લાઇબેરિયા : પશ્ચિમ આફ્રિકાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 4° 15´થી 8° 30´ ઉ. અ. અને 7° 30´ થી 11° 30´ પ. રે. વચ્ચેનો 1,11,370 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. દેશની પૂર્વ–પશ્ચિમ લંબાઈ 370 કિમી. અને ઉત્તર–દક્ષિણ પહોળાઈ 338 કિમી. છે, દરિયાકિનારાની લંબાઈ 507 કિમી. જેટલી છે. તેની ઉત્તરે ગિની, પૂર્વમાં આઇવરી કોસ્ટ, દક્ષિણે આટલાંટિક મહાસાગર અને પશ્ચિમે સિયેરા લિયોન દેશ આવેલા છે. દુનિયામાં સ્વતંત્ર થયેલા જૂનામાં જૂના દેશો પૈકી તે હૈતી પછીના બીજા ક્રમે આવતો, મુખ્યત્વે અશ્વેતોથી વસેલો દેશ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા ગુલામોને મુક્ત કરીને તેમજ અન્યત્ર રહેતા બીજા ગુલામોને સામેલ કરીને 1,822માં તેમને બધાને અહીં વસાવીને આ દેશની સ્થાપના કરવામાં આવેલી. તેનું ‘લાઇબેરિયા’ નામ લૅટિન શબ્દાર્થ ‘મુક્ત ભૂમિ’ પરથી અપાયેલું છે. નૈર્ઋત્ય કિનારે આવેલું મનરોવિયા દેશનું પાટનગર છે. તેનું નામ યુ.એસ. પ્રમુખ જેમ્સ મનરો કે જેમણે લાઇબેરિયા વસાવવામાં મદદ કરેલી અને તેના વિકાસમાં વ્યવસ્થા ગોઠવી આપેલી, તેમના માનમાં અપાયેલું છે.
ભૂપૃષ્ઠ–આબોહવા : લાઇબેરિયાનું સમગ્ર ભૂપૃષ્ઠ ઈશાનથી નૈર્ઋત્ય તરફ ઢળતું છે. તેનો દરિયાકિનારો ખરબચડો છે. કિનારા પરનું સાંકડું મેદાન અંદરની ભૂમિ તરફ વિસ્તરેલું છે. ત્યાંથી ભૂમિભાગ ક્રમશ: ઊંચાઈ પ્રાપ્ત કરતો જઈ નીચી ટેકરીઓ અને ઉચ્ચપ્રદેશમાં ફેરવાય છે. ઊંચાણવાળા આ વિસ્તારમાં બોમી ટેકરીઓ અને બૉંગ હારમાળા આવેલી છે. ઉચ્ચપ્રદેશના વધુ ઊંચા ભાગોમાં સદાહરિત અને ખરાઉ વૃક્ષોવાળાં પર્ણપાતી જંગલો આવેલાં છે. વૃક્ષો પૈકી આયર્નવુડ અને મેહૉગની મુખ્ય છે. અહીંના ખીણપ્રદેશોમાં ઘાસભૂમિ અને છૂટાંછવાયાં વૃક્ષો જોવા મળે છે. લાઇબેરિયાના ઉત્તર અને વાયવ્ય ભાગોમાં વોલોગિઝી અને નિમ્બા પર્વતમાળાઓ આવેલી છે. 1,300 મીટર ઊંચાઈ ધરાવતા નિમ્બા પર્વતો અહીંનું સર્વોચ્ચ સ્થળ છે. દેશની મહત્વની નદીઓમાં આઇવરી કોસ્ટ સાથે સરહદ બનાવતી કવાલી (અથવા કવાલા) અને સેન્ટ પૉલ નદીનો સમાવેશ થાય છે. આ બે તેમજ બીજી નદીઓ ઉત્તરમાં આવેલા પર્વતોમાંથી નીકળે છે અને નૈર્ઋત્ય તરફનો સમાંતર જળપરિવાહ રચે છે.
લાઇબેરિયાની આબોહવા ગરમ અને ભેજવાળી છે. કિનારા પરનું સરેરાશ વાર્ષિક તાપમાન 27° સે. રહે છે. દેશના મોટાભાગમાં સૂકી અને વરસાદવાળી બે ઋતુઓ પ્રવર્તે છે. કિનારા પર સૂકી ઋતુનો ગાળો ડિસેમ્બરથી માર્ચ સુધીનો, પરંતુ અંદરના ભાગોમાં તે લાંબો રહે છે. કિનારા નજીક સરેરાશ વાર્ષિક વરસાદ 5,100 મિમી. અને અંદરના ભાગોમાં 2,200 મિમી. જેટલો પડે છે.
લાઇબેરિયામાં એક કાળે જંગલી પ્રાણીઓનો પુષ્કળ વસવાટ હતો, પરંતુ શિકારીઓએ મોટાભાગનાં પ્રાણીઓને મારી નાખ્યાં હોવાથી તેમની સંખ્યા ઘટી ગઈ છે; તેમ છતાં પૂર્વ અને વાયવ્ય ભાગોમાં હજી કેટલાક હાથી, ઠીંગણા હિપોપૉટેમસ, સાબર અને દીપડાઓ જોવા મળે છે.
અર્થતંત્ર : દેશના આશરે 75 % લોકો ખેતીમાં રોકાયેલા હોવા છતાં ખેતપેદાશોનો હિસ્સો દેશના કુલ પેદાશી મૂલ્યના માત્ર 20 % જેટલો જ છે. સેવા ઉદ્યોગોમાંથી મળતો હિસ્સો 54 % જેટલો થાય છે. દેશના 16 % લોકો સેવા-ઉદ્યોગોમાં રોકાયેલા છે. ખાણક્ષેત્રમાં માત્ર 6 % લોકો જ કામ કરે છે, પરંતુ તેમાંથી મળતો હિસ્સો 14 % જેટલો થાય છે. ઔદ્યોગિક ઉત્પાદન તથા બાંધકામ ક્ષેત્રમાં 3 % લોકો જ રોકાયેલા છે અને તેમાંથી 12 % હિસ્સો મળે છે.
ખેતી લાઇબેરિયાના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ઘણાં કુટુંબો પોતાની માલિકીનાં નાનાં ખેતરોમાં ડાંગર, કસાવા, શેરડી અને અયનવૃત્તીય ફળોની ખેતી કરે છે. મોટાભાગના ખેડૂતો ઘેટાં, બકરાં, ડુક્કર તેમજ અન્ય ઢોર પાળે છે. તેઓ પરંપરાગત પદ્ધતિથી ખેતી કરે છે, પરંતુ હવે કેટલાક આધુનિક યંત્રસામગ્રી અપનાવતા થયા છે, વળી તેઓ કૌટુંબિક જરૂરિયાત પૂરતું જ અનાજ ઉગાડતા હોવાથી દેશને શહેરી લોકો માટે અનાજની આયાત કરવી પડે છે.
વિદેશી કંપનીઓ દ્વારા અહીં આધુનિક પદ્ધતિ દ્વારા મોટા પાયા પર કરવામાં આવતી રબરની ખેતીમાં ઘણા લોકોને કામ મળી રહે છે. દેશમાં રબરનું પુષ્કળ ઉત્પાદન થતું હોવાથી તેની નિકાસ થાય છે. કેળાં પણ અહીંની અગત્યની પેદાશ છે. અન્ય નિકાસી ચીજોમાં કેકાઓ (જેમાંથી કોકો બને છે) અને કૉફીનું વાવેતર પણ સારા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત જંગલોમાંથી મેળવાતાં લાકડાં મકાનોના બાંધકામ અને ઇંધનમાં વપરાય છે. બાકીનાં લાકડાંની નિકાસ થાય છે.
સેવા-ઉદ્યોગોની આર્થિક પ્રવૃત્તિઓમાં માલ ઉત્પાદન કરતાં બેકારી-નિવારણ માટે નોકરીઓને વધુ મહત્વ અપાય છે. તેથી આ ઉદ્યોગ દેશના અર્થતંત્રને ટકાવી રાખવામાં મદદરૂપ બની રહેલો છે. સેવા-ઉદ્યોગમાં સરકારી પ્રવૃત્તિઓ, નાણાં, વીમો અને મિલકતનો સમાવેશ થાય છે.
ખાણક્ષેત્રે નિકાસ માટે મહત્વનું બની રહેલું લોહઅયસ્ક દેશને ઘણી આવક મેળવી આપે છે. અહીં ઇટાલિયનો અને જર્મનોની માલિકીની કંપની દ્વારા દેશનું મોટાભાગનું લોહઅયસ્ક ખોદી કઢાય છે. લાઇબેરિયાના સર્વેક્ષકો સોના અને હીરાનું થોડા પ્રમાણમાં ખનન કરે છે.
ઉત્પાદનક્ષેત્રે અહીંનાં કારખાનાં ખેતપેદાશો, જંગલપેદાશો અને ખાણપેદાશોમાં જુદી જુદી ચીજવસ્તુઓ તૈયાર કરે છે. અહીં આ ઉપરાંત તેલ-રિફાઇનરી, સાબુ, પીણાં અને સ્ફોટક દ્રવ્યો બનાવવાના ઉદ્યોગો પણ આવેલા છે.
પરિવહન–સંદેશાવ્યવહાર : લાઇબેરિયાના ઘણાખરા રસ્તા કાચા છે. ખાણકંપનીઓ દ્વારા બાંધેલી રેલવે મારફતે ખાણો તથા મનરોવિયા અને બુચાનન વચ્ચે માલની હેરફેર થતી રહે છે. મનરોવિયા ખાતે બે હવાઈ મથકો આવેલાં છે. બહુ જ ઓછા નિવાસીઓ મોટર રાખી શકે છે. શહેરીઓ બસ કે ટૅક્સીનો ઉપયોગ કરે છે અથવા ચાલતા જાય છે. ગામડાંમાં વસતા લોકો તો પગે ચાલીને જ પોતાનાં કામ કરે છે. લાઇબેરિયા પાસે પોતાની માલિકીનાં બહુ જ ઓછાં જહાજો છે. અહીં કરવેરા ઓછા હોવાથી વિદેશી વહાણો નોંધણી-ફી ભરીને માલની હેરફેર કરે છે.
દેશમાં ત્રણ દૈનિક વર્તમાનપત્રો બહાર પડે છે. અહીં સરેરાશ ચાર વ્યક્તિદીઠ એક રેડિયો હોય છે, જ્યારે દેશના માત્ર 2 % લોકો ટીવી સેટ ધરાવે છે.
વસ્તી–લોકો : 2000માં લાઇબેરિયાની વસ્તી આશરે 32.6 લાખ નોંધાયેલી છે. વસ્તીની ગીચતા દર ચોકિમી. દીઠ 24 વ્યક્તિની છે. દેશમાં ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 56 % અને 44 %નું છે. મોટા ભાગની વસ્તી અશ્વેતોની છે, બાકીના પૈકી અમેરિકા, પશ્ચિમ યુરોપિયનો, લેબેનૉનવાસીઓ અને ભારતીય સમૂહના લોકો થોડા પ્રમાણમાં છે. અહીંના અશ્વેતોમાં બે પ્રકારનાં લોકજૂથો જોવા મળે છે : અહીં સેંકડો વર્ષોથી વસતા મૂળ આફ્રિકી મિશ્ર પ્રજાના અમેરિકી લાઇબેરિયન વંશજો. મૂળ આફ્રિકી અશ્વેતો જુદી જુદી 16 જાતિઓમાં વહેંચાયેલા છે અને તેમની વસ્તી 95 % જ્યારે અમેરિકી લાઇબેરિયનો 5 % જ છે. અમેરિકી લાઇબેરિયનો કાંઠા પરનાં શહેરો અને નગરોમાં રહે છે, તેઓ પ્રમાણમાં વધુ સુખી છે. આ કારણે મુલકી અશ્વેતોએ 1980માં બળવો કરેલો, જેને અમેરિકી લાઇબેરિયનો દ્વારા દેશની રાજકીય વ્યવસ્થા જાળવવા દાબી દેવામાં આવેલો, પરંતુ બળવાને કારણે મુલકી અશ્વેતોને પણ સત્તામાં સામેલ કરવા પડેલા.
શહેરોમાં વસતા આશરે 45 % લોકો પૈકી ઘણાખરાનું જીવનધોરણ પ્રમાણમાં ઊંચું રહે છે. શહેરી આવાસો, દુકાનો, સિનેમા-થિયેટરોની ઇમારતો મોટી છે, બહુ જ ઓછા શહેરીઓ પતરાંનાં છાપરાંવાળાં લાકડાનાં નાનાં મકાનોમાં રહે છે. તેઓ વીજળી અને પાણીની સુવિધાઓ પણ ધરાવે છે. તેઓ શાળાઓ, દુકાનો, કારખાનાં તેમજ સરકારી કાર્યાલયોમાં કામ કરે છે. બીજા ઘણા પૈકી કેટલાક ડૉક્ટરો, શ્રમિકો, ટૅક્સીડ્રાઇવરો અને નોકરિયાતો છે. કેટલીક શહેરી સ્ત્રીઓ ખેતરોમાં કામ કરવા ગામડાંમાં પણ જાય છે. ગ્રામીણ વિસ્તારો નાનાં-નાનાં ગામડાંમાં વહેંચાયેલા છે. તેમનાં ઘર ઘાસનાં છાપરાંવાળાં અને કાદવથી બનાવેલાં હોય છે. મોટાભાગનાં ગામડાંનાં ઘરોમાં વીજળી કે પાણીની સુવિધાઓ ઉપલબ્ધ નથી. તેઓ ખેતીનું, માછીમારીનું કે વિદેશી જહાજોમાં મજૂરીનું કામ કરે છે. શહેરી અને ગ્રામીણ લોકો સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે.
દેશની આશરે 30 % વસ્તી ખ્રિસ્તી અને 20 % મુસ્લિમ છે; ગ્રામીણ વસ્તી પરંપરાગત ધર્મ પાળે છે અથવા પોતપોતાની જાતિની માન્યતાઓને અનુસરે છે. અંગ્રેજી અહીંની સત્તાવાર ભાષા છે. તે સરકારી કાર્યાલયો, શાળાઓ અને ધંધા-વ્યવસાયોમાં ઉપયોગમાં લેવાય છે; પરંતુ દરેક જાતિજૂથને તેમની પોતાની ભાષા કે બોલી હોય છે. લાઇબેરિયાની શિક્ષણ-પ્રથામાં છ વર્ષ પ્રાથમિક અને છ વર્ષ માધ્યમિક કક્ષાનાં હોય છે. કેટલીક શાળાઓ સરકારી સહાયથી તો કેટલીક મિશનરી દ્વારા ચાલે છે. 12 ધોરણ પૂરાં કરવાનું કાયદેસર ઠરાવાયું હોવા છતાં માત્ર 60 % બાળકો જ આ જરૂરિયાતને પૂરી કરે છે. છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું રહે છે. ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓનું પ્રમાણ ઓછું છે; એટલું જ નહિ, શિક્ષકો તેમજ શિક્ષણસાધનો અને સુવિધાઓનું પ્રમાણ પણ ઓછું છે. દેશમાં માત્ર એક યુનિવર્સિટી, એક કૉલેજ અને ત્રણ તકનીકી/વ્યાવસાયિક સંસ્થાઓની સગવડ છે. દેશના માત્ર એક ટકાથી પણ ઓછા લોકો માધ્યમિક કક્ષાથી ઉપરનું શિક્ષણ લે છે અને દેશના માત્ર ત્રીજા ભાગના લોકો જ લખીવાંચી જાણે છે.
વહીવટ : સરકારી વહીવટમાં પ્રમુખનો હોદ્દો સર્વોચ્ચ ગણાય છે. મતદારો છ-વર્ષીય સત્ર માટે પ્રમુખની ચૂંટણી કરે છે. સરકારી વહીવટ માટે પ્રમુખ પ્રધાનમંડળ નીમે છે. વિધાનસભા (legislative assembly) દેશના કાયદા પસાર કરે છે. આ સભા 26 સભ્યોની સેનેટ અને 64 સભ્યોના પ્રતિનિધિગૃહની બનેલી હોય છે. મતદારો સેનેટસભ્યોને ચાર વર્ષના સત્ર માટે અને ગૃહના સભ્યોને છ વર્ષના સત્ર માટે ચૂંટે છે. દેશના 18 વર્ષના કે તેથી મોટા નાગરિકોને મતાધિકાર હોય છે. લાઇબેરિયાને વહીવટી સરળતા માટે 13 વિભાગોમાં વહેંચી નાખેલું છે. દરેક વિભાગ માટે પ્રમુખ દ્વારા નિયુક્ત એક સુપ્રિન્ટેન્ડન્ટ હોય છે. લાઇબેરિયામાં નૅશનલ ડેમૉક્રેટિક પાર્ટી, લાઇબેરિયા ઍક્શન પાર્ટી, લાઇબેરિયન યુનિફિકેશન પાર્ટી અને યુનિટી પાર્ટી નામના ચાર રાજકીય પક્ષો કાર્યરત છે.
અહીંની ન્યાયપ્રથામાં સુપ્રીમ કૉર્ટ સર્વોચ્ચ સ્થાને છે. તેમાં ચાર સહકાર્યકારી ન્યાયાધીશો સહિત એક મુખ્ય ન્યાયાધીશ હોય છે. તેમની નિયુક્તિ પ્રમુખ દ્વારા થાય છે. નીચલી કૉર્ટપ્રથા અને ન્યાયાધીશો અન્ય આફ્રિકી દેશોને સમકક્ષ છે.
ઇતિહાસ : અહીંના મૂળ અશ્વેતોના પૂર્વજો બારમીથી સોળમી સદી વચ્ચેના ગાળામાં સુદાનમાંથી આવેલા હોવાનું કહેવાય છે. પંદરમી સદીમાં પૉર્ટુગીઝોએ કિનારાના લોકો સાથે વેપાર શરૂ કરેલો. તેઓ હાથીદાંત, મસાલા અને ગુલામોના બદલામાં જરૂરી ચીજવસ્તુઓ આપતા. અહીંનાં માલાગ્વેટા મરીની ઘણી કિંમત ઊપજતી. પોર્ટુગીઝો તેને ‘સ્વર્ગીય દાણો’ કહેતા. આ કારણે જ અહીંનો કિનારા-પ્રદેશ ‘ગ્રેઇન કોસ્ટ’ તરીકે ઓળખાય છે.
અઢારમી સદીના અંતમાં અને ઓગણીસમી સદીની શરૂઆતમાં યુ.એસ.માં ગુલામોની મુક્તિને કારણે કેટલાક પ્રશ્ર્નો ઊભા થયેલા. તે માટે અમેરિકન કૉલનાઇઝેશન સોસાયટી (ACS) સ્થપાઈ. તેમણે ગ્રેઇન કોસ્ટ પર કેટલીક ભૂમિ ખરીદી, 1822માં ત્યાં મનરોવિયા વસાવ્યું. ગુલામોને લાવીને અહીં વસાવ્યા. યુ.એસ. નૌકાદળનાં વહાણોમાં ગેરકાયદે લવાયેલા ગુલામો પણ તેમની સાથે મનરોવિયા આવીને વસ્યા. નવા આવેલા આ મુક્ત ગુલામોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પૂરતો ખોરાક ન મળવાથી ઘણા મૃત્યુ પામ્યા. અહીંના મૂળ અશ્વેતો પોતાની જમીનો ગુમાવવાની બીકથી સંઘર્ષો કરતા રહેતા.
1838માં મનરોવિયાની વસાહતે અહીંની સ્થાયી વસાહતો સાથે ભળીને લાઇબેરિયાની કૉમનવેલ્થની રચના કરી. તેમણે પોતાના પ્રશ્નો તો ઉકેલ્યા, પરંતુ કૉમનવેલ્થનો દોરીસંચાર ACS હસ્તક હતો. વર્જિનિયાનો અમેરિકી લાઇબેરિયન જૉસેફ જેનકિન્સ રૉબર્ટ્સ ગવર્નર બન્યો. તેણે આયાત-નિકાસ વેપાર પર વેરા નાખ્યા. યુરોપિયનોએ કૉમનવેલ્થના આ અધિકાર સામે પ્રતિકાર કર્યો. તેમાંથી અહીંના વસાહતીઓ અને ACS વચ્ચે તકરારો થઈ. ઘણા અમેરિકી લાઇબેરિયનોએ સ્વતંત્રતાની માગણી મૂકી. 1847ની જુલાઈની 26મી તારીખે લાઇબેરિયા સ્વતંત્ર બન્યું. રૉબર્ટ્સ તેનો પ્રથમ પ્રમુખ બનેલો.
આયાત–નિકાસ પર નંખાયેલા વેરાને કારણે વખત જતાં લાઇબેરિયાને વેપાર મોંઘો પડવા લાગ્યો. વેપાર ઘટતો ગયો તેથી અર્થતંત્રને અસર થઈ. ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના પ્રારંભમાં લાઇબેરિયાને બિલોની રકમો ચૂકવવા વિદેશોમાંથી ધિરાણ લેવું પડ્યું. આ રીતે વેરાઓ લાદવાનો સિલસિલો વધતો ગયો. 1926માં અમેરિકન ફાયરસ્ટોન કંપનીને અહીં રબરનાં વૃક્ષો ઉગાડવા ઘણી ભૂમિ પરવાને આપી. તેના ભાડામાંથી આવક થઈ, વળી રબરની ખેતીમાં ઘણા લાઇબેરિયનોને નોકરીઓ પણ મળી.
1944માં વિકાસવાદી સુધારાવાદી અને સમર્થ નેતા વિલિયમ વી. એસ. ટબમૅન પ્રમુખ બન્યા. તેમણે અર્થતંત્રને બેઠું કરવા અને અશ્વેતોનાં બંને જૂથોને એક કરવા કમર કસી. વિદેશી વેપાર વિસ્તર્યો, લોહઅયસ્કનું ઉત્પાદન વધ્યું. અર્થતંત્રમાં સ્થિરતા આવી. 1971માં ટબમૅન મૃત્યુ પામ્યા. વિલિયમ આર. ટોલબર્ટ (જુનિયર) પ્રમુખ બન્યા. ટબમૅનની નીતિઓને વળગી રહેવા છતાં લોહઅયસ્ક અને રબરના ભાવ દુનિયાના બજારમાં ઘટ્યા અને અર્થતંત્રને ફટકો પડ્યો. 1979માં ડાંગરના ભાવો વધવાથી હુલ્લડો થયાં. પરિણામે શ્રીમંતો સમૃદ્ધ થયા. ગરીબો વધુ ગરીબ બન્યા.
1980માં અહીંના મૂળ અશ્વેતોથી બનેલા નાના લશ્કરી જૂથે ટોલબર્ટની હત્યા કરી અને સરકારી વહીવટ લઈ લીધો. તેમણે લશ્કરી સાર્જન્ટ સૅમ્યુઅલ ડોને પ્રમુખ બનાવ્યા. 1984માં નવું બંધારણ મંજૂર થયું. 1985માં ચૂંટણીઓ યોજાઈ. ડો ફરીથી પ્રમુખ બન્યા અને તેમનો પક્ષ સત્તા પર આવ્યો. 1986માં નવી સરકારે સત્તા ગ્રહણ કરી. 1990માં ગિયો અને મૅનો જાતિસમૂહોએ ડોના જૂથ તેમજ મિત્ર જૂથો સામે લોહિયાળ આંતરયુદ્ધ કર્યું. ડોને પકડીને તેની હત્યા કરાઈ. આ જૂથો સરકારી સત્તા કબજે કરવા મથી રહ્યા હતા. પશ્ચિમ આફ્રિકી શાંતિ દળો કાયદો અને વ્યવસ્થા જાળવવા લાઇબેરિયા આવ્યાં. 1990ના નવેમ્બરમાં બધા પક્ષો યુદ્ધ અટકાવી દેવા કબૂલ થયા. વચગાળાની સરકાર રચવામાં આવી અને પાટનગરનો કબજો લેવામાં આવ્યો. 1993માં શાંતિ સ્થાપવા OAU અને UN વચ્ચે કરાર કરવામાં આવ્યો; પરંતુ તેનો તુરત ભંગ થયો. 1995માં ઘાનિયન દ્વારા રજૂ કરવામાં આવેલી શાંતિ યોજનાનો સ્વીકાર થયો. 1996માં પાટનગર ખાતે ફરી વાર સંઘર્ષ શરૂ થયો. અમેરિકા દ્વારા શાંતિ માટેની યોજના મૂકવામાં આવી. રૂથ પેરી સર્વપ્રથમ નારી-પ્રમુખ તરીકે નિમાયાં.
ગિરીશભાઈ પંડ્યા