લાંગના રોગો : લાંગ (Lathyrus sativus grass-pea) નામના કઠોળને થતા રોગો. લાંગ દેખાવમાં વટાણા જેવો હોય છે. તેના બીજમાં આવેલ ચરબી-તેલ ઝેરી હોવાથી વારંવાર તેનું પ્રાશન કરનાર વ્યક્તિ મોટેભાગે કલયખંડ (lathyrism) રોગથી પીડાય છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં લાંગમાં રહેલાં ઝેરી રસાયણો દૂર કરવાનું સંશોધન ચાલુ છે. ફૂગના ચેપથી લાંગમાં સુકારો અને પાનનાં ટપકાં/ઝાળરોગ રોગો જોવા મળે છે.
1. સુકારો : ફ્યુઝેરિયમ નામની ફૂગથી આ રોગ થાય છે. તે લાંગમાં સર્વત્ર જોવા મળે છે. આ રોગ ગરમ અને શુષ્ક વાતાવરણમાં ઝડપથી ફેલાય છે.
પાકની કોઈ પણ અવસ્થામાં ફૂગ છોડ પર આક્રમણ કરે છે. નવા ઊગતા છોડમાં રોગ ત્રણ અઠવાડિયાંમાં જોવા મળે છે. રોગ લાગેલો છોડ 3થી 5 અઠવાડિયાંમાં મૃત્યુ પામી જમીન પર ઢળી પડે છે. આવા ઢળી પડેલા છોડ ઉપાડીને જોવાથી થડનો જમીનથી ઉપર અને નીચેનો બેથી ત્રણ સેમી. જેટલો ભાગ ચીમળાયેલો દેખાય છે. થડના ચીમળાયેલા ભાગ ઉપર સડો જોવા મળતો નથી. રોગિષ્ઠ છોડનાં મુખ્ય મૂળ અને થડને ઊભાં ફાડીને જોવાથી તેના વાહી પુલોની પેશીઓ ઘેરા ભૂખરા અથવા કાળા રંગની જોવા મળે છે.
સુકારાનો રોગ થતાં છોડ પર ફૂલ બેસવાની શરૂઆત થતાં કૂંપળો અને પાન નીચે નમી લટકી પડે છે. આ અસર છોડના ઉપરના કુમળા ભાગમાં સૌપ્રથમ જોવા મળે છે અને 2 થી 3 દિવસમાં તેના પ્રસારથી આખા છોડનાં પાન, ડાળી સુકાઈ જાય છે. છોડનાં નીચેનાં પાન પીળાં બને છે, જ્યારે ઉપરનાં પાંદડાં ચીમળાયેલાં, લીલાં સુકાયેલાં અને નમી પડેલાં જોવા મળે છે. છેલ્લી અવસ્થામાં છોડનાં બધાં જ પાન સુકાઈ શરૂઆતમાં પીળાં થઈ, ત્યારબાદ ઝાંખાં ભૂખરાં કે ઘાસ જેવા રંગનાં થઈ જાય છે. સુકાયેલાં પાન છોડ ઉપર ડાળી સાથે લટકતાં જોવા મળે છે, જ્યારે છોડના થડ અને મૂળના વાહી પુલો (xylem vessels) ઘેરા ભૂખરા કે કાળા રંગના જોવા મળે છે. એક જ ખેતરમાં દર વર્ષે લાંગનો પાક લેવામાં આવતાં રોગની શરૂઆત કૂંડાળા રૂપે થઈને પછી તેનો ફેલાવો થતો જણાય છે.
આ રોગના નિયંત્રણનાં પગલાં તરીકે (1) લાંબા ગાળા માટે પાકની ફેરબદલી કરવી, (2) રોગપ્રતિકારક જાતોની વાવણી સારી નિતારવાળી જમીન પર કરવી, (3) થાયરમ, કૅપ્ટાન કે કાર્બેન્ડિઝમ દવાનો બીજને પટ આપી તેની વાવણી કરવી હિતાવહ લેખાય છે.
2. પાનનાં ટપકાં/ઝાળરોગ : ખૂબ જ ઓછા વિસ્તારમાં લાંગનો પાક લેવામાં આવતો હોવાથી પાનનાં ટપકાં કે ઝાળરોગનો ખાસ અભ્યાસ થયેલ નથી. જોકે લાંગમાં એસ્કોકાયટા જેવી ફૂગથી પાનનો આ રોગ થતો નોંધાયેલ છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