લહા, ચિત્તરંજન (રસમય સેનાપતિ) (જ. 10 જાન્યુઆરી 1940, પોટકા, પૂર્વ સિંગભૂમ, બિહાર) : બંગાળી વિવેચક. તેઓ પટણા યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી.ની પદવી મેળવ્યા પછી ડી.લિટ્. થયા. તેઓ રાંચી યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે. વળી એ જ યુનિવર્સિટીમાં તેમણે બંગાળીના પ્રાધ્યાપક અને વિભાગના વડા તરીકે પણ કામ કરેલું. ત્યારબાદ ભાગલપુર યુનિવર્સિટીમાં 1980–81 દરમિયાન બંગાળીના પ્રાધ્યાપક તથા વિભાગના વડા તરીકે કામગીરી કરી હતી. તેમણે લેખનકાર્ય પણ કર્યું છે.
તેમની માતૃભાષા બંગાળી હોવા છતાં તેમણે અંગ્રેજીમાં પણ લેખનકાર્ય કર્યું છે. તેમણે કુલ 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘બાંગ્લા નાટક ટ્રૅજેડી’ (1963), ‘બાંગ્લા નાટક ટૅકનિક’ (1970), ‘બાંગ્લા સાહિત્યે પૅરડી’ (1980), ‘સાહિત્ય પ્રસંગ’ (1983), ‘વિદૂષક ઓ બાંગ્લા નાટક’ (1985), ‘ધાલભૂમેર લોકગીત’ 2 ગ્રંથો (1986), ‘એવં રવીન્દ્રનાથ’ (1996) (તમામ વિવેચનો), ‘સૉંગ્ઝ ઑવ્ ધ રૉક્સ’ (અંગ્રેજી 1990) ખૂબ નોંધપાત્ર છે.
તેમણે ઘણી રાષ્ટ્રીય પરિષદોમાં પ્રમુખસ્થાન સંભાળ્યું છે. તેમના સાહિત્યિક પ્રદાન બદલ બંગાળ સાહિત્ય અકાદમી સહિત ઘણી અકાદમી સંસ્થાઓ તરફથી તેમને અનેક ચંદ્રકો તથા સન્માનો પ્રાપ્ત થયાં છે.
બળદેવભાઈ કનીજિયા