લાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળના ઉપકુળ પૅપિલિયો-નૉઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lathyrus sativus Linn. (હિં. ખેસારી, લાત્રી; બં. ખેસારી; મ. લાખ; ગુ. લાંગ; અં. ચિંકલિંગ વેચ, ગ્રાસ પી) છે. તે બહુશાખી, ઉપોન્નત (sub-erect) એકવર્ષાયુ જાતિ છે અને કઠોળ તથા ચારા માટે ખાસ કરીને ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી ઉગાડવામાં આવે છે. તેનું પ્રકાંડ લગભગ 1.2 મી. લાંબું હોય છે. તે પીંછાકાર (pinnate) સંયુક્ત પર્ણ ધરાવે છે. પર્ણિકાઓ સામાન્યત: બે હોય છે અને તેઓ રેખીય-ભાલાકાર (linear-lanceolate) હોય છે. ઉપરની પર્ણિકાઓ સૂત્રોમાં પરિણમે છે. પુષ્પો એકાકી, કક્ષીય, રતાશ પડતાં જાંબલી, ભૂરાં કે સફેદ હોય છે. ફળ શિંબી પ્રકારનું, લંબચોરસ (oblong), 2.5 સેમી.થી 3.7 સેમી. લાંબું, ચપટું, સહેજ વાંકું અને પૃષ્ઠસપાટીએથી દ્વિ-પક્ષ હોય છે. પ્રત્યેક ફળમાં ફલકિત (faceted), ભૂખરાં-બદામી કે પીળાશ પડતા રંગનાં, સામાન્યત: ટપકાંવાળાં કે કાબરચીતરાં અને વટાણા કરતાં નાનાં ચારથી પાંચ બીજ હોય છે. તે 14 રંગસૂત્રો (chromosomes) ધરાવે છે.

લાંગ દક્ષિણ યુરોપ અને પશ્ચિમ એશિયાની મૂલનિવાસી વનસ્પતિ છે અને ભારત, ઈરાન, મધ્ય-પૂર્વ, દક્ષિણ યુરોપ અને દક્ષિણ અમેરિકામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં આ પાક 15 લાખ હેક્ટર વિસ્તારમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ, બિહાર, ઈશાન પ્રદેશ, મધ્યપ્રદેશ, મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણના પ્રદેશમાં થાય છે.

લાંગ લગભગ બધા જ પ્રકારની હલકીથી ભારે મૃદા(soil)માં ઉગાડી શકાય છે. છતાં, મધ્યમ કાળીથી ભારે કાળી માટીમાં કે ગોરાડુ જમીનમાં તે સારી રીતે થાય છે. તે સહિષ્ણુ (hardy), સરળતાથી ઉગાડી શકાય તેવી વનસ્પતિ છે. શુષ્ક જમીનમાં, અતિશય વરસાદ કે પૂરથી અસરગ્રસ્ત જમીનમાં પણ તે ઊગે છે. ઘઉં, કપાસ, ચોખા અને જાણીતાં કઠોળ માટે અયોગ્ય જમીનમાં લાંગ ઊગે છે. તેનું વાવેતર મુખ્ય કે મિશ્ર પાક તરીકે થાય છે. ચોખાના ઊભા પાક સાથે પણ તે ઘણી વાર વાવવામાં આવે છે. દક્ષિણમાં તેને ચોખા પછી ઉગાડાય છે.

લાંગનો પાક ઠંડી ઋતુનો હોવાથી તેનું વાવેતર ઑક્ટોબરથી નવેમ્બર માસમાં કરવામાં આવે છે. છોડની બે હાર વચ્ચે 30 સેમી. જેટલું અંતર રાખવામાં આવે છે. કેટલાંક રાજ્યોમાં આ પાક પૂંખીને પણ વાવવામાં આવે છે. આ પાક ખરીફ ઋતુમાં જમીન પાણીથી ઢંકાયેલ રહેતી હોય ત્યાં થાય છે.

