લાઇમોનાઇટ : લોહધાતુખનિજ. જલયુક્ત ફેરિક લોહ ઑક્સાઇડ માટે વપરાતો સામાન્ય શબ્દ. લોહઅયસ્કને નામે જાણીતું બનેલું, કુદરતી અસ્ફટિકમય, દળદાર દ્રવ્ય. અશુદ્ધ ગોઇથાઇટ[FeO(OH)]ને પણ લાઇમોનાઇટ તરીકે ઓળખાવાય છે. જલયુક્ત લોહ ઑક્સાઇડ અને લોહ હાઇડ્રૉક્સાઇડના મિશ્રણથી બનેલી દ્રવ્યશ્રેણી માટે પણ આ શબ્દ વ્યાપક રીતે વપરાય છે. પહેલાં તેને ચોક્કસ બંધારણ(2Fe2O3.3H2O અથવા સમકક્ષ)વાળું ખનિજ મનાતું હતું, પરંતુ હવે તેને દળદાર અને સૂક્ષ્મ સ્ફટિકમય ઘટકોના મિશ્રણ તરીકે ઘટાવાય છે. આ ઘટકો પૈકી ગોઇથાઇટ (aFeO.OH), જેને ગરમ કરવાથી હીમેટાઇટ મળે છે, લેપિડોક્રોસાઇટ (yFe2O3) અને ટર્ગાઇટ (શોષિત જળ સહિતનું હીમેટાઇટ) મુખ્ય છે.

કુદરતમાં તે ગોલક સ્વરૂપે, અધોગામી સ્તંભરૂપે અને મૃણ્મય જથ્થારૂપે મળે છે. સામાન્ય રીતે આ પેદાશો કલિલ સિલિકા, મૃદ-ખનિજો, ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ, મૅંગેનીઝ ઑક્સાઇડ સાથે ભળેલી હોય છે. તેનો પીળો કે પીળો-કથ્થાઈ ચૂર્ણરંગ એ તેનો લાક્ષણિક ગુણધર્મ છે, અર્થાત્ તે પીળાથી માંડીને ઘેરા કથ્થાઈ અને કાળા રંગમાં  મળે છે. તેના ખૂબ જાણીતા પ્રાપ્તિ(નિક્ષેપ)પ્રકારોમાં ખનિજ-નિર્દેશકો અથવા લોહ-આચ્છાદનો (gossan-iron cappings), લાલ અને પીળા ગેરુ, પંકલોહજથ્થા અને લૅટેરાઇટનો સમાવેશ થાય છે. લાઇમોનાઇટ બંધારણવાળાં લોહઆચ્છાદનો જ્યાં મળતાં હોય ત્યાં તે સ્વસ્થાનિક ઉદભવેલાં હોઈ શકે અથવા સ્થાનાંતરિત પણ હોઈ શકે. લાઇમોનાઇટનો રંગ તેના બંધારણ, તેમાં રહેલી અશુદ્ધિઓ, તાંબાની આંશિક માત્રા, સછિદ્રતા અને ઘનિષ્ઠતા પર આધાર રાખે છે.

સ્વસ્થાની લાઇમોનાઇટનું રેખાંકન. (અ) : (c) ચાલ્કોપાયરાઇટના ઉપચયનમાંથી ઉદભવેલું અને કોટરમાં જળવાયેલું; (a, b) કોટરની આજુબાજુમાં અવશિષ્ટ લાઇમોનાઇટ. (આ) : ખાલી રહી ગયેલા કોટર (d)  સહિત, પાયરાઇટના ઉપચયનમાંથી સ્થાનાંતરિત લાઇમોનાઇટ, વિરંજિત વિભાગ (e) દ્વારા ઘેરાયેલું અને લાઇમોનાઇટના પ્રભામંડળ (b) દ્વારા ઘેરાયેલું.

તેનું રાસાયણિક બંધારણ FeO(OH).nH2O પ્રમાણે મુકાય છે; જેમાં હીમેટાઇટ, મૃદ અને મૅંગેનીઝ ઑક્સાઇડનાં સંમિશ્રણ હોઈ શકે છે. તેનો ચળકાટ કાચમયથી આછો ધાત્વિક હોય છે અને કઠિનતા 5 થી 5.5 વચ્ચે રહે છે. તેની વિશિષ્ટ ઘનતા 3.6 થી 4 સુધીની હોય છે.

ભારતમાં આંધ્રપ્રદેશમાંથી તે ગેરુ-સ્વરૂપે મેળવવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા