લાઓત્સે (જ. ઈ. પૂ. 604 ? અથવા ઈ. પૂ. 570–517 ?, ક્યુઝીન, હોનાન પ્રાંત; અ. ઈ. પૂ. 531 ?) : ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના સ્થાપક. તેમનું ખરું નામ લી હતું. લાઓત્સે એ કોઈ વ્યક્તિવાચક નામ નથી, પરંતુ વિશેષણ છે, જેનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ એવો થાય છે. કોન્ફ્યૂશિયસની પહેલાં, લગભગ 50 વર્ષ પૂર્વે તેઓ થઈ ગયા એમ મનાય છે. તેમને ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ તથા યહૂદી સંત ઇઝીકિયલ તેમજ અષો જરથુષ્ટ્ર વગેરેના સમકાલીન કહી શકાય. લાઓત્સે એટલે ‘વૃદ્ધ બાળક’ એવો પણ એક અર્થ થાય છે. તેમનામાં નાનપણથી જ વૃદ્ધજન જેવું ડહાપણ હતું. તેમનો સ્વભાવ ખૂબ જ નમ્ર અને નિરભિમાની હતો.
લાઓત્સેના દાર્શનિક ગ્રંથનું નામ ‘તાઓ-તે-ચિંગ’ છે. આ ગ્રંથમાં મુખ્યત્વે તેમનાં વચનામૃતનો તથા તેમના નૈતિક ઉપદેશનો સમાવેશ થાય છે. સંતનું આચરણ કેવું હોય તેનો તાદૃશ ચિતાર આ ગ્રંથમાંથી મળે છે. ‘તાઓ-તે-ચિંગ’નો અર્થ થાય છે : (1) પ્રકૃતિના નિયમોનો સિદ્ધાંત અને (2) બુદ્ધિ અને ચારિત્ર્યનો સિદ્ધાંત. તેની રચના બે વિભાગમાં અને 81 જેટલાં નાનાં પ્રકરણોમાં આશરે પાંચેક હજાર શબ્દોમાં કરવામાં આવી છે. તેમાં દૃષ્ટાંતકથાઓ અને રૂપકોનો વધુ આધાર લેવામાં આવ્યો છે.
‘તાઓ’ શબ્દનો સામાન્ય અર્થ ‘માર્ગ’ એવો થાય છે. આમ છતાં કાળક્રમે તેના વિવિધ અર્થો નિષ્પન્ન થતા આવ્યા છે, જેવા કે : (1) શુદ્ધ અને સદગુણોનો ધોરી માર્ગ; (2) વિશ્વની ભૌતિક અને નૈતિક વ્યવસ્થા; (3) તર્ક, સત્ય અને સિદ્ધાંતનો માર્ગ. પરંતુ ‘તાઓ’નો સાચો અને ગૂઢ અર્થ વિશ્વની સંચાલક પરમ શક્તિ કે પરમ ગૂઢ તત્વ એવો થાય છે. આ તત્વ સર્વવ્યાપક છે. સમસ્ત વિશ્વનું આદિ કારણ (first cause) કે જેમાંથી સમગ્ર વિશ્વ અસ્તિત્વમાં આવેલ છે, જે વિશ્વનું સંચાલક બળ છે અને અંતે વિશ્વના તમામ પદાર્થો જેમાં સમાય છે તે તત્વ. (ઉપનિષદના ‘બ્રહ્મ’ તત્વને મળતું આ ‘તાઓ’ તત્ત્વ જણાય છે.)
ચીનના આ શ્રેષ્ઠ તત્વજ્ઞાની લાઓત્સે ઘણી બધી રીતે વિશિષ્ટ હતા. તેઓ બોલતા ઓછું પણ જ્યારે કંઈ કહેતા ત્યારે તેમાં જ્ઞાનનો મહાસાગર ભરી દેતા હતા. લાઓત્સે માત્ર શબ્દોના સાધક ન હતા, અનુભૂતિના આરાધક પણ હતા. તેમને મન કોરા જ્ઞાનની કશી કિંમત ન હતી. સમગ્ર ચીનમાં તેમની ગણના એક પ્રખર ચિંતક અને ધર્મપુરુષ તરીકે થતી હતી. તેમનું જીવન જ તેમનો ઉપદેશ હતો. સૉક્રેટિસની માફક તેમણે જે ઉપદેશેલ છે તે આચરેલ છે અને જે આચરેલ છે તે જ ઉપદેશેલ છે.
કેટલાક લેખકો તો લાઓત્સેના અસ્તિત્વ વિશે જ સંદેહ ધરાવે છે, અને જેઓ તેમનું અસ્તિત્વ સ્વીકારે છે તેઓ પણ તેમના જીવન વિશે બહુ માહિતી આપી શક્યા નથી; છતાં 40 વર્ષની ઉંમર બાદ તેઓ કાઓ(Kao)ના સરકારી પુસ્તકાલયના ગ્રંથપાલ રહ્યા હતા એમ કહેવાય છે. ચાઉ રાજ્યના ગુપ્ત દફતર ભંડારમાં તેઓ દફતરદારનો માનવંતો હોદ્દો ધરાવતા હતા. આ સમયમાં કૉન્ફ્યૂશિયસે તેમની મુલાકાત લીધી હતી. તેઓ નિર્લેપભાવથી પોતાના કામમાં વ્યસ્ત રહેતા. તેઓ સ્વભાવે અંતર્મુખ હતા અને મોટાભાગનો સમય ધ્યાન-ચિંતનમાં ગાળતા હતા. ચાઉ રાજ્યનું પતન થવા લાગ્યું ત્યારે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. અનુશ્રુતિ પ્રમાણે તેમણે ભેંસ પર સવારી કરીને પ્રયાણ કર્યું હતું. તેમણે જિંદગીભર કશું લખ્યું ન હતું; પરંતુ સરહદ પાર કરતાં અમલદારે જકાત તરીકે તેમને પુસ્તક લખી આપવા જણાવ્યું, ત્યારે તેમણે તાઓ અને તેની શક્તિને સમજાવતું પુસ્તક બે ભાગમાં લખી આપ્યું. આ પછી તેઓ ક્યાં ગયા અને ક્યારે મૃત્યુ પામ્યા તે વિશે કશું જાણવા મળતું નથી.
જ્ઞાન, નિવૃત્તિ અને સદાચારના પાયા ઉપર સ્થાપિત આ ધર્મ કાળક્રમે વિકૃત થતો ગયો અને તેમાં અમરતાની જડીબુટ્ટી, જાદુ, મલિન વિદ્યા વગેરે અનિષ્ટો પ્રવેશ્યાં અને વખત જતાં તે પણ ભૂતવાદ, અનેકેશ્વરવાદ વગેરેથી ઘેરાઈ ગયો.
ચીમનલાલ વલ્લભરામ રાવળ