લાંગનો મુખ્ય પાક લેવાનો હોય ત્યારે 30 કિગ્રા.થી 40 કિગ્રા. બીજ/હેક્ટરની જરૂરિયાત રહે છે. અન્ય પાક સાથે તેનું મિશ્ર વાવેતર કરવાનું હોય તો 15 કિગ્રા./હેક્ટર બીજની જરૂર પડે છે. તેને વાવતાં પહેલાં બેથી ત્રણ હળવી ખેડ કરી, સમાર મારી જમીન તૈયાર કરવામાં આવે છે. જમીન તૈયાર કરતી વખતે સારું કોહવાયેલું 10 ટનથી 15 ટન છાણિયું ખાતર પ્રતિહેક્ટર આપવાથી રાસાયણિક ખાતરની જરૂરિયાત ઘટાડી શકાય છે. આમ છતાં, સારા ઉત્પાદન માટે નાઇટ્રોજન 10 કિગ્રા. અને ફૉસ્ફરસ 40 કિગ્રા. પ્રતિહેક્ટર આપવાં જરૂરી છે.

વાવણીમાં નિષ્કાળજી રાખવામાં આવી હોય તો લાંગની સાથે આંકરી (Vicia sativa), V. angustifolia syn. V. sativa var. angustifolia, મસૂર ચણા (V. hirsuta), જંગલી મટર (Lathyrus aphaca) જેવી કેટલીક શિંબી કુળની અપતૃણ જાતિઓ ઊગી નીકળે છે. આ અપતૃણો લાંગથી જુદાં ઓળખી શકાય છે; પરંતુ જો તેમને તેમની તરુણ-અવસ્થામાં દૂર કરવામાં ન આવે તો તેઓ લાંગ સાથે પુષ્કળ પ્રમાણમાં વીંટળાઈ જાય છે અને લાંગથી તેમને અલગ કરી શકાતાં નથી. આ કારણે બજારમાં આવતું આ કઠોળ ઘણી વાર અપતૃણનાં બીજ સાથે મિશ્ર થયેલું હોય છે.

લાંગ વધારે આર્થિક અગત્ય ધરાવતો પાક નહિ હોવાથી જુદી જુદી કેટલીક દેશી જાતોને પસંદગીની પદ્ધતિથી વિકસાવી ગુજરાત રાજ્યમાં રેવા–2 અને ટી–2–12 જેવી જાતોનું વાવેતર કરવામાં આવે છે. પી–24 જાતમાં BOAAનું પ્રમાણ ઓછું હોવાથી વાવણી માટે વધારે વપરાય છે. નં. 9 અને નં. 11 જેવી જાતો મધ્યપ્રદેશમાંથી બહાર પાડવામાં આવી છે. P–24 ભારતીય કૃષિસંશોધન કેન્દ્ર, નવી દિલ્હી દ્વારા વિકસાવાયેલી જાત છે, જેમાં ન્યૂરોટૉક્સિનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.

લાંગ(Lathyrus sativus)ની પુષ્પ અને ફળવાળી શાખા

લાંગને તળછારા(Oidium erysiphoides અને perenospora lathyripalustris)નો રોગ થાય છે. આ રોગથી પાન અને દાંડી નીચે ઘેરા જાંબલી રંગની ભૂકી બાઝેલી જોવા મળે છે. રોગગ્રસ્ત ભાગો પીળા પડી ફાટી જાય છે. પાકને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે અને પાકની ફેરબદલી કરવામાં આવે તો રોગને આવતો અટકાવી શકાય છે. બોર્ડો-મિશ્રણ અથવા 0.2 % ઝાઇરમનો છંટકાવ કરવાથી પાકને ફાયદો થાય છે. આ પાકને ભૂકી છારો (Erysiphe polygoni), ગેરુ (Uromyces pisi અને U. fabae) અને સુકારા (Fusarium orthoceros var. lathyri)ના રોગો થાય છે. સુકારામાં થડ અને મૂળની નસો પીળી પડી જાય છે અને છોડ નબળો પડી સુકાઈ જાય છે. ઇન્દોર ટી–2–12 જેવી રોગ-અવરોધક જાતિનું વાવેતર કરવાથી અને રોગગ્રસ્ત છોડોને ખેતરમાંથી ઉખાડીને બાળી નાખવાથી રોગનું નિયંત્રણ થઈ શકે છે.

લાંગનો પાક વાવણી પછી જુદી જુદી જાતો પ્રમાણે 125થી 140 દિવસે તૈયાર થાય છે. પાક પરિપક્વ થાય ત્યારે દાતરડાથી કાપી ખળામાં એક અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી સુકાવા દેવામાં આવે છે. ત્યારપછી ખળામાં બળદ ચલાવવાથી દાણા છૂટા પડે છે. પાકનું ઉત્પાદન 900 કિગ્રા.થી 1,200 કિગ્રા./હેક્ટર મળે છે.

ભારતીય લાંગના પુષ્પના રંગ, ફળ ઉપર આવેલાં ચિહનો, બીજનાં કદ અને રંગને આધારે લગભગ 56 પ્રકારોમાં તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેઓ નાનાં મધ્યમ અને મોટા કદનાં; અને રંગે ભૂખરાં, કાળાં કે કાબરચીતરાં હોય છે. ડાંગરનાં ખેતરોમાં ઉગાડેલા લાંગના પાકનાં બીજ ઘઉંનાં ફળદ્રૂપ શુષ્ક મૃદા ધરાવતાં ખેતરોમાં ઉગાડેલા લાંગના પાકનાં બીજ કરતાં નાનાં હોય છે. નાના બીજવાળી જાતને ‘લાખોરી’ (વજન, 77 ગ્રા.થી 108 ગ્રા./100 બીજ) અને મોટા બીજવાળી જાતને ‘લાખ’ (વજન, 110 ગ્રા.થી 245 ગ્રા./100) બીજ કહે છે.

દુષ્કાળના સમયમાં લાંગનો ગરીબ લોકો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેનો રોટલીઓ, લાડુ, કઢી બનાવવામાં કે બાફીને કઠોળ તરીકે ખાવામાં ઉપયોગ થાય છે. કેટલીક જગાએ બીજનાં આવરણ કાઢી લઈ અને ભૂંજ્યા પછી જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો બીજાં કઠોળ સાથે અપમિશ્રક (adulterant) તરીકે ઉપયોગ થાય છે. બીજને તૈલી ખોળ અને ક્ષારો સાથે મિશ્ર કરી ઢોરો માટે પોષક ખાણ તૈયાર કરવામાં આવે છે. બીજનો ‘હોમિયોપથી’માં ઉપયોગ થાય છે. પ્લાયવુડના આસંજક(adhesive)ની બનાવટ માટે જરૂરી પ્રોટીનના સ્રોત તરીકે પણ તે ઉપયોગી છે.

તેના બીજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 10 %, પ્રોટીન 28.2 %, લિપિડ (ઈથર નિષ્કર્ષ) 0.6 %, કાર્બોદિતો 58.2 % અને ખનિજ દ્રવ્ય 3 %. બીજમાં સ્ટાર્ચ (34.8 %), સુક્રોઝ (1.5 %), પેન્ટોસન (6.8 %), ફાઇટિન (3.6 %), લિગ્નિન (1.5 %), સ્ટેચિયોઝ, રેફિનોઝ અને પૅક્ટિન હોય છે. સ્ટાર્ચમાં ઍમાઇલોઝ (30.3 %) અને ઍમિલોપૅક્ટિન (69.7 %) હોય છે. તે આલ્બુમિન (6.64 %), પ્રોલેમાઇન (1.49 %), ગ્લૉબ્યુલિન (13.30 %), ગ્લુટેલિન (3.75 %) ધરાવે છે.

પ્રોટીન-અંતર્ગ્રહણની 10 %ની કક્ષાએ પ્રોટીનની પાચ્યતા (digestibility) ઊંચી (90 %) હોય છે; પરંતુ તેનું જૈવિક મૂલ્ય (biological value) નીચું (50 %) હોય છે. પ્રોટીનમાં રહેલા આવશ્યક ઍમિનોઍસિડોની સાંદ્રતા (ગ્રા./16 ગ્રા. નાઇટ્રોજન) આ પ્રમાણે છે : આર્જિનિન 7.85, હિસ્ટિડીન 2.51, લ્યુસિન 6.57, આઇસોલ્યુસિન 6.59, લાયસિન 6.94, મિથિયોનિન 0.38, ફીનિલ ઍલેનિન 4.14, થિપ્રોનિન 2.34, ટ્રિપ્ટોફેન 0.40 અને વેલાઇન 4.68. પ્રોટીનમાં મિથિયોનિન અને ટ્રિપ્ટોફેનની ન્યૂનતા હોય છે. બીજનું પ્રેષતાપન (autoclaving) કરી મિથિયોનિનની પૂર્તિ કરતાં તેમનું પોષણમૂલ્ય વધે છે.

બીજમાં હાજર પ્રજીવકોમાં કૅરોટિન (પ્રજીવક ‘એ’ તરીકે) 200 આઇ.યુ., થાયેમિન 0.21 મિગ્રા., રાઇબૉફ્લેવિન 0.16 મિગ્રા. નિકોટિનિક ઍસિડ 3.3 મિગ્રા., બાયૉટિન 7.5 મિગ્રા, પૅન્ટોથેનિક ઍસિડ 2.6 મિગ્રા., ફૉલિક ઍસિડ 100 મિગ્રા., પાયરિડૉક્સિન 0.65 મિગ્રા., ઇનોસિટોલ 140 મિગ્રા., એસ્કૉર્બિક ઍસિડ 3.1 મિગ્રા. અને ડીહાઇડ્રૉ-એસ્કૉર્બિક ઍસિડ 0.2 મિગ્રા./100 ગ્રા.નો સમાવેશ થાય છે. અંકુરિત બીજમાં ફૉલિક ઍસિડ, બાયૉટિન અને પાયરિડૉક્સિન સિવાયનાં બધાં પ્રજીવકોમાં પુષ્કળ વધારો થાય છે.

લિપિડોમાં ચરબી (60 %) અને ફૉસ્ફેટિડ (40 %) હોય છે. ઈથર સાથે બીજનું નિષ્કર્ષણ કરતાં તીવ્ર અને દાહક વાસ ધરાવતું ઘટ્ટ તેલ પ્રાપ્ત થાય છે. આ તેલ વિરેચક (cathartic) ગુણધર્મ ધરાવે છે, પરંતુ વિષાક્ત (toxic) હોય છે.

પુષ્પો ધરાવતા હવાઈ ભાગોમાંથી કૅમ્પ્ફેરોલ અને ક્વિર્સેટિન અને તેમના 7-0-α-L – ર્હેમ્નોફ્યુરેનોસાઇડ્ઝ, ફૉર્મોનોન્ક્ટિન અને લ્યુટિયોલીનનું અલગીકરણ કરવામાં આવ્યું છે. બીજમાંથી આઇસોએવેનાસ્ટેરૉલ અને ક્લેરોસ્ટૅરોલ તેમજ 24-એપિક્લેરોસ્ટેરૉલનું મિશ્રણ પ્રાપ્ત થયું છે. શુષ્ક બીજ અને તેના રોપમાંથી હૉમોઆર્જિનિન અને V-એમીનોબ્યુટિરિક ઍસિડ મેળવવામાં આવ્યાં છે. રોપાઓમાંથી γ-ગ્લુટેમિલ – β – (આઇસોક્સેઝોલિન – 5 ઑન – 2 – ઇલ) એલેનિનનું અલગીકરણ કરવામાં આવ્યું છે. β-એન-ઑક્ઝેલિલ એમીનોઍલેનિનની ઉંદરને 748.8 મિગ્રા. / કિગ્રા. અને મરઘીને 694.4 મિગ્રા. / કિગ્રા. વિનાશક માત્રા 50 (lethal dose 50) આપવામાં આવે તો તીવ્ર લાંગ-રુગ્ણતા (lathyrism) થાય છે. યકૃત અને મૂત્રપિંડમાં કણિકામય ગુણનાશન (denaturation) અને રસધાનીય અને મેદીય વિઘટન થાય છે. તે મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર ચેતાવિષ (neuro-poison) તરીકે કાર્ય કરે છે.

બીજમાં 2.6 % થી 2.8 % ખનિજદ્રવ્યો હોય છે, જેમાં ફૉસ્ફરસ (P2O5) 20.80 %, કૅલ્શિયમ (CaO) 12.62 %, મૅગ્નેશિયમ (MgO) 3.87 %, પોટૅશિયમ (K2O) 47.20 %, સોડિયમ (Na2O) 20.35 %, ક્લૉરીન 3.28 % અને સલ્ફર 3.25 %નો સમાવેશ થાય છે. બીજમાંથી ઍલ્યુમિનિયમ, બૉરૉન, તાંબું, લોહ, લિથિયમ, મૅંગેનીઝ, મોલિબ્ડેનમ, નિકલ, સીસું, ટાઇટેનિયમ, ફ્લોરિન અને સેલેનિયમ જેવાં અલ્પ તત્વો (trace elements) પણ પ્રાપ્ત થયાં છે. અંકુરિત બીજમાં લોહ તત્વનું પ્રમાણ (5.53 મિગ્રા./100 ગ્રા.) વધારે હોય છે.

તેનાં પર્ણો શાકભાજી તરીકે વપરાય છે. પર્ણનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 84.2 %, પ્રોટીન 6.1 %, મેદ (ઈથર નિષ્કર્ષ) 1.0 %, કાર્બોહાઇડ્રેટ 7.6 %, ખનિજદ્રવ્ય 1.1 %, કૅલ્શિયમ 0.16 % અને ફૉસ્ફરસ 0.1 %, લોહ 7.3 મિગ્રા. અને કૅરોટિન (પ્રજીવક ‘એ’ તરીકે) 6,000 આઇ. યુ./100 ગ્રા..

લાંગનો ચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પુષ્પ સહિતના લીલા છોડનું શુષ્કતાને આધારે કરવામાં આવેલ એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પ્રોટીન 17.3 %, રેસો 36.6 %, મેદ 4.47 %, ભસ્મ 6.0 %, ફૉસ્ફરસ (P2O5) 0.51 % અને કૅલ્શિયમ (CaO) 1.08 %. ઘોડાઓને તાજા નાના છોડ એકલા જ આપવામાં આવે તો નુકસાનકારક છે; પરંતુ ગાય, ભેંસ, ઘેટાં કે સસલાંઓને તે કોઈ માઠી અસર ઉત્પન્ન કરતા નથી.

અછતના સમયમાં ગરીબ લોકો મહિનાઓ સુધી લાંગના બીજનો મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એક પ્રકારના પક્ષાઘાતથી અસરગ્રસ્ત બને છે, જેને ‘લાંગ-રુગ્ણતા’ કહે છે. આ કઠોળનો કોઈ કોઈ વાર થતો ઉપયોગ જોકે નુકસાનકારક નથી. બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પૂર્વીય જિલ્લાઓમાં મનુષ્ય અને પશુધન આ રોગનો ભોગ વધુ પ્રમાણમાં બને છે. સામાન્ય રીતે ચોમાસામાં રોગની શરૂઆત એકાએક જ થાય છે અને દર્દીને ચાલવામાં તકલીફ પડે છે. તેની ચાલ આંચકાવાળી બને છે. જાંઘ અને પગની પિંડીના સ્નાયુઓ અક્કડ બની જાય છે અને પગને પક્ષાઘાત લાગુ પડે છે. કરોડરજ્જુમાં વિપોષી (degenerative) ફેરફારો થાય છે. શરીરના ઉપરના ભાગના સ્નાયુઓ ઉપર કોઈ અસર થતી નથી. મસ્તિષ્ક મેરુજળ(cerebrospinal fluid)માં દબાણ, કોષની સંખ્યા કે આલ્બુમિન દ્રવ્યમાં કોઈ અસાધારણતા ઉત્પન્ન થતી નથી. ઘોડાઓમાં પગ ઉપરાંત સ્વરપેટીના સ્નાયુઓને પક્ષાઘાત થાય છે અને તેઓ તીવ્ર રૂંધામણ અનુભવે છે અને મૂર્છા પામે છે, જે કેટલીક વાર ઘાતક બને છે.

સામાન્યત: લાખોરી બીજ નુકસાન કરતાં નથી. લાખનાં બીજ ઝેરી મનાય છે. તેનાં બીજ Vicia sativa સાથે મિશ્ર થયેલાં હોય ત્યારે તે ઍલ્કૉઇડલ ગુણધર્મો ધરાવે છે. તેમાંથી વીસીન અને ડાઇવીસીન જેવા બેઝ અને વીસિયેનિન નામનો નીલિમાજનક (cyanogenetic) ગ્લુકોસાઇડ મળી આવ્યા છે, જે ગિનીપિગમાં લાક્ષણિક ઘાતક રોગ ઉત્પન્ન કરે છે. તે ચેતાતંત્ર અને સ્નાયુતંત્ર પર અસર કરે છે. તેનાથી મનુષ્યમાં લાંગ-રુગ્ણતા થાય છે. લાંગમાં સેલેનિયમની હાજરીથી મિથિયોનીનની ચયાપચયની પ્રક્રિયામાં વિક્ષેપ પડતાં લાંગ-રુગ્ણતા થાય છે, તેવી પણ માન્યતા છે. તેથી ભારત સરકારે લાંગ અને લાંગની નીપજોના વેચાણ પર કાયદેસર પ્રતિબંધ મૂક્યો છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશ યશરાજભાઈ પટેલ

બળદેવભાઈ પટેલ