લાંઝોઉ (લાન-ચોઉ, Lanzhou) : ઉત્તર-મધ્ય ચીનના ગાન્શુ પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 36° 03´ ઉ.અ. અને 103° 41´ પૂ. રે.. મધ્યયુગ દરમિયાન તે ચીનનું પ્રવેશદ્વાર ગણાતું હતું. એ સમયગાળા વખતે પશ્ચિમ તરફ જતો વણજાર-માર્ગ ‘રેશમી માર્ગ’ તરીકે ઓળખાતો હતો, તથા આ શહેર એ માર્ગ પરનું ઘણું જ મહત્વ ધરાવતું મથક હતું. માર્કો પોલો તેમજ અન્ય વેપારી સફરીઓ આ માર્ગનો અને આ શહેરનો ઉપયોગ કરતા હતા. ચીની માલ આ શહેર મારફતે પશ્ચિમ એશિયા અને યુરોપમાં જતો હતો.
આજે ચીનમાં મુસ્લિમોની સંખ્યા લઘુમતીમાં છે. આ શહેરમાં પણ તેઓ વસે છે. આ પ્રજા વાસ્તવમાં અરબી વેપારીઓ અને સૈનિકોમાંથી ઊતરી આવેલી છે. 1949માં સામ્યવાદીઓએ ચીનનો અંકુશ હાથમાં લીધા બાદ, વાયવ્ય ચીનનો ઔદ્યોગિક વિકાસ થયો છે અને આ શહેરનું મહત્વ પણ વધ્યું છે. આજે અહીં રસાયણો, યંત્રસામગ્રી, ખનિજતેલ તથા સ્નેહકો(lubricants)નું ઉત્પાદન લેવાય છે. આ શહેર ઉત્તર, પૂર્વ અને દક્ષિણ તરફનાં ચીનનાં ઘણાં શહેરો સાથે માર્ગોથી સંકળાયેલું છે. 1995 મુજબ એની વસ્તી 16,70,000 છે.
ગિરીશભાઈ પંડ્યા