લાએ (Lae) : પાપુઆ ન્યૂ ગિનીના મોરોબે જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 6° 47´ દ. અ. અને 147° 12´ પૂ. રે. દેશના ઈશાન ભાગમાં હુઓનના અખાતને મથાળે મારખમ નદીના મુખ નજીક વસેલું છે. વહાણવટા માટેનું તે મોટું બંદર ગણાય છે. વળી તે મુખ્ય ઔદ્યોગિક મથક હોઈ આજુબાજુના પીઠપ્રદેશને ઘણી ઔદ્યોગિક અને વેપારી પેદાશો પૂરી પાડે છે.
1928માં અહીં હવાઈ પટ્ટી બનાવાઈ તે પહેલાં એડીની ખાડી પરનાં તેમજ બુલોલોનાં સુવર્ણક્ષેત્રોને હવાઈ સેવાની સુવિધા નજીકમાં આવેલા સાલામાઉઆ ખાતેથી પૂરી પાડવામાં આવતી હતી. ઊંચાણવાળા પ્રદેશ પર ભારે સાધનસામગ્રી લઈ જવાના હેતુથી અહીં હવાઈ પટ્ટીનું નિર્માણ કરવામાં આવ્યું. આ રીતે સ્થળ વિકસ્યું છે.
1942ના માર્ચમાં જાપાનીઓએ સર્વપ્રથમ તેના પર કબજો જમાવેલો. 1943ના સપ્ટેમ્બરની લડાઈમાં જાપાને તેને ફરીથી કબજે કરી લીધું. આ લડાઈમાં તે સંપૂર્ણપણે તારાજ થઈ ગયેલું; પરંતુ 1945માં તેને ફરીથી બાંધવામાં આવ્યું છે. 1998 મુજબ તેની વસ્તી 80,655 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા