનવીમા નિગમ; ઇન્ડસ્ટ્રિયલ ફાઇનાન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા; બૉર્ડ ઑવ્ ટ્રેડ જેવાં સંગઠનોના નિયામક-મંડળના સભ્ય તરીકે પણ કામગીરી બજાવી હોવાથી આર્થિક અને નાણાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓની કામગીરી અને સમસ્યાઓને ‘અંદર’ રહીને સમજવાની તક તેમને સાંપડી હતી.

અનેક સંસ્થાઓની સાથે સક્રિય રીતે સંકળાયેલા હોવા છતાં અને વિવિધ સમિતિઓની કામગીરીમાં વ્યસ્ત રહેવા છતાં અધ્યાપક તરીકેની પોતાની કામગીરી તેમણે નિષ્ઠાપૂર્વક બજાવી હતી. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે કાર્ય કરતા અધ્યાપક પાસેથી વર્ગકાર્ય ઉપરાંત સંશોધનકાર્યની અપેક્ષા રાખવામાં આવે છે. ડૉ. લાકડાવાલાએ આ બંને અપેક્ષાઓ સંતોષી હતી. તેમના વિદ્યાર્થી થવાનો જેમને લાભ મળ્યો હતો તેઓ સ્વાનુભવથી એ જાણતા હતા કે ડૉ. લાકડાવાલા પોતાના વિષયના એક નિષ્ણાત હોવા ઉપરાંત પોતાની રોચક અભિવ્યક્તિ દ્વારા વિષયની સુંદર માવજત કરનાર શિક્ષક પણ હતા. પૂરી તૈયારી સાથે જ તેઓ વર્ગમાં વ્યાખ્યાન આપતા હતા. મહારાષ્ટ્ર સરકારે 1971માં તેમને ઉત્તમ અધ્યાપકનો ઍવૉર્ડ આપીને તેમની કામગીરીની કદર કરી હતી.

એક સંશોધક તરીકે તેમણે ખૂબ વિપુલ લેખનકાર્ય કર્યું હતું. વિવિધ વિદ્વત્-પરિષદોમાં પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. તેમાં અખિલ ભારતીય ધોરણે કાર્ય કરતાં અર્થશાસ્ત્રનાં ત્રણ મંડળો અને ગુજરાત ઇકૉનૉમિક ઍસોસિયેશનનો સમાવેશ થાય છે. આ પરિષદોમાં તેમણે અભ્યાસપૂર્ણ અધ્યક્ષીય વ્યાખ્યાનો આપ્યાં હતાં. દેશમાં વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાતાં 12 જેટલાં સ્મારક–વ્યાખ્યાનો પણ તેમણે લેખિત સ્વરૂપે રજૂ કર્યાં હતાં. ડૉ. લાકડાવાલાનાં પોતાનાં તેમજ સહલેખકોની સાથે લખેલાં પુસ્તકોની સંખ્યા 24ની છે. તેમાં ‘ટૅક્સેશન ઍન્ડ ધ પ્લાન’, ‘યુનિયન સ્ટેટ ફાઇનાન્શિયલ રિલેશન્સ’, ‘ઇન્ટરનૅશનલ આસ્પેક્ટ્સ ઑવ્ ઇન્ડિયન ઇકૉનૉમિક ડેવલપમેન્ટ’ નોંધપાત્ર છે. પરિચય ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘વાડીલાલ ડગલી સ્મૃતિ ગ્રંથાવલિ’નું પ્રથમ પુસ્તક ‘આયોજનનું સરવૈયું’  એ શીર્ષકથી તેમણે લખ્યું હતું. તેમના લેખોની સંખ્યા 195 જેટલી છે. તેમના અધ્યાપનના વિષયો જાહેર વિત્તવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર હતા, પરંતુ અભ્યાસ અને સંશોધનના વિષયોનો વ્યાપ ઘણો મોટો હતો. અર્થશાસ્ત્રના ક્ષેત્રે ઉત્કૃષ્ટ સંશોધન દ્વારા તેમણે આપેલા ફાળાની કદર રૂપે તેમને બે વખત ‘દાદાભાઈ નવરોજી પારિતોષિક’ આપવામાં આવ્યું હતું.

ભારતમાં આર્થિક, શૈક્ષણિક અને સામાજિક સંશોધનના ક્ષેત્રે ડૉ. લાકડાવાલાએ એક વહીવટકર્તા તરીકે પણ પોતાની સેવાઓ આપી હતી. તેઓ દેશની પંદરેક સંશોધનસંસ્થાઓની ગવર્નિંગ બૉડીના સભ્ય કે અધ્યક્ષ હતા. તેમાં ગુજરાતની ત્રણ સંશોધનસંસ્થાઓનો સમાવેશ થતો હતો. આ સંસ્થાઓના એક વહીવટકર્તા તરીકેનો તેમનો અભિગમ સંસ્થાઓને તેમના સ્થાપનાકાળના ઉદ્દેશોને અભિમુખ રાખવાનો હતો. એપ્રિલ, 1992માં અમદાવાદથી મુંબઈ જતાં પ્રવાસ દરમિયાન ટ્રેનમાં હૃદયરોગનો હુમલો થતાં આણંદ સ્ટેશન પર તેમનું અવસાન થયું હતું.

રમેશ ભા. શાહ